25 March, 2026 01:09 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
આપણે સામાન્ય રીતે માનીએ છીએ કે બાળપણમાં દાંતનો સડો એ માત્ર ચૉકલેટ ખાવાનું પરિણામ છે જે દૂધના દાંત પડવાની સાથે મટી જશે, પરંતુ ડેન્માર્કની યુનિવર્સિટી ઑફ કોપનહેગનના તાજેતરના અભ્યાસે સમગ્ર વિશ્વને ચોંકાવી દીધું છે. આ સંશોધન મુજબ જે બાળકોને નાનપણમાં પેઢાંના રોગનો કે દાંતનો ગંભીર સડો હોય છે તેમને ૩૦ કે ૪૦ વર્ષની ઉંમરે હૃદયરોગ થવાનું જોખમ અનેકગણું વધી જાય છે. આ અભ્યાસમાં પાંચ લાખથી વધુ લોકોના ૨૦ વર્ષના મેડિકલ ડેટાનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. સંશોધકોએ જોયું કે જે બાળકોના દાંતમાં નાનપણથી જ ઇન્ફ્લમેશન એટલે કે સોજો રહેતો હતો તેમને પુખ્ત વયે હાર્ટઅટૅક કે સ્ટ્રોક આવવાની શક્યતા ૩૦થી ૪૫ ટકા સુધી વધી ગઈ હતી. આનું મુખ્ય કારણ ઓરલ બૅક્ટેરિયા છે. જ્યારે પેઢાંમાં સોજો કે લોહી નીકળવાની સમસ્યા હોય ત્યારે મોઢાના હાનિકારક બૅક્ટેરિયા લોહીના પ્રવાહમાં ભળે છે. આ બૅક્ટેરિયા હૃદયની ધમનીઓ સુધી પહોંચીને ત્યાં સોજો પેદા કરે છે અને ચરબી જમા કરવામાં મદદ કરે છે.
આ પ્રક્રિયાને કારણે ધમનીઓ સાંકડી થાય છે જેને મેડિકલની લૅન્ગ્વેજમાં ઍથેરોસ્ક્લેરોસિસ કહેવામાં આવે છે. અભ્યાસમાં એ પણ બહાર આવ્યું છે કે સ્ત્રીઓમાં આ જોખમ પુરુષો કરતાં થોડું વધારે જોવા મળ્યું છે. આ સંશોધન આજના પેરન્ટ્સ માટે એક મોટી ચેતવણી છે. બાળપણમાં બ્રશ ન કરવાની નબળી આદત માત્ર દાંત પૂરતી મર્યાદિત નથી. એ શરીરના સૌથી મહત્ત્વના અંગ હૃદયને લાંબા ગાળે નુકસાન પહોંચાડે છે. નિષ્ણાતો સલાહ આપે છે કે બાળકોને દિવસમાં બે વાર બ્રશ ન કરવાની અને ગળી વસ્તુઓ ઓછી ખાવાની આદત પાડવી જોઈએ. દાંતનું સ્વાસ્થ્ય આખા શરીરના સ્વાસ્થ્યનો પાયો છે.