22 January, 2026 02:17 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ફ્રેન્ચ વૈજ્ઞાનિકોના એક નવા અને ચિંતાજનક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે આપણા રોજિંદા જીવનમાં વપરાતી વસ્તુઓ જેવી કે કેચપ, મસ્ટર્ડ સૉસ, અથાણાં અને ટૂથપેસ્ટમાં રહેલાં કેટલાંક પ્રિઝર્વેટિવ્સ કૅન્સરનું જોખમ વધારી શકે છે. ૧ લાખથી વધુ લોકો પર ૧૪ વર્ષ સુધી કરવામાં આવેલા આ સંશોધનમાં ચોંકાવનારાં તથ્યો સામે આવ્યાં છે.
અભ્યાસ મુજબ નીચે મુજબના પાંચ કે છ તત્ત્વો કૅન્સરના જોખમ સાથે જોડાયેલાં હોવાનું જાણવા મળ્યું છે:
પોટૅશિયમ સોર્બેટ : ચીઝ, આઇસક્રીમ અને અથાણાંમાં જોવા મળતું આ કેમિકલ સ્તન કૅન્સરનું જોખમ ૨૬ ટકા વધી શકે છે.
સોડિયમ નાઇટ્રાઇટ : આ તત્ત્વ પ્રોસ્ટેટ કૅન્સરનું જોખમ ૩૨ ટકા સુધી વધારી શકે છે.
પોટૅશિયમ નાઇટ્રેટ : તેનાથી એકંદરે કૅન્સર અને સ્તન-કૅન્સરનું જોખમ વધે છે.
ઍસિટિક ઍસિડ : અથાણાં અને સૉસમાં વપરાતા આ ઍસિડથી કૅન્સરનું જોખમ ૧૨ ટકા વધી શકે છે.
પોટૅશિયમ મેટાબાયસલ્ફાઇટ અને સોડિયમ એરિથોર્બેટ : આ તત્ત્વો પણ કૅન્સરની શક્યતામાં વધારો કરે છે.
વૈજ્ઞાનિકોએ ૨૦૦૯થી ૨૦૨૩ દરમિયાન લોકોના આહારની વિગતો અને તેમના સ્વાસ્થ્યના રેકૉર્ડની તપાસ કરી હતી. આ સમયગાળા દરમિયાન ૪૦૦૦ લોકોમાં કૅન્સરનું નિદાન થયું હતું જેમાં સ્તન, પ્રોસ્ટેટ અને કોલોરેક્ટલ કૅન્સર સૌથી સામાન્ય હતાં. જે લોકોએ આ પ્રિઝર્વેટિવ્સવાળા ખોરાકનું વધુ સેવન કર્યું હતું, તેમનામાં કૅન્સરનું જોખમ ઓછું સેવન કરનારાઓ કરતાં વધુ જોવા મળ્યું હતું.
જોકે આ એક અવલોકનાત્મક અભ્યાસ છે, જે સીધો પુરાવો નથી આપતો કે આ ખોરાક ખાવાથી કૅન્સર થાય જ છે, પરંતુ એ એક મજબૂત સંભાવનાઓ તરફ તો ધ્યાન ખેંચે જ છે. યુનિવર્સિટી કૉલેજ ડબ્લિનના પ્રોફેસર વિલિયમ જણાવે છે કે ૧૦થી ૩૦ ટકાનો આ વધારો નાનો લાગે છે પરંતુ જો પૂરા દેશ કે દુનિયાના સ્તરે જોવામાં આવે તો આ એક મોટી અસર છે.
નિષ્ણાતો સલાહ આપે છે કે ગ્રાહકોએ બને ત્યાં સુધી તાજો બનાવેલો અને ઓછામાં ઓછો પ્રોસેસ કરેલો ખોરાક લેવો જોઈએ. ફૂડ પૅકેટ પર લખેલા ઘટકો વાંચવાની ટેવ પાડવી જોઈએ અને બિનજરૂરી પ્રિઝર્વેટિવ્સવાળા પદાર્થો ટાળવા જોઈએ.