દિવાળીના પાંચ દિવસ મીઠાઈનો અતિરેક ભારે પડી શકે છે

21 October, 2025 05:25 PM IST  |  Mumbai | Dr. Meeta Shah

દર દિવાળીની સીઝન પતે એટલે મારી પાસે જેટલા દરદીઓ આવે છે એ દરદીઓમાં ૧૫ ટકા જેવો વધારો થઈ જાય છે

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

દિવાળી એના અંતિમ ચરણમાં આવીને ઊભી છે ત્યારે આનંદ, ઉત્સવ અને ઉજવણીની સાથે-સાથે એ અમુક પ્રકારની ઉપાધિ પણ લાવી શકે છે, ખાસ કરીને આપણે જ્યારે સજાગ ન રહીએ ત્યારે. આ તહેવારમાં ફટાકડા અને સૂતળી બૉમ્બના ધડાકાથી જ સાવચેત રહેવાની જરૂર નથી પરંતુ મોં મીઠું કરવાના નામે પેટમાં પધરાવનારા મીઠાઈઓના શુગર બૉમ્બ પ્રત્યે સજાગ રહેવાની વધુ જરૂર છે.

દિવાળી બીજા તહેવારોની જેમ એક દિવસનો તહેવાર નથી પરંતુ પાંચ-પાંચ દિવસનો તહેવાર છે. દર દિવાળીની સીઝન પતે એટલે મારી પાસે જેટલા દરદીઓ આવે છે એ દરદીઓમાં ૧૫ ટકા જેવો વધારો થઈ જાય છે. મહત્ત્વની વાત એ છે કે આ એ જ દરદીઓ નથી હોતા જેમને ઑલરેડી ડાયાબિટીઝ છે પરંતુ એમાં નવા દરદીઓ પણ હોય છે જેમને હમણાં જ શુગરની તકલીફ આવી હોય છે. દિવાળીની એ જ સમસ્યા છે કે કદાચ તમે એક દિવસ એક ટંક કંઈ ખાઈ લીધું તો તમને એ એટલું નુકસાન કરતું નથી પરંતુ પાંચ-પાંચ દિવસના આ તહેવારમાં તમે જો સજાગ ન રહ્યા તો ડાયાબિટીઝ મૅનેજ કરવાનું અઘરું પડી જાય છે.

જે લોકો ડાયાબિટીઝની બૉર્ડરે આવીને ઊભા છે એવા લોકોને પ્રી-ડાયાબેટિક કહેવામાં આવે છે. આ બધા જ લોકોએ ખૂબ જ સાવધાન રહેવું પડે છે. જો લાઇફસ્ટાઇલમાં થોડી પણ ગફલત આવી તો તરત જ આ રોગ હાવી થઈ શકે છે. આવા લોકોએ દિવાળી દરમિયાન પોતાના ખાનપાનમાં ખૂબ ધ્યાન રાખ્યું હશે એવી આશા છે. જે લોકોને ડાયાબિટીઝ છે જ અને એ માટે જે લોકો દવાઓ લઈ રહ્યા છે તેમના ડાયાબિટીઝનું બૅલૅન્સ ખોરવાવાની પૂરી શક્યતા છે. તમારી મેડિસિનથી જો તમારો ડાયાબિટીઝ કન્ટ્રોલમાં જ રહેતો હોય તો પણ જો તમારો રોગ જૂનો હોય તો અસર ખૂબ વધારે રહે છે. એકદમ ઉપર જતી શુગર લોહીની નળીઓને અસર કરે છે અને ડાયાબિટીઝને કારણે કિડની, હાર્ટ અને બીજાં અંગો પરની અસરમાં વધારો કરે છે. આમ જેટલો જૂનો તમારો ડાયાબિટીઝ એટલો કન્ટ્રોલ તમારે વધુ રાખવો પડે.

તહેવારને કારણે વ્યક્તિનું રૂટીન બગડે છે. ખાસ કરીને જમવાનો નિશ્ચિત સમય જળવાતો નથી. ડાયાબિટીઝ મૅનેજમેન્ટમાં એ સમય ખૂબ જ મહત્ત્વનો છે. એ સમય જાળવવાનો પ્રયાસ રાખવો જરૂરી છે નહીંતર લાંબો સમય ભૂખ્યા રહેવાથી શુગર એકદમ ઘટી જાય એમ બને અથવા લાંબો સમય ભૂખ્યા રહ્યા બાદ જમીએ ત્યારે વધારે ખવાઈ જાય તો શુગર એકદમ વધી જાય છે. તહેવારોમાં બીજી તકલીફ એ છે કે ફિઝિકલ ઍક્ટિવિટી થતી નથી. સ્પેશ્યલી લોકોનું વૉકિંગ બંધ થઈ જાય છે, એને કારણે પણ શુગર વધી જાય છે.

diwali healthy living health tips life and style lifestyle news columnists