ક્લોરોફિલ વૉટર તમે ટ્રાય કરવા માગો છો? તો આટલું જાણી લો

07 April, 2026 03:16 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સાદી રીતે સમજીએ તો પાણીમાં એ પ્રકારના પદાર્થ નાખવા જેમાં ક્લોરોફિલનું કૉમ્પોનન્ટ હોય એ પાણી ક્લોરોફિલ વૉટર તરીકે ઓળખાય

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

આજકાલ પાણી પૂરતું નથી. હેલ્થ માટે પાણીના રંગો બદલાઈ રહ્યા છે. જીવનમાં રંગ અનિવાર્ય છે એ સમજાય, પરંતુ આજકાલ વેલનેસ-ઇન્ડસ્ટ્રી પાણીને રંગીન બનાવી રહી છે. કાળું પાણી પીવાનો ટ્રેન્ડ હજી તો શરૂ થયો છે એની સાથે-સાથે લીલું પાણી પીવાનો ટ્રેન્ડ પણ ઊપડ્યો છે. આપણને વૃક્ષ કે એનાં પાંદડાં કે ઘાસ હંમેશાં લીલા રંગનાં દેખાય છે અને આ લીલા રંગ પાછળ જે દ્રવ્ય મહત્ત્વનું છે એનું નામ છે હરિત દ્રવ્ય કે ક્લોરોફિલ. જે દ્રવ્ય ઝાડને પોષણ આપે છે એ દ્રવ્ય આજકાલ વેલનેસ અને હેલ્થ-ઇન્ડસ્ટ્રીમાં ખાસ્સું પ્રખ્યાત થઈ રહ્યું છે. ખાસ કરીને ક્લોરોફિલના પાણીનો ઉપયોગ ખાસ્સો પ્રખ્યાત થઈ રહ્યો છે.

સાદી રીતે સમજીએ તો પાણીમાં એ પ્રકારના પદાર્થ નાખવા જેમાં ક્લોરોફિલનું કૉમ્પોનન્ટ હોય એ પાણી ક્લોરોફિલ વૉટર તરીકે ઓળખાય. આ ક્લોરોફિલ એક દ્રવ્ય છે જેને સરળ બનાવીને વાપરવામાં આવે છે. નહીંતર એ શરીરમાં જઈને કામ ન કરી શકે. સીધું ક્લોરોફિલ પાણીમાં ઓગળે નહીં. એટલે એનું રૂપ બદલવું પડે છે. ક્લોરોફિલના કણમાં રહેલું મૅગ્નેશિયમનું તત્ત્વ બદલીને એમાં કૉપરનું તત્ત્વ નાખવાથી જે પ્રકારનું ક્લોરોફિલ બને એ પાણીમાં દ્રાવ્ય હોય છે. સેમી-સિન્થેટિક પ્રકારનું ક્લોરો​ફિલ જે પાણીમાં દ્રાવ્ય હોય એનો ઉપયોગ આ પ્રકારનું પાણી બનાવવામાં કરવામાં આવે છે.

એના ફાયદામાં મુખ્ય ફાયદો છે કૅન્સરથી બચાવ. આ સિવાય ઇન્ફ્લૅમેટરી બૉવેલ સિન્ડ્રૉમ કે આર્થ્રાઇટિસ જેને સંધિવા કહેવાય છે એના જેવા વાતના રોગો સામે રક્ષણ મળે છે. જો તમારે ક્લોરોફિલ વૉટરના ફાયદા જોઈતા હોય તો માર્કેટમાં ક્લોરોફિલિન સપ્લિમેન્ટ્સ મળે જ છે જે મોટા ભાગે પ્રવાહીના સ્વરૂપમાં જ મળતાં હોય છે. એને ઘરે પાણીમાં ઉમેરીને પીવાનાં હોય છે. 
ઘણા લોકો દરરોજ એનું સેવન કરતા થયા છે. દિવસની શરૂઆતમાં ઊઠીને તરત પહેલાં પાણી પીવાને બદલે ક્લોરોફિલવાળું પાણી પી શકાય છે. ઘણા આ પાણીને ડીટૉક્સ વૉટર તરીકે વાપરે છે એટલે કે જ્યારે ડીટૉક્સ કરવાની ઇચ્છા હોય કે ડાયટ ચાલતી હોય ત્યારે એનું સેવન કરે છે. એમાં પણ કશું ખોટું નથી. ઘણા લોકો કસરત કર્યા પછી એની રિકવરી માટે આ પાણી પીએ છે.

કસરતને કારણે આવતી સ્નાયુઓની તકલીફમાં એ હીલિંગનું કામ કરે છે. આ સિવાય જે લોકોનું પાચન મંદ હોય કે પોતાના પાચનને તેઓ સશક્ત બનાવવા માગતા હોય તેમને પણ આ પાણી મદદરૂપ છે. આ પાણીથી તમને ફાયદો થશે જ એમ માનીને આંખ બંધ કરીને એ અપનાવવું નહીં. તમે આ પાણી ટ્રાય કરી જુઓ. જો ફાયદો લાગે, એવું લાગે કે ના, મને એ માફક આવે છે તો તમે એ લઈ શકો છો. આ સિવાય તમારા ડૉક્ટરની સલાહ પણ લેવી.

healthy living health tips life and style lifestyle news columnists