✕

માચા પીઓ, પણ આયર્ન સાથે લેવાની ભૂલ ન કરતા

08 October, 2026 05:20 PM IST  |  Mumbai | Heena Patel

જો શરીરમાં આયર્ન ઓછું હોય તો હીમોગ્લોબિનનું ઉત્પાદન ઘટે છે જેને કારણે શરીરના તમામ ભાગો સુધી પહોંચતી ઑક્સિજનની સપ્લાય પણ સીધી ઘટી જાય છે.

માચા

માચા ટી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે, પરંતુ એમાં રહેલાં પૉલિફિનૉલ્સ આયર્નના શોષણને ઘટાડી શકે છે. ખાસ કરીને આયર્નની કમી ધરાવતા લોકો માટે માચા ક્યારે અને કેટલી લેવી, આયર્નયુક્ત આહાર સાથે એનું અંતર કેમ રાખવું અને આયર્નનું શોષણ વધારવા માટે શું ખાવું એ સમજવું પણ એટલું જ જરૂરી છે

આજના સમયમાં માચા ટી પીવાનો ટ્રેન્ડ જોરશોરથી ચાલી રહ્યો છે. ઍન્ટિ-ઑક્સિડન્ટ્સથી ભરપૂર, વજન નિયંત્રિત કરવામાં મદદરૂપ અને શરીરને ડીટૉક્સ કરવા માટે જાણીતી આ જૅપનીઝ ગ્રીન ટીને આજના યુવાનો સ્વાસ્થ્યનો રામબાણ ઇલાજ માની બેઠા છે. જોકે કોઈ પણ વસ્તુ ભલે ગમે એટલી પૌષ્ટિક કેમ ન હોય, જો યોગ્ય જાણકારી વિના અને આંખ મીંચીને લેવામાં આવે તો એ અમૃતમાંથી ઝેરસમાન બની જાય છે. આવો જ એક ચોંકાવનારો કિસ્સો અમેરિકામાં સામે આવ્યો છે, જ્યાં અઠવાડિયે માત્ર એકાદ કપ માચા ટી પીવાની આદતે ૨૮ વર્ષની યુવતીને સીધી હૉસ્પિટલના ઇન્ટેન્સિવ કૅર યુનિટ (ICU) વૉર્ડમાં પહોંચાડી દીધી હતી.

શું છે સમગ્ર ઘટના?

અમેરિકાના સાઉથ કૅરોલિના રાજ્યમાં રહેતી લિન શાઝીન હેલ્થ-સેક્ટરમાં કામ કરે છે. પોતાના શરીરમાં ઇન્ફ્લમેશન ઓછું કરવા અને શરીરને ડીટૉક્સ રાખવાના આશયથી તેણે લગભગ છ મહિના પહેલાં માચા ટી પીવાનું શરૂ કર્યું હતું. લિન રોજ નહીં, અઠવાડિયામાં ફક્ત એક કે બે વાર જ માચા ટી પીતી હતી. શરૂઆતના દિવસો સામાન્ય રહ્યા, પરંતુ લગભગ ૩ મહિના વીત્યા પછી તેના શરીરમાં અજીબોગરીબ ફેરફારો અને તકલીફો શરૂ થઈ ગઈ. તેને સવારે ઊઠ્યા પછી પણ અતિશય થાક લાગતો હતો, આખો દિવસ શરીરમાં કોઈ ઊર્જા જ નહોતી રહેતી. આ ઉપરાંત સામાન્ય વાતાવરણમાં પણ તેને અસામાન્ય ઠંડી લાગતી હતી અને હાથ-પગ હંમેશાં બરફ જેવા ઠંડા રહેતા હતા. સૌથી ભયાનક સ્થિતિ ત્યારે બની જ્યારે અચાનક જ બેઠાં-બેઠાં તેના હૃદયના ધબકારા અનિયંત્રિત રીતે ખૂબ ઝડપથી વધી જવા લાગ્યા (જેને મેડિકલ ભાષામાં હાર્ટ પલ્પિટેશન કહેવાય છે). આ તકલીફ સહનશક્તિ બહાર થઈ ગઈ ત્યારે તેને તાત્કાલિક હૉસ્પિટલમાં લઈ જવામાં આવી. હૉસ્પિટલમાં ડૉક્ટરોએ તેના લોહીની તમામ ટેસ્ટ કરી ત્યારે રિપોર્ટ જોઈને સૌ ચોંકી ગયા. લિનનું સિરમ આયર્ન લેવલ જે સામાન્ય રીતે ઘણું વધારે હોવું જોઈએ, એ ઘટીને સીધું ૧૩ પર આવી ગયું હતું. માચા પીવાનું શરૂ કર્યું એ પહેલાં તેનું સિરમ આયર્ન લેવલ ૨૩ આસપાસ હતું. શરીરમાં હીમોગ્લોબિન અને આયર્નની આટલી તીવ્ર ઊણપને કારણે તેના હૃદય પર દબાણ વધી ગયું હતું, જેથી ધબકારા વધી ગયા હતા. ડૉક્ટરોએ તાત્કાલિક તેને IV ડ્રિપ ચડાવી અને આયર્નની સારવાર શરૂ કરવી પડી.

આવું આપણી સાથે ન થાય એ માટે માચા ટી કઈ રીતે શરીરમાં આયર્નના શોષણમાં બાધારૂપ બને છે, એનાથી શરીરમાં કઈ-કઈ તકલીફો ઊભી થાય છે, માચા ટી સંપૂર્ણ પીવાનું ટાળવું જોઈએ કે એના સેવનમાં ધ્યાન રાખવું જોઈએ, શરીરમાં બીજાં કયાં કારણોથી આયર્ન ઘટી શકે, આહારમાં શું સામેલ કરીએ તો આયર્ન લેવલ સુધરે એ તમામ સવાલોના જવાબ આપણે ડાયટિશ્યન ડિમ્પલ સંઘવી પાસેથી મેળવીએ.

માચા ટી  અને આયર્નનો સંબંધ

માચા ટીમાં પૉલિફિનૉલ્સ નામનાં તત્ત્વો હોય છે. પૉલિફિનૉલ્સ શરીરમાં આયર્નનું શોષણ ઘટાડે છે. તમે જ્યારે આયર્નયુક્ત ખોરાકની સાથે કે તરત જ પૉલિફિનૉલ્સ ધરાવતી વસ્તુઓ લો છો ત્યારે એ આયર્ન સાથે જોડાઈને એક એવું સંયોજન બનાવે છે જેને આપણું આંતરડું સરળતાથી શોષી શકતું નથી. શરીરમાં આયર્નનું પ્રમાણ ઘટી જાય છે ત્યારે અતિશય થાક અને નબળાઈ, ત્વચા અને ચહેરા પર ફીકાશ, શ્વાસ લેવામાં તકલીફ, ચક્કર અને માથાનો દુખાવો, હૃદયના અસામાન્ય ધબકારા, હાથ-પગ ઠંડા પડવા, નખ અને વાળની સમસ્યા જેવાં લક્ષણો જોવા મળે છે. આ તમામ લક્ષણો પાછળનું મૂળ કારણ શરીરમાં ઑક્સિજન પૂરતા પ્રમાણમાં ન પહોંચવો છે. આપણા શરીરમાં રક્તકણો (RBC)માં રહેલું હીમોગ્લોબિન આયર્ન અને પ્રોટીનથી બને છે. હીમોગ્લોબિનનું મુખ્ય કાર્ય ફેફસાંમાંથી ઑક્સિજન મેળવીને શરીરનાં તમામ અંગો, સ્નાયુઓ અને પેશીઓ સુધી પહોંચાડવાનું છે. જો શરીરમાં આયર્ન ઓછું હોય તો હીમોગ્લોબિનનું ઉત્પાદન ઘટે છે જેને કારણે શરીરના તમામ ભાગો સુધી પહોંચતી ઑક્સિજનની સપ્લાય પણ સીધી ઘટી જાય છે.

શું કાળજી રાખવી?

માચા ટીને સાવ છોડી દેવાની જરૂર નથી, પરંતુ એ ક્યારે અને કેટલી પીવી એનું ધ્યાન રાખવું જરૂરી છે. જો તમારા રિપોર્ટમાં આયર્ન કે હીમોગ્લોબિનનું લેવલ ઓછું આવ્યું હોય અને ડૉક્ટરે આયર્ન સપ્લિમેન્ટ્સ લેવાની સલાહ આપી હોય તો માચા ટી અને ગ્રીન ટીનું સેવન ઓછું કરવું અથવા થોડા સમય માટે ટાળવું યોગ્ય છે. ખાસ કરીને આયર્ન સપ્લિમેન્ટ લેતી વખતે એની સાથે માચા કે ગ્રીન ટી ન લેવી. સૌથી મહત્ત્વની બાબત એ છે કે બ્રેકફાસ્ટ, લંચ કે ડિનર સાથે માચા ટી ન પીવી. આયર્નયુક્ત ભોજનથી પણ માચા ટીનું થોડું અંતર રાખવું. સવારના નાસ્તા અને બપોરના જમણ વચ્ચે અથવા સાંજે અલગ સમયે માચા લઈ શકાય. દિવસ દરમ્યાન વારંવાર પીવાને બદલે એક કપ પૂરતી રાખવી વધુ યોગ્ય છે. અહીં એ પણ સમજવું જરૂરી છે કે માત્ર માચા ટી બંધ કરી દેવાથી આપોઆપ શરીરમાં આયર્નનું સ્તર સુધરી જતું નથી. આયર્નની કમીનું કારણ શોધવું અને જરૂર હોય તો ડૉક્ટરની સલાહ મુજબ આયર્નયુક્ત આહાર કે સપ્લિમેન્ટ્સ લેવાં જરૂરી છે.

આયર્નની કમીનાં બીજાં પણ કયાં કારણો હોઈ શકે

શરીરમાં આયર્નની કમી થવાનાં અનેક કારણો હોઈ શકે છે. મહિલાઓમાં માસિક ધર્મ દરમ્યાન દર મહિને બ્લડ-લૉસ થતો હોય છે. લોહી ગુમાવવાનો અર્થ છે શરીરમાંથી આયર્ન પણ ગુમાવવું. જો આ ખોટ પૂરવા જેટલું આયર્ન ખોરાકમાંથી ન મળે તો સમય જતાં આયર્નનું લેવલ ઘટી શકે છે. આહારમાં આયર્નની કમી પણ એક મહત્ત્વનું કારણ છે. જો દૈનિક ખોરાકમાં આયર્ન આપતાં કઠોળ, દાળ, લીલાં શાકભાજી, સીડ્સ અને અન્ય પૌષ્ટિક વસ્તુઓનો પૂરતો સમાવેશ ન થતો હોય તો શરીરને જરૂરી પ્રમાણમાં આયર્ન મળતું નથી. શરીર પોતે આયર્ન બનાવી શકતું નથી એટલે આહારમાંથી પૂરતું આયર્ન મળવું જરૂરી છે. શાકાહારી અને વેગન આહારમાં મુખ્યત્વે નૉન-હીમ આયર્ન મળે છે. એનું શરીરમાં શોષણ હીમ આયર્નની સરખામણીએ ઓછું થઈ શકે છે. જોકે વિટામિન C સાથે આયર્નવાળી વસ્તુઓ લેવાથી એના શોષણમાં મદદ મળી શકે છે. જે લોકો વારંવાર

બ્લડ-ડોનેશન કરતા હોય અથવા પાઇલ્સ, પેટના અલ્સર જેવી સમસ્યાઓને કારણે શરીરમાંથી વારંવાર કે છુપાયેલો બ્લડ-લૉસ થતો હોય તેમનામાં પણ આયર્નની કમી થઈ શકે છે. ખાસ કરીને લાંબા સમય સુધી થતો બ્લડ લૉસ ધ્યાનમાં ન આવે તો આયર્નનું લેવલ ધીમે-ધીમે ઘટી શકે છે. આ ઉપરાંત પાચનતંત્ર અથવા આંતરડાંની કેટલીક સમસ્યાઓમાં ખોરાકમાંથી આયર્નનું શોષણ યોગ્ય રીતે ન થઈ શકે. ઉદાહરણ તરીકે સેલિયાક ડિસીઝ જેવી સ્થિતિમાં આંતરડાંની આયર્ન શોષવાની ક્ષમતા અસરગ્રસ્ત થઈ શકે છે. એટલે પૂરતું આયર્નવાળું ખાવા છતાં વારંવાર આયર્નની કમી રહેતી હોય તો એનું મૂળ કારણ શોધવું પણ એટલું જ જરૂરી છે.

આયર્ન વધારવા શું કરવું?

શરીરને પૂરતું આયર્ન મળી રહે એ માટે રોજિંદા આહારમાં આયર્નથી ભરપૂર વસ્તુઓનો સમાવેશ કરવો જરૂરી છે. શાકાહારી આહારમાં રાજમા, ચણા, મસૂરદાળ, સોયાબીન, તોફુ, પાલક, મેથી, કોબી, પમ્પકિન સીડ્સ, તલ, કાજુ, બદામ, અખરોટ, ક્વિનોઆ, ઓટ્સ અને આયર્નથી ફોર્ટિફાઇડ અનાજ જેવા વિકલ્પો લઈ શકાય. માત્ર એક જ વસ્તુ પર આધાર રાખવાને બદલે
અલગ-અલગ સ્રોતમાંથી આયર્ન મેળવવું વધુ સારું છે. આયર્નનું શોષણ શરીરમાં સારી રીતે થાય એ માટે આયર્નવાળી વસ્તુઓ સાથે વિટામિન C ધરાવતી વસ્તુઓ લેવી ફાયદાકારક છે. જેમ કે દાળ કે ચણાના ભોજનમાં લીંબુનો રસ ઉમેરવો, સૅલડમાં ટમેટાં લેવાં અથવા ભોજનમાં આમળાંનો સમાવેશ કરવો. એની સાથે જ આયર્નવાળું ભોજન લેતી વખતે તરત ચા, કૉફી કે માચા ટી પીવાનું ટાળવું જોઈએ, કારણ કે એમાં રહેલાં કેટલાંક તત્ત્વો આયર્નના શોષણને ઘટાડી શકે છે.

health tips lifestyle news life and style columnists gujarati mid day