માનસિક રોગોમાં પણ શું ડાયટની કાળજી જરૂરી છે?

04 June, 2026 01:37 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ખોરાકની સીધી અસર જો મન પર થતી હોય તો માનસિક રોગો માટે પણ એનું મહત્ત્વ ઓછું તો ન જ હોઈ શકે. એ સમજવું ભૂલ ભરેલું છે કે ફક્ત ડાયટથી માનસિક રોગનો ઇલાજ થઇ શકે છે

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

સામાન્ય રીતે શારીરિક રીતે કોઈ પણ પ્રકારની માંદગી આવે તો એના માટે ભારતીય પરંપરામાં અલગ પ્રકારનો ખોરાક છે જ, પરંતુ માનસિક રોગો માટે પણ કોઈ ડાયટ હોઈ શકે જેનાથી ફાયદો થાય? લાઇફસ્ટાઇલ રિલેટેડ કોઈ રોગ આવે તો લોકો ડાયટિશ્યન પાસે જાય; પણ માનસિક રોગ આવે તો લોકો સાઇકોલૉજિસ્ટ કે સાઇકિયાટ્રિસ્ટ પાસે જાય, નહીં કે ડાયટિશ્યન પાસે. જોકે ખરેખર ખોરાકનું માનસિક રોગમાં મહત્ત્વ છે. તમે જે ખોરાક લો છો એવા જ તમે બનો છો એમ કહેવામાં આવ્યું છે. અન્ન એવું મન પણ કહેવાય જ છે. ખોરાકની સીધી અસર જો મન પર થતી હોય તો માનસિક રોગો માટે પણ એનું મહત્ત્વ ઓછું તો ન જ હોઈ શકે. એ સમજવું ભૂલ ભરેલું છે કે ફક્ત ડાયટથી માનસિક રોગનો ઇલાજ થઇ શકે છે. થેરપી અને દવાઓ જરૂરી ચોક્કસ છે, પણ એ દવાઓ જેના બેઝ પર કામ કરશે એ ન્યુટ્રિશન છે. પોષણ જો પૂરું હોય તો શારીરિક કે માનસિક રોગોથી કાયમ માટે મુક્તિ મળે છે. રોગને દૂર કરવામાં ડાયટ મદદરૂપ છે અને માનસિક રોગો એવા હોય છે જે ફરી-ફરીને આવતા હોય છે તો એમને ફરીથી આવતા રોકવામાં પણ એ ઉપયોગી છે. આજની તારીખે કોઈ પણ પ્રકારના રોગના ઇલાજમાં એક હોલિસ્ટિક અપ્રોચ જરૂરી માનવામાં આવે છે. એમાં ડાયટ પણ એક મહત્ત્વનું પરિબળ છે.

ડિપ્રેશનમાં અમે ગટ બૅક્ટેરિયા પર કામ કરવા માટે દરદીને પ્રો-બાયોટિક્સ આપીએ છીએ. ડિપ્રેશનમાં દહીં કે અથાણાં કે કિમચી જેવા નૅચરલ પ્રો-બાયોટિક પદાર્થો ખાવાનું કહીએ છીએ. તેમનું હૉર્મોન્સ-લેવલ ચેક કરીએ છીએ. જેમ કે સેરોટોનિન વધે એ પ્રયાસ કરીએ છીએ જે તેમની ઊંઘ અને ભૂખ પર કામ કરે અને મૂડ સારો કરવામાં પણ મદદ કરે. જુદા-જુદા નટ્સ સિવાય પાઇનૅપલ, કેળું, પ્લમ અને ટમેટાં દ્વારા શરીરમાં સેરોટોનિન વધે છે. આ સિવાય બૅલૅન્સ્ડ ડાયટ આપીએ છીએ. ઍન્ગ્ઝાયટી હોય તેમને પ્રી-બાયોટિકની સાથે પ્રો-બાયોટિક આપીએ છીએ. એ બન્ને આ પરિસ્થિતિમાં જરૂરી છે. આ સિવાય પ્રોટીન પણ એટલું જ જરૂરી છે.

વ્યક્તિ બીમાર હોય ત્યારે અમુક સમય માટે સપ્લિમેન્ટ્સ આપવાં વધુ ફાયદેમંદ સાબિત થયું છે. તમારું પાચન જ્યારે આમ પણ સારું નથી, તમને માનસિક રોગ છે એટલે તમે નિયમિત જમતા પણ હશો કે નહીં એ ખબર નથી, તમે ખુદનું ધ્યાન રાખી શકો એમ નથી તો એ પરિસ્થિતિમાં સપ્લિમેન્ટ્સ વધુ સારાં. માનસિક રોગ હોય ત્યારે દરદીએ ઑમેગા-૩ ફૅટી ઍસિડ, વિટામિન B કૉમ્પ્લેક્સ, વિટામિન D જેવાં સપ્લિમેન્ટ્સ લેવાં જરૂરી છે. આ ઉપરાંત મૅગ્નેશિયમ આ પરિસ્થિતિમાં ઘણું સારું કામ કરે છે એ ધ્યાનમાં રાખો.

mental health healthy living health tips diet lifestyle news life and style columnists