23 March, 2026 02:32 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
તાજેતરમાં બ્રિટનની નૅશનલ હેલ્થ સર્વિસ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાએ મેડિકલ જગતમાં ખળભળાટ મચાવી દીધો છે. ગયા વર્ષે આશરે ૫૬,૦૦૦થી વધુ બાળકોના દાંત હૉસ્પિટલમાં જઈને કાઢવા પડ્યા હતા. આ આંકડો ગયા વર્ષની સરખામણીએ ૧૪ ટકાનો વધારો દર્શાવે છે જે સૂચવે છે કે બાળકોનું ડેન્ટલ હાઇજીન ગંભીર જોખમમાં છે.
બ્રિટિશ ડેન્ટલ અસોસિએશનના જણાવ્યા મુજબ હૉસ્પિટલમાં દાખલ થતાં પાંચથી નવ વર્ષનાં બાળકોમાં સૌથી મોટું કારણ દાંતનો સડો છે. દાંત કાઢવાની સર્જરી માટે બાળકોને જનરલ ઍનેસ્થેસિયા આપવાની જરૂર પડે છે જે જોખમી પ્રક્રિયા છે. બાળકોના દાંતમાં વધી રહેલા સડા પાછળનું મુખ્ય કારણ ખોરાકમાં ખાંડનું વધુ પ્રમાણ અને બ્રશ કરવાની નબળી આદતો છે. બાળકો સતત ચૉકલેટ, સોડા અને મીઠાઈઓનું સેવન કરે છે જેનાથી દાંતના પડ ઘસાય છે અને બૅક્ટેરિયા ઊંડે સુધી પહોંચી જાય છે.
નિષ્ણાતો ચેતવણી આપે છે કે આ સ્થિતિ માત્ર બ્રિટન પૂરતી મર્યાદિત નથી. ભારત જેવા દેશોમાં પણ જન્ક ફૂડના વધતા પ્રભાવને કારણે આવી સ્થિતિ સર્જાઈ શકે છે. ડેન્ટલ સર્જરી માત્ર શારીરિક પીડા જ નથી આપતી, બાળકના આત્મવિશ્વાસ અને એજ્યુકેશન પર પણ અસર કરે છે. ડૉક્ટરો સલાહ આપે છે કે બાળકના પહેલા જન્મદિવસ સુધીમાં એક વાર ડેન્ટલ ચેકઅપ કરાવવું જોઈએ અને તેમને ફ્લોરાઇડયુક્ત ટૂથપેસ્ટથી બ્રશ કરવાની આદત પાડવી જોઈએ. માતા-પિતાએ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે રાત્રે સૂતા પહેલાં બાળક કંઈ પણ ગળ્યું ન ખાય.