સ્વેટર પહેરવાથી શું તમને રૅશિસ થાય છે?

08 January, 2026 03:05 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શિયાળાની ઋતુમાં સ્વેટર આપણા વૉર્ડરોબનો અનિવાર્ય ભાગ બની જાય છે, પરંતુ ઘણા લોકો માટે સ્વેટર પહેરવાનું મુસીબત બની જાય છે. સ્વેટર સીધું જ ત્વચા પર પહેરવાથી રૅશિસ થવાની ફરિયાદ રહે છે

પ્રતીકાત્મક તસવીર

શિયાળામાં જેમ ઠંડી વધવાની ચાલુ થાય એમ આપણે સૌથી પહેલાં જે વસ્તુ શોધીએ એ છે ગરમ સ્વેટર, પણ ઘણી વાર આ સ્વેટર ગરમાવો આપવાની જગ્યાએ સ્કિન પર રૅશિસ આપી દેતાં હોય છે. આવું થવા પાછળનું કારણ સમજાવતાં એક્સપર્ટ કહે છે કે ઊનના બરછટ રેસા જ્યારે ત્વચા સાથે ઘસાય છે ત્યારે એ ત્વચા પર લાલાશ અને ખંજવાળ પેદા કરે છે. ખાસ કરીને જે લોકોની ત્વચા સેન્સિટિવ છે અથવા જેમને એક્ઝિમાની બીમારી છે તેમને આ સમસ્યા વધુ નડે છે. કેટલાક લોકોને ઊન, એમાં વપરાતી ડાઇ અથવા કેમિકલ્સથી ઍલર્જિક કૉન્ટૅક્ટ ડર્મેટાઇટિસ થઈ શકે છે. સ્વેટર ગરમી અને પરસેવાને રોકી રાખે છે. આ ભેજવાળું વાતાવરણ બૅક્ટેરિયા અને ફંગલ ઇન્ફેક્શન માટે અનુકૂળ હોવાથી હીટ રૅશિસ થઈ શકે છે.

ઇરિટેશન અને ઍલર્જીમાં ફરક સમજો

એક્સપર્ટના જણાવ્યા અનુસાર ઇરિટેશન અને સામાન્ય બળતરા સ્વેટર પહેરતાંની સાથે જ થાય છે અને જ્યાં કપડું અડતું હોય ત્યાં જ મર્યાદિત રહે છે. સ્વેટર કાઢી નાખ્યાના થોડા જ કલાકોમાં ત્વચા સામાન્ય થઈ જાય છે. ઍલર્જિક રીઍક્શન થોડું અલગ હોય છે.

એ વારંવાર સ્વેટરના સંપર્કમાં આવ્યા પછી વિકસિત થાય છે. એમાં તીવ્ર ખંજવાળ અને નાના ફોડલા થઈ જાય છે. આ રૅશિસ સ્વેટર કાઢ્યા પછી પણ મટતા નથી અને મટવામાં લાંબો સમય લે છે. 

બચવા માટે શું કરશો?

સ્વેટર સીધું પહેરવાને બદલે અંદરની બાજુ સુતરાઉ કપડાનું લેયર પહેરો.

બરછટ ઊનને બદલે સૉફ્ટ મરીનો વુલ, કૉટન બ્લેન્ડ અથવા ફ્લીસ મટીરિયલનાં કપડાં પસંદ કરો.

નવું સ્વેટર પહેરતાં પહેલાં એને ધોઈ લેવું જોઈએ જેથી વધારાનાં કેમિકલ્સ કે રંગો નીકળી જાય.

ત્વચા પર મૉઇશ્ચરાઇઝર લગાવવાથી સ્કિન-બૅરિયર મજબૂત બને છે અને ઘર્ષણ ઓછું થાય છે.

skin care health tips healthy living life and style lifestyle news columnists