મરચાં મને જરાય સદતા નથી, શું કરવું?

12 January, 2022 11:22 PM IST  |  Mumbai | Yogita Goradia

મને એ સમજાતું નથી કે એક સમયમાં હું ૧૦ મરચાં પણ કાચા ખાઈ જતો અને મને કઈ થતું નહીં, આજે બે મરચાંમાં હાલત ખરાબ થઈ જાય છે. જીભ મરચું માગે છે અને પેટ એ તીખાશ સહન કરી નથી શકતું. આ બાબતે કોઈ ઉપાય છે?

પ્રતીકાત્મક તસવીર

 હું ૬૦ વર્ષનો છું. પહેલેથી જ મને તીખું ખાવાનું ખૂબ જ ભાવે. તીખું-તમતમતું ન હોય તો હું ભાણા પરથી ઊભો થઈ જતો, પરંતુ છેલ્લાં ૧-૨ વર્ષથી મને મરચું સદતું નથી. ઍસિડિટી, બળતરા અને પૂંઠમાં પણ બળતરા થાય છે. ડૉક્ટર કહે છે કે મારે મરચું બંધ કરી દેવું જોઈએ. મને એ સમજાતું નથી કે એક સમયમાં હું ૧૦ મરચાં પણ કાચા ખાઈ જતો અને મને કઈ થતું નહીં, આજે બે મરચાંમાં હાલત ખરાબ થઈ જાય છે. જીભ મરચું માગે છે અને પેટ એ તીખાશ સહન કરી નથી શકતું. આ બાબતે કોઈ ઉપાય છે?
   
તમારી જે હાલત છે એવી ઉંમરની સાથે ઘણા લોકોની હાલત થતી હોય છે. પેટ અને પાચનશક્તિ સમય સાથે નબળાં પડતાં જાય છે, જેને લીધે દરેક પ્રકારના મસાલા, તીખું, તળેલું, ખાટું દરેક વસ્તુનો અતિરેક નડતો થઈ જાય છે. એ સત્યનો સ્વીકાર અઘરો પડી જાય છે, પણ એને સ્વીકારવા સિવાય છૂટકો નથી. ખાસ કરીને તીખું અને તળેલું તમારા પેટની લાઇનિંગને અસર કરે છે. એમાં પણ જો તમે મીઠું વધુ ખાતા હોય તો આ અસર બેવડાઈ જાય છે. તકલીફ એ છે કે ૬૦ વર્ષ સુધી જે ટેસ્ટ સાથે તમે જીવતા આવ્યા છો એ જીભનો ટેસ્ટ એકદમથી તો બદલાવાનો નથી. ધીમે-ધીમે તમે તમારા ખોરાકમાં પરિવર્તન લાવો. તીખું નહીં ખાઓ તો ચાલે જ નહીં એ માનસિકતા બદલો. મન મારીને નહીં, ખુશીથી જીવનના આ પરિવર્તનને સ્વીકારો. ઘણા વડીલો અફસોસ જ કર્યા કરતા હોય છે કે મારાથી પહેલાં જેવું તો ખવાતું જ નથી, એવું ન કરો. એવો કોઈ ઇલાજ નથી જેનાથી તમે ફરીથી પહેલાં જેવા મરચાં ખાઈ શકો એ હકીકત છે. ઊલટું આ આદત બદલવાનું મહત્ત્વ તમારે સમજવું જ જોઈએ. 
લીલી તીખી મર્ચી ખાઓ જ નહીં. જાડાં અને મોટાં મરચાં ખાશો જેમ કે ભાવનગરી કે કૅપ્સિકમ કે પછી આછી લીલી મર્ચી જે પ્રમાણમાં ઓછી તીખી હોય છે એ ખાવાનું શરૂ કરો. દરરોજ એક મરચું પણ બસ છે. વળી ઘણાને એવી માન્યતા પણ હોય છે કે સૂકા મસાલા કરતાં લીલો મસાલો નુકસાન ઓછું કરે, પણ હકીકત એ છે કે જો લીલા મસાલામાં તમે તીખાં મરચાં લો તો નુકસાન એટલું જ થવાનું છે. માટે એમ ન કરો. લાલ મરચું, પણ કાશ્મીરી વાપરવાનું ચાલુ કરો. એની સાથે ખોરાકમાં દહીં, છાસનું પ્રમાણ વધારો. પેટ નરવું રહે એ પ્રકારનું ભોજન લો. 

columnists health tips