10 October, 2025 11:50 AM IST | Mumbai | Dr. Meeta Shah
પ્રતીકાત્મક તસવીર
ડાયાબિટીઝ એક એવો રોગ છે જેમાં લોહીમાંની શુગર વધવાને કારણે ઘણા જુદા-જુદા કૉમ્પ્લીકેશન્સ સર્જાતાં હોય છે. ડાયાબિટીઝ ધરાવતી કોઈ પણ વ્યક્તિ હંમેશાં એ તકેદારી રાખે છે કે તેને કોઈ પણ પ્રકારનો ઘાવ ન થાય. પરંતુ અમુક પરિસ્થિતિ એવી આવે છે જ્યારે ડાયાબિટીઝના દરદીને સર્જરી કરાવવી પડે. ડાયાબિટીઝના દરદીઓના જીવનમાં ક્યારેક ને ક્યારેક એવો સમય આવે જ છે જ્યારે તેમણે સર્જરી કરાવવી પડે છે અને આ સમયે એક સામાન્ય વ્યક્તિ કરતાં તેમના પર આ સર્જરીનું રિસ્ક વધુ જ રહે છે.
લોહીમાં શુગર હોવાને કારણે બૅક્ટેરિયા એના તરફ આકર્ષાય છે અને ઇન્ફેક્શન થવાનું રિસ્ક વધે છે. સર્જરી પછી જો ઇન્ફેક્શન થાય તો એને દવાઓ દ્વારા કન્ટ્રોલ કરવું જરૂરી બને છે. કન્ટ્રોલમાં ન રહેતો ડાયાબિટીઝ ઇન્ફેક્શનને વધારે છે અને વધેલું ઇન્ફેક્શન ડાયાબિટીઝને કન્ટ્રોલ બહાર કરે છે. આમ પરિસ્થિતિ ક્યારેક ગંભીર બની જતી હોય છે. વળી જે લોકોને ૨૦-૨૫ વર્ષથી ડાયાબિટીઝ છે તેમના માટે આ રિસ્ક વધુ ગહેરું બને છે. ડાયાબિટીઝ જેને પણ હોય તેમની ઇમ્યુનિટી ઘણી જ ઓછી હોય છે અને રોગ સામે લડવાની તાકાત ધીમે-ધીમે ક્ષીણ થતી જતી હોય છે. એટલે પણ સર્જરી પછીના ઇન્ફેક્શનનું રિસ્ક વધુ રહે છે. મહત્ત્વનું એ છે કે કોઈ પણ સર્જરી કરતી વખતે એ જોવામાં આવે કે આ સર્જરીથી મળતો ફાયદો એ એની સાથે જોડાયેલા રિસ્કથી વધુ છે કે નહીં. જો એ હોય તો જ સર્જરી કરવાનો નિર્ણય લેવો જોઈએ. બીજું એ કે ડાયાબિટીઝ આજની તારીખમાં કન્ટ્રોલમાં રાખવો એટલું અઘરું નથી. જે પણ વ્યક્તિને ડાયાબિટીઝ છે તે આ રોગ બાબતે ગંભીર બને અને એને કન્ટ્રોલમાં રાખવા માટે જરૂરી નિયમોનું પાલન કરે તો ભવિષ્યમાં આવતા સર્જરી સાથે જોડાયેલા રિસ્કને નહીંવત કરી શકાય છે.
ડાયાબિટીઝ સાથે સર્જરી કરાવો ત્યારે જરૂરી છે કે ડૉક્ટરને તમારા ડાયાબિટીઝની હિસ્ટરી વિશે દરેક માહિતી આપવી. છેલ્લા ૩ મહિનાનો ડાયાબિટીઝ જો ચોક્કસ કન્ટ્રોલમાં ન હોય તો સર્જરીને રિસ્ક વગર ૩ મહિના સરળતાથી ટાળી શકાય એમ હોય તો ટાળવી અને ડાયાબિટીઝને પહેલાં એકદમ કન્ટ્રોલમાં લાવવો, પછી સર્જરી કરાવવી. તમારા સર્જ્યન સાથે ડાયાબિટીઝને લગતા તમામ રિસ્ક ફૅક્ટર સમજીને પછી જ સર્જરી કરાવવાનો નિર્ણય લો. ખાસ કરીને જો તમને ૨૦-૨૫ વર્ષથી ડાયાબિટીઝ હોય ત્યારે આ નિર્ણય સમજી-વિચારીને લેવો. જરૂરી ન હોય એવી સર્જરી કરાવવાનું રિસ્ક ન લેવું. જેમ કે સ્કિન સંબંધિત કોઈ સર્જરી. રિસ્ક ફૅક્ટરથી ડરવાની જરૂર નથી પરંતુ જો એ તમને ખબર હોય તો આ બાબતે તમે સજાગ રહો એ જરૂરી છે.