યુવાનીમાં ડાયાબિટીઝની શરૂઆત દેખાતાં જ ચિંતા કરવાને બદલે લાઇફસ્ટાઇલ બદલો

13 August, 2026 05:47 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

યુવાનોમાં ડાયાબિટીઝના વધતા કેસ ચિંતાજનક છે. નિષ્ણાતો વહેલી તપાસ, HbA1c ટેસ્ટ અને લાઇફસ્ટાઇલમાં જરૂરી બદલાવને રોગ નિયંત્રણ માટે મહત્વપૂર્ણ માને છે.

ડૉ. મીતા શાહ

૧૬થી ૨૬ વર્ષની યુવાન વયે જ્યારે વ્યક્તિને નખમાંય રોગ ન હોવો જોઈએ ત્યારે ડાયાબિટીઝ જેવો મોટો રોગ લઈને બેઠેલાં આ ઉદાહરણો સાવ એકલ-દોકલ નથી. આજકાલ ઘણા યુવાનો આ રોગનો ભોગ બની રહ્યા છે જે પોતાનામાં એક મોટી ચિંતા લઈને આવનારું તથ્ય છે. દરેક ઘરમાં ઓછામાં ઓછી એક વ્યક્તિ ડાયાબિટીઝનો રોગ ધરાવે છે એ વાત સાચી, પરંતુ જો આ વ્યક્તિ ઘરની સૌથી યુવાન વ્યક્તિ હોય તો ચિંતા બેવડાય એ પણ સહજ છે. 
આજથી ૨૦ વર્ષ પહેલાં જ્યારે અમે મેડિકલ કૉલેજમાં ભણતા ત્યારે ૬૦ વર્ષની ઉંમર પછી લોકોને ડાયાબિટીઝ આવતો જેની સાથે હાઈ બ્લડપ્રેશરની તકલીફ પણ લોકોને આવતી. અમે પ્રૅક્ટિસ શરૂ કરી ત્યારે ૫૦ વર્ષે ડાયાબિટીઝનું નિદાન થવા લાગ્યું અને ડાયાબિટીઝ, બ્લડપ્રેશરની સાથે-સાથે વ્યક્તિને કૉલેસ્ટરોલનો પ્રૉબ્લેમ પણ આવવા લાગ્યો હતો. આજની તારીખે ૨૦ વર્ષની ઉંમરે ડાયાબિટીઝનું નિદાન થઈ રહ્યું છે જેની સાથે PCOS, ફૅટી લિવર, સ્લીપ ઍપ્નીઆ જેવી તકલીફો આવી રહી છે. આ વાત પોતાનામાં ડાયાબિટીઝની એક જર્ની બતાવી રહી છે. પહેલાંના સમયમાં મોટી ઉંમરે ડાયાબિટીઝ આવતો ત્યારે એ ઉંમરને કારણે આવતો નસોનો પ્રૉબ્લેમ હતો. આજની તારીખે યુવાન વયે આ બધી તકલીફો સાથે ડાયાબિટીઝ આવી રહ્યો છે એનું કારણ બગડતી જતી લાઇફ-સ્ટાઇલ છે. એને કારણે આટલી યુવાન વયે બીજા બધા પ્રૉબ્લેમ્સની સાથે-સાથે ડાયાબિટીઝ આવી રહ્યો છે.
ડાયાબિટીઝની અસર શરીર પર હોય અને એની ખબર જેટલી જલદી તમને પડે એટલી જ જલદી તમે ચેતી શકો છો અને લાઇફ-સ્ટાઇલમાં જરૂરી બદલાવ કરીને આ રોગને તમે પાછો ધકેલી શકો છો, પરંતુ જો ચાર-પાંચ વર્ષથી આ રોગ છે અને તમને ખબર જ નથી તો એને પાછો મોકલવો સરળ બનશે નહીં. એટલે ૨૦ વર્ષની ઉંમર પછી દર વર્ષે એક વાર HBA1C નામની ટેસ્ટ ચોક્કસ કરાવો. આ ૩ મહિનાની ઍવરેજ શુગરની ટેસ્ટ છે. જો એમાં તમારી શુગર પ્રી-ડાયાબેટિક સ્ટેજ પર આવી કે પછી ડાયાબિટીઝનું નિદાન આવ્યું તો તાત્કાલિક ડૉક્ટરને મળો. એટલું જ નહીં, લાઇફસ્ટાઇલ એક્સપર્ટને મળીને એને પૂરી રીતે સુધારો. આ સ્ટેપ અતિ અનિવાર્ય છે. મહત્ત્વનું એ છે કે જેમ યુવાન વયે ડાયાબિટીઝ જલદી આવી રહ્યો છે એમ લાઇફસ્ટાઇલમાં બદલાવ લાવીશું તો એ જલદી પાછો પણ જતો રહેશે. ૬૦ વર્ષની વ્યક્તિ અને ૨૦ વર્ષની વ્યક્તિ બન્ને ડાયાબિટીઝને પાછો ધકેલવાની એકસરખી મહેનત કરે તો યુવાન વ્યક્તિને પૉઝિટિવ રિઝલ્ટ મળવાની શક્યતા ઘણી વધુ રહે છે. એટલે નિરાશ થવાને બદલે મહેનતના માર્ગે આગળ વધો.

lifestyle news life and style healthy living health tips diabetes