24 July, 2026 05:28 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ડૉ. સુશીલ શાહ
ડેન્ગી એક વેક્ટર-બૉર્ન ડિસીઝ છે જે મચ્છરના કરડવાથી ફેલાય છે. એટલે કે જે વ્યક્તિને ડેન્ગી થયો હોય તે વ્યક્તિને મચ્છર કરડે તો એ રોગના જંતુ એ મચ્છરની લાળમાં જતા રહે અને પછી જ્યારે એ બીજી વ્યક્તિને કરડે ત્યારે એ ફેલાય. ડેન્ગી જે મચ્છરથી ફેલાય છે એનું નામ છે એડીઝ આઇજિપ્તી. આ મચ્છર દિવસના સમયે ખાસ કરીને કરડે છે. ડેન્ગી એક સામાન્ય વાઇરલ ઇન્ફેક્શન જ છે જે દવાઓ અને સપોર્ટિવ ટ્રીટમેન્ટ દ્વારા મોટા ભાગે ઠીક થઈ જાય છે. આ ઇન્ફેક્શનમાં ૮૦ ટકા કેસમાં એવું બને છે કે આ ઇન્ફેક્શન માઇલ્ડ પ્રકારનું હોય છે. બાકીના ૨૦ ટકા કેસમાંથી ૧૦ ટકા કેસ એવા હોય છે જે થોડા સિરિયસ હોય અને ૧૦-૧૫ દિવસના ઇલાજ પછી એ ઠીક થઈ જાય. બાકીના પાંચ-દસ ટકા કેસ એવા હોય છે જે સિરિયસ કહી શકાય. એ કેસ એવા ગંભીર હોય છે કે આ ઇન્ફેક્શનની અસર તેમના પર ઘાતક સાબિત થાય છે. નાનાં બાળકો અને ઉંમરલાયક વડીલો પર આ રોગનું રિસ્ક ઘણું વધારે રહે છે. જેને કોઈ માંદગી હોય, હૉસ્પિટલમાં ભરતી હોય એવા દરદીઓને ડેન્ગી થાય તો તેમની હાલત ગંભીર થવાની પૂરી શક્યતા રહે છે.
ડેન્ગીનો જે ઇલાજ છે એ એનાં લક્ષણો સંબંધિત રહે છે. દરદી જ્યારે ગંભીર હાલતમાં હૉસ્પિટલમાં દાખલ થાય ત્યારે કયા પ્રકારનો ઇલાજ તેને મળતો હોય છે એ સમજવા માટે પહેલી મહત્ત્વની વાત એ છે કે ડેન્ગી વાઇરસ માટે કોઈ દવા નથી. તમારી રોગપ્રતિકારક શક્તિ જાતે આ વાઇરસ સાથે લડે અને રોગમાંથી પોતે મુક્ત થાય. ઇલાજ ફક્ત દરદીનાં બીજાં લક્ષણોને કાબૂમાં રાખવા અને રોગને કારણે પરિસ્થિતિ વણસે નહીં એ માટે જ હોય છે.
ડેન્ગીની શરૂઆતની ટ્રીટમેન્ટમાં વ્યક્તિને ભરપૂર પાણી આપવામાં આવે છે જે ખૂબ જ જરૂરી છે. જોકે ઘણા દરદીઓને ઝાડા-ઊલટીના માધ્યમથી પેટમાં પાણી ટકતું નથી. તાવ આવતો હોય તો પૅરાસિટામોલ અપાતી હોય છે. જો દરદીને ઝાડા-ઊલટીનાં લક્ષણો ન હોય તો પાણી પિવડાવતા રહેવાથી પ્રૉબ્લેમ ઓછો થઈ શકે છે, પરંતુ જો તેના પેટમાં એ ન ટકે તો ગ્લુકોઝ આપવામાં આવે છે. આ હાઇડ્રેશન ખૂબ જ મહત્ત્વનું છે.
આ સિવાય ડેન્ગીમાં લોહીમાંના પ્લેટલેટ કાઉન્ટ ૧૦૦૦૦થી ઓછા થઈ જાય તો એને કારણે લોહી ગંઠાવાનું કામ થતું નથી. જો કોઈ જગ્યાએથી શરીરમાં ઇન્ટર્નલ બ્લીડિંગ ચાલુ થઈ જાય તો પ્લેટલેટ ઓછા હોવાને કારણે ગંભીર પરિસ્થિતિ સર્જાઈ શકે છે અને વ્યક્તિનું મૃત્યુ થઈ શકે છે. આવું ન થાય એ માટે દરદીને પ્લેટલેટ્સ ચડાવે છે. આ સિવાય જ્યારે
જુદાં-જુદાં અંગો પર એની અસર થાય - જેમ કે હૃદય પર કે કિડની પર - તો એ અસર કયા પ્રકારની છે એ મુજબ એનો ઇલાજ થાય છે.