30 October, 2024 07:37 PM IST | Mumbai | Yogita Goradia
પ્રતીકાત્મક તસવીર
દિવાળી આવે એટલે કેટલાંક વર્ષોથી આપણા તહેવારો અને એમાં બનતી મીઠાઈઓ વિરુદ્ધ વાતો શરૂ થઈ જાય છે. મીઠાઈ ખાશું તો ડાયટની પથારી ફરી જશે, જાડા થઈ જઈશું જેવી વાતો સાંભળીને ખરેખર એમ લાગે છે કે આપણે ભણ્યા છીએ, પણ ગણ્યા નથી. ભારતીય મીઠાઈઓ ખાઈને તમે માંદા નહીં પડો એની ગૅરન્ટી છે, તમે એ ખાઈ જ શકો છો. બસ, એ ઘરે બનાવેલી હોવી જોઈએ અને એને મીઠાઈના રૂપે ખાવાની છે, જમણના રૂપે નહીં.
આપણે એક એવી અભાગી પ્રજા છીએ જે પોતાની પરંપરા પોતાનાં બાળકોને દઈને નથી જવાના. આપણી મીઠાઈઓ ખાતાં આપણને ડર લાગે છે, જાડા થવાનો કે ડાયાબિટીઝ થવાનો અને એની બદલે આપણે બિસ્કિટ, કેક, કપ-કેક, પેસ્ટ્રી બાળકોને ખવડાવીએ છીએ અને ખુદ પણ ખાઈએ છીએ. દર અઠવાડિયે કોઈ ને કોઈ બર્થ ડે પાર્ટીમાં કેક ખાતી વખતે આપણે વિચારતા નથી ડાયાબિટીઝ વિશે અને દિવાળીની મીઠાઈમાં આપણને ડાયાબિટીઝ યાદ આવે છે. આપણાં ઘરોમાં દિવાળીએ બનતી પારંપરિક મીઠાઈઓ ખાવી જ જોઈએ, કારણ કે આ મીઠાઈમાં વપરાતાં ડ્રાયફ્રૂટ્સ, ઘી, ચણાનો લોટ, ધાન્ય, ગુંદર, ગોળ વગેરે પદાર્થો શરીરને પોષણ આપે છે. એ ખૂબ જ ઉપયોગી છે. એમનો ગ્લાયસીમિક ઇન્ડેક્સ ઘણો જ નીચો છે. બંધ કરવું જ હોય તો ચૉકલેટ, કેક અને બિસ્કિટ બંધ કરો. એનાથી ડાયાબિટીઝ ચોક્કસ થાય છે, ભારતીય મીઠાઈઓથી નહીં. આપણા ટ્રેડિશનલ ફૂડમાં જે મીઠાઈનો સમાવેશ થાય એ છે ગોળપાપડી, શીરો, અડદિયા પાક, લાપસી વગેરે જે ઘરમાં બનાવવામાં આવતી દેશી વાનગીઓ છે જે શરીરને ખૂબ ઉપયોગી છે. ફરસાણમાં પણ જે ઘરે બનાવેલું ફરસાણ હોય એ ક્યારેય નુકસાન કરતું નથી.
ઘણા પેરન્ટ્સ એવી ફરિયાદ કરે છે કે આજકાલનાં બાળકો ઇન્ડિયન મીઠાઈ ખાતા જ નથી. એ એટલા માટે નથી ખાતા કે તેમને તમે એનું મહત્ત્વ સમજાવ્યું જ નથી. એને દરરોજ ચૉકલેટ આપતી વખતે તમે કહ્યું નહીં કે ચૉકલેટ ખરાબ છે અને લાડુ આપતી વખતે કહ્યું નહીં કે આ અતિ ગુણવાન છે. નાનપણથી જ તેને ભારતીય મીઠાઈઓ ખવડાવી હોય તો આવી તકલીફ ન થાય. ડ્રાયફ્રૂટ, શુગર અને દૂધ આ ત્રણેય પદાર્થો આપણી મીઠાઈઓમાં વપરાય છે જે બાળકો માટે ખૂબ જ હેલ્ધી છે. શુગર જ્યારે ડ્રાયફ્રૂટ કે દૂધ સાથે ભળે છે ત્યારે એ હેલ્ધી ફૉર્મ ધારણ કરે છે. મીઠાઈ હોય કે કોઈ પણ આહાર, દરેકમાં પ્રમાણભાન જરૂરી છે. ગમે એટલી ગુણકારી વસ્તુઓ હોય, પરંતુ એને ઠાંસીને ખાઓ તો એ નુકસાન તો કરશે જ. મનમાં અપરાધભાવ રાખ્યા વગર ખુશીથી ખાઓ, પરંતુ અતિરેક કરીને શરીર અને તહેવાર બન્ને ન બગાડો.