29 January, 2026 02:54 PM IST | Mumbai | Yogita Goradia
પ્રતિકાત્મક ફાઇલ તસવીર
ડાયટ હેલ્થનો સૌથી મહત્ત્વનો ભાગ છે. તમે તમારી હેલ્થ માટે અમુક પ્રકારની ડાયટ કરવા માગતા હો, વજન ઉતારવા માગતા હો, કોઈ ઇન્ફ્લુઅન્સરના કહેવા પ્રમાણે કે કોઈ ઍક્ટરનું આંધળું અનુકરણ શરૂ કરતાં પહેલાં અમુક મૂળભૂત વસ્તુઓ ડાયટ વિશે જાણી લો એ જરૂરી છે. દેખાવમાં નાના લાગતા આ બદલાવ મોટા રિઝલ્ટ લાવે છે એ ધ્યાન રાખજો.
આપણી સમગ્ર હેલ્થ આપણા પાચન પર જ નિર્ભર કરે છે. પાચન જેટલું સારું એટલી હેલ્થ સારી. લોકોને વજન ઉતારવાની મથામણ કરતાં પાચન પ્રબળ કરવાની મથામણ કરવી વધુ જરૂરી છે જે તેમને વધુ સારું સ્વાસ્થ્ય આપી શકે. તમારું પાચન એટલું સ્ટ્રૉન્ગ હોવું જોઈએ કે દરેક ખોરાક તમે પચાવી શકો એ તમને કોઈ રીતે નડી ન શકે. ખોરાકથી તમે ડરો નહીં અને એને માણી શકો.
ગ્લુટન બિલકુલ ખરાબ નથી પરંતુ શરૂઆતમાં જ્યારે પાચન નબળું હોય, એને રિપેરની જરૂર હોય ત્યારે ગ્લુટન ન લેવાથી સારાં રિઝલ્ટ મળે છે. એક વખત પાચન વ્યવસ્થિત થઈ જાય પછી ગ્લુટન લઈ શકાય છે. બહારનો ખોરાક ગમેતેટલો હેલ્ધીના નામે વેચાતો હોય, પરંતુ એ ન જ ખાવો અને ઘરે જ ખોરાક બને એવો દુરાગ્રહ કેળવવો જરૂરી છે. નૅચરલ ફૂડ ડાયટમાં સામેલ કરો અને પ્રોસેસ્ડ ફૂડ, પ્રિઝર્વેટિવ્ઝવાળા ફૂડ કે પૅકેટ ફૂડ સંપૂર્ણપણે બંધ કરો. આ સ્ટેપ ડાયટમાં અત્યંત મહત્ત્વનું છે જે લોકો સ્કિપ કરી જાય છે.
આજકાલ લોકો ખોરાક પર ઓછું અને સપ્લિમેન્ટ પર વધુ ભાર આપતા થઈ ગયા છે, જે યોગ્ય નથી જ. સપ્લિમેન્ટ વિટામિન્સનનાં હોય કે પ્રોટીનનાં, સ્પોર્ટ્સમેન કે ઍથ્લીટ્સ માટે હોય છે. બીમાર વ્યક્તિ કે ઊણપ ધરાવતી વ્યક્તિ પણ એ લઈ શકે છે. પરંતુ સામાન્ય વ્યક્તિઓ માટે એ ડાયટનું રિપ્લેસમેન્ટ હોતાં નથી. એક સામાન્ય વ્યક્તિ જે શારીરિક રીતે વધુપડતી મહેનત કરતી નથી, તેણે હેલ્ધી ડાયટ પર જ ફોકસ કરવું, નહીં કે સપ્લિમેન્ટ્સ લીધાં કરવાં.
દેશી ડાયટ જ બેસ્ટ છે. જે ખોરાક પરંપરાગત ચાલ્યો આવે છે, જે તમારી પેઢીઓને પોષણ આપી રહ્યો છે એનાથી શ્રેષ્ઠ કંઈ હોતું નથી. એના પર પ્રશ્નાર્થ કરતાં પહેલાં તમારે વિચારવું જરૂરી છે. વળી દેશી ખોરાકમાં ફક્ત ખોરાક મહત્ત્વનો નથી. જેમ કે બાજરાનો રોટલો. એ પોષણયુક્ત છે પરંતુ એને ઉનાળામાં ન ખવાય. જો તમારી તાસીર ગરમ હોય તો પણ ન ખવાય. વળી એને ઘી અને ગોળ સાથે જ ખાવો જોઈએ. આમ દેશી ડાયટમાં ઋતુ, સમય, પ્રકૃતિ અને એનું કૉમ્બિનેશન બધું જ મહત્ત્વનું છે. એની જેને સમજ ન હોય તેને દેશી ડાયટ ગણ કરતી નથી. એટલે એ સમજદારી કેળવવી પણ જરૂરી છે.