23 January, 2026 12:02 PM IST | Mumbai | Kajal Rampariya
પ્રતીકાત્મક તસવીર
ઘણી વાર એવું બને છે કે ઑફિસમાં બૉસ સાથે ઝઘડો થયો હોય અથવા કોઈ અંગત સંબંધમાં સ્ટ્રેસ આવે એટલે અચાનક મન થાય છે કે એક મોટો ચીઝ પીત્ઝા ઑર્ડર કરી દઉં અથવા એક આખી ચૉકલેટ ખાઈ લઉં. જ્યારે આવું થાય ત્યારે તમે પોતાની જાતને પૂછો છો કે શું આ સાચી ભૂખ છે? ના. આ છે આપણા મગજની અંદર ચાલતું એક જટિલ રાસાયણિક યુદ્ધ. આપણું શરીર અને મન એકબીજા સાથે અતૂટ રીતે જોડાયેલાં છે. જ્યારે આપણે કહીએ છીએ કે મારું મન આજે ઉદાસ છે ત્યારે હકીકતમાં આપણા મગજમાં અમુક પ્રકારનાં કેમિકલ્સ રિલીઝ થાય છે અને ત્યારે આપણો મૂડ આપણી ખાવાની આદતોને નિયંત્રિત કરે છે અને આવા ઇમોશનલ ઈટિંગના ચક્કરમાંથી કેવી રીતે બહાર નીકળવું એ જાણીએ.
ક્રેવિંગ્સ અને મૂડ વચ્ચેના કનેક્શનને સમજાવતાં ૧૦ વર્ષ કરતાં વધુનો અનુભવ ધરાવતાં કાઉન્સેલર સાઇકોલૉજિસ્ટ અને આર્ટ-બેઝ્ડ થેરપિસ્ટ અવનિ નાગડા જણાવે છે, ‘આપણા મગજમાં સેંકડો ન્યુરોટ્રાન્સમીટર હોય છે, પણ જ્યારે વાત મૂડની અને ખોરાકની આવે ત્યારે મુખ્ય ત્રણ ખેલાડીઓ મેદાનમાં આવે છે. પહેલું છે ડોપમીન. આને રિવૉર્ડ કેમિકલ કહેવાય. જ્યારે આપણે કંઈ સ્વાદિષ્ટ ખાઈએ છીએ ત્યારે મગજમાં ડોપમીન રિલીઝ થાય છે જે આનંદની અનુભૂતિ કરાવે છે. બીજું છે સેરોટોનિન, જે આપણા મૂડને સ્ટેબિલાઇઝ કરે છે. એ આપણને શાંત અને ખુશ રાખે છે. જ્યારે એનું સ્તર ઘટે ત્યારે આપણે ચિંતા અને ઉદાસી અનુભવીએ છીએ અને ત્રીજું આપણું સ્ટ્રેસ-હૉર્મોન છે. જ્યારે વ્યક્તિ તનાવમાં હોય ત્યારે આ જ હૉર્મોન બૉડીને મેસેજ આપે છે કે અત્યારે તું સેફ નથી, એનર્જી જાળવી રાખવા હાઈ કૅલરી ખોરાક ખાવો પડશે. જ્યારે આપણું મન એટલે કે મૂડ ઉદાસ હોય ત્યારે કેમિકલ્સનું સંતુલન બગડે છે. આ સમયે આપણું શરીર સર્વાઇવલ મોડમાં આવી જાય છે. મગજને લાગે છે કે એને તાત્કાલિક એનર્જીની જરૂર છે જેથી એ આ ઇમોશનલ પેઇન સામે લડી શકે તો મીઠું, તળેલું અને ચટપટું ખાવાથી ઇન્સ્ટન્ટ ફીલ ગુડ હૉર્મોન્સ રિલીઝ થાય છે જે તમારા સ્ટ્રેસ અને ઉદાસ મનને સારું ફીલ કરાવે છે. તમને ક્યારેય વિચાર આવ્યો છે કે દુ:ખ હોય કે મન ઉદાસ હોય ત્યારે આપણને કારેલાનું શાક કે સૅલડ ખાવાનું મન કેમ નથી થતું? કેમ હંમેશાં આઇસક્રીમ કે વડાપાંઉ જ યાદ આવે છે? એનું કારણ એ છે કે સાકર અને ફૅટવાળો ખોરાક આપણા મગજમાં ઇન્સ્ટન્ટ સારું ફીલ કરાવે છે. એ ક્ષણ પૂરતું આપણને એ ઇમોશનલ સેફ્ટી આપે છે. જાણે એ ખોરાક જ તમને ગળે લગાવીને કહેતો હોય કે ચિંતા ન કર, બધું ઠીક થઈ જશે. પણ આ એક ભ્રમ છે. આ કેમિકલ સ્પાઇક થોડી જ મિનિટોમાં ઊતરી જાય છે અને ફરી પાછા તમે જ્યાં હતા ત્યાં જ આવી જાઓ છો.’
માઇન્ડફુલ ઈટિંગ અને ઇમોશન્સમાં આવીને થતા ઈટિંગ વચ્ચેના તફાવતને સમજવાની બહુ જરૂર છે. આ તફાવતને સમજાવતાં અવનિ કહે છે, ‘જો નૉર્મલ ભૂખ લાગે તો એ ધીરે-ધીરે લાગે છે અને શરીર માટે શું સારું છે એ સમજી-વિચારીને ખોરાક ખાઓ છો અને કેટલું ખાવું એ મામલે પણ સજાગ રહો છો. ખાધા પછી સંતોષની લાગણી અને એનર્જેટિક ફીલ થાય છે. ઇમોશનલ ઈટિંગની વાત કરીએ તો એ તમારા મૂડ પર ડિપેન્ડ હોય છે. જ્યારે મૂડ ખરાબ થાય ત્યારે ભૂખ અચાનક વધુ લાગવા લાગે. એમાં ફૅટવાળું અને સાકરવાળું ખાવાની ઇચ્છા થાય છે. અતિશય જન્કી ફૂડ ખાઈ લઈએ. પેટ ભરાઈ જાય પછી ખાવાની ઇચ્છા શમતી નથી. થોડી વાર પછી આપણને પસ્તાવો થાય છે અને ગિલ્ટ ફીલ થાય છે કે મેં ડાયટ તોડી, હવે મારું વજન વધી જશે. આ ગિલ્ટ ફરીથી સ્ટ્રેસ વધારે છે, સ્ટ્રેસ ફરીથી કૉર્ટિસૉલ વધારે છે અને ફરીથી આપણને કંઈક ગળ્યું ખાવાનું મન થાય છે. આ રીતે આપણે ગિલ્ટના ચક્રવ્યૂહમાં ફસાતા જઈએ છીએ.’
તમારાં ઇમોશન્સને ઓળખો : જ્યારે પણ અચાનક કંઈક ખાવાની તીવ્ર ઇચ્છા થાય ત્યારે ફ્રિજ ખોલતાં પહેલાં તમારી જાતને પૂછો: શું મને ભૂખ લાગી છે કે હું ઉદાસ છું એટલે ખાવાની ઇચ્છા થઈ? માત્ર આ એક પ્રશ્ન તમારા મગજને ઑટો-પાઇલટ મોડમાંથી બહાર લાવી દેશે.
સ્માર્ટ સ્વૉપ : જો ખાવાની ઇચ્છા રોકી જ ન શકાય તો સ્માર્ટ ઈટિંગ કરી શકાય. ગળ્યું ખાવાની ઇચ્છા થાય તો ચૉકલેટને બદલે ખજૂર, ગોળ અથવા સીઝનલ ફ્રૂટ ખાઓ. તળેલું કે ક્રન્ચી ખાવાની ઇચ્છા થાય તો વેફર્સને બદલે શેકેલા મખાના કે મમરા ખાઓ. આઇસક્રીમ ખાવાની ઇચ્છા થાય તો ઠંડું દહીં ખાઈ લો. ખાલી દહીં ન ભાવે તો કેસર અથવા ફ્રૂટ મિક્સ કરીને દહીં ખાઈ શકાય.
ફાઇવ મિનિટ રેસ્ટ : જ્યારે પણ તમને કંઈક જન્ક ફૂડ ખાવાની તીવ્ર ઇચ્છા થાય ત્યારે ઘડિયાળમાં જોઈને માત્ર પાંચ મિનિટ થોભી જાઓ. આ સમય દરમિયાન એક ગ્લાસ ઠંડું પાણી લો. લાંબા અને ઊંડા શ્વાસ લો. રૂમની બહાર નીકળીને થોડી તાજી હવા લો. મોટા ભાગે પાંચ મિનિટ પછી જે તીવ્ર ઇચ્છા થાય છે એ શાંત પડી જશે અને તમે ખોટા નિર્ણય લેતાં બચી જાઓ છો.
માઇન્ડફુલ ઈટિંગ : ટીવી કે મોબાઇલ જોતાં-જોતાં ક્યારેય ન જમો. જમવાનો સમય ફિક્સ રાખો. દરેક બાઇટનો સ્વાદ લો. જ્યારે તમે ધ્યાનથી ખાઓ છો ત્યારે મગજને જલદી સંકેત મળે છે કે પેટ ભરાઈ ગયું છે.
બીજી સ્કિલ્સ શોધો : ખોરાક સિવાય પણ એવી ઘણી વસ્તુઓ છે જે તમને ફીલ ગુડ કરાવી શકે છે. તમારું મનગમતુ સંગીત સાંભળો. માત્ર ૧૦ મિનિટની વૉક તમારા સ્ટ્રેસને ઘટાડી શકે છે. કોઈ ફ્રેન્ડ કે મનગમતી વ્યક્તિ સાથે તમે કેવું ફીલ થાય છે એ વ્યક્ત કરો. વાતચીતથી પણ મન હળવું થાય છે. આ સાથે પેઇન્ટિંગ, ડાન્સ કે ડાયરી લખવી જેવી એક હૉબી વિકસાવો.
હાઇડ્રેશન : ઘણી વાર આપણું મગજ તરસ અને ભૂખ વચ્ચે મૂંઝવણ અનુભવે છે. જ્યારે ક્રેવિંગ થાય ત્યારે એક ગ્લાસ પાણી પી જુઓ. કદાચ તમારી ભૂખ ગાયબ થઈ જશે. જો તમને લાગે કે તમારી ખાવાની આદતો તમારા કાબૂ બહાર જઈ રહી છે, જો તમે ખાધા પછી હંમેશાં રડો છો અથવા જો આ પૅટર્ન તમારા સ્વાસ્થ્યને ગંભીર નુકસાન કરી રહી છે તો સાઇકોલૉજિસ્ટની મદદ લો.