17 April, 2025 01:53 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
દુનિયામાં શક્તિશાળી ઉપચાર પદ્ધતિ એટલે આપણી પોતાની જીવ ઊર્જાનો ઉપયોગ. જીવ ઊર્જાનો ઉપયોગ ત્રણ રીતે કરી શકાય. શ્વાસોચ્છ્વાસ દ્વારા, નિદ્રા દ્વારા અથવા આપણા મગજમાં ઉત્પન્ન થતી શક્તિ દ્વારા. શ્વાસોચ્છ્વાસને પ્રાણાયામ કહીને એનો અપભ્રંશ કરવામાં આવ્યો છે. પ્રાણાયામ એટલે ખરેખર આપણી જે પ્રાણિક ઊર્જા છે એને ઉજાગર કરવી પછી એ શ્વાસોચ્છ્વાસ દ્વારા હોય અથવા અન્ય કોઈ યોગિક ક્રિયા દ્વારા હોય. પ્રાણાયામ માત્ર ઑક્સિજન લેવા પૂરતો મર્યાદિત નથી, પ્રાણાયામ હવા સાથે જે યુનિવર્સની વિશેષ કૉસ્મિક એનર્જી છે એ આપણી નાડીની અંદર ઉમેરે છે.
કુદરતી ઉપચારના નિયમો અનુસાર રોગનાં મુખ્ય બે કારણો હોય છે. એક તો પોષણનો અભાવ અને બીજો પ્રાણિક ઊર્જાનો અભાવ. શ્વાસોછ્ચ્વાસ દ્વારા જે પ્રાણિક ઊર્જા છે એને રોગગ્રસ્ત અવયવ હોય એટલે કે અંગ હોય ત્યાં સુધી તમે એને પહોંચાડી શકો. એ ઊર્જા એ જગ્યાએ પહોંચે એટલે એ અંગનું હીલિંગ થાય છે. નવજાત બાળક પેટથી શ્વાસ લેતું હોય છે, પરંતુ જેવું એ મોટું થાય એમ એ કુદરતી પ્રક્રિયા ભૂલી ઉપરછલ્લો શ્વાસ લેતું થઈ જાય છે. છાતી દ્વારા શ્વાસ લેવા લાગે છે. પેટ દ્વારા શ્વાસ લેવાને ઍબ્ડોમિનલ બ્રીધિંગ કહેવાય છે જેનાથી આપણી બધી જ નાડીઓમાં પ્રાણિક ઊર્જા, જે બ્રહ્માંડની ઊર્જા છે, એ ફેલાય છે. શ્વાસોચ્છ્વાસથી તમે દુખાવા સંબંધિત રોગોને પણ દૂર કરી શકો છો. માર્શલ આર્ટમાં એક કસરત છે કે તમને કંઈ વાગે અને તમે જોરથી હવા બહાર કાઢી નાખો શરીરમાંથી તો વેદના ટકી શકતી નથી. આ શ્વાસોચ્છ્વાસની ટેક્નિક બધા જ પ્રકારના રોગોમાં કામ કરે છે. ઊલટું હું તો કહીશ કે એ અનિવાર્ય છે જેને આધુનિક વિજ્ઞાન ભૂલી ગયું છે.
એક પ્રચલિત પ્રક્રિયા છે જેને બૉક્સ ઍબ્ડોમિનલ બ્રીધિંગ કહેવાય છે, જે દરેક વ્યક્તિએ શીખવી અને કરવી જોઈએ. આ પ્રક્રિયામાં વ્યક્તિએ મૅટ પર સૂઈ જવાનું. બન્ને હાથ પેટ પર રાખવાના. હવે જ્યારે શ્વાસ અંદર લો ત્યારે પેટ ફૂલવું જોઈએ, છાતી નહીં. અને શ્વાસ છોડો ત્યારે પેટ સંકોચાવું જોઈએ. અહીં છાતીને સંપૂર્ણ આરામ આપવાનો છે. આ સમજી જવાય એ પછી ત્રણ-ત્રણ-ત્રણ-ત્રણના કાઉન્ટમાં આ બ્રીધિંગ કરવું. એટલે કે ત્રણ કાઉન્ટમાં શ્વાસ લેવો, ત્રણ કાઉન્ટમાં એ અંદર રોકી રાખવો અને ત્રણ કાઉન્ટમાં છોડવો અને ફરીથી ત્રણ સેકન્ડ રોકાઈ જવું. ફરીથી આ જ પ્રક્રિયા કરવી. આવું સતત ૫-૧૦ મિનિટનું બ્રીધિંગ તમારી અંદર પ્રાણિક ઊર્જા ભરે છે અને રોગગ્રસ્ત વ્યક્તિને એનાથી મુક્ત થવામાં પૂરી મદદ કરે છે. આ પ્રકારનું હીલિંગ કોઈ પણ રોગમાં જરૂરી છે.