13 October, 2025 12:48 PM IST | Mumbai | Kajal Rampariya
પ્રતીકાત્મક તસવીર
પિરિયડ્સ દરમિયાન પેટમાં દુખાવો થવો, ક્રૅમ્પ્સ આવવા, મૂડ સ્વિંગ્સ અને શારીરિક અસ્વસ્થતાનો અનુભવ થવો એ સૌથી કૉમન લક્ષણો છે પણ આ માસિક ચક્રની અસર તમારા દાંત અને પેઢાં પર પણ પડે છે એ ખબર છે? પિરિયડ્સનું ઓરલ હેલ્થ સાથે કનેક્શન છે એવું તો કોઈએ વિચાર્યું પણ નહીં હોય પણ હકીકતમાં મહિનાના આ સમય દરમિયાન થતા હૉર્મોનલ ચેન્જિસ ઓરલ હેલ્થની તંદુરસ્તીને ચોક્કસપણે પ્રભાવિત કરી શકે છે ત્યારે કેવાં લક્ષણો દેખાય છે અને કોઈ મોટી બીમારી ન થાય એ માટે શું ધ્યાનમાં રાખવું જોઈએ એ નિષ્ણાત પાસેથી જાણીએ.
મેન્સ્ટ્રુએશન જિન્જિવાઇટિસ
ગોરેગામમાં સ્માઇલ ડિઝાઇન સ્ટુડિયો નામની ડેન્ટલ ક્લિનિકનું સંચાલન કરતાં અનુભવી ડેન્ટિસ્ટ ડૉ. મૈત્રી પટેલ પિરિયડ્સ સાથે ઓરલ હેલ્થનું કનેક્શન સમજાવતાં જણાવે છે, ‘મોટા ભાગની યુવતીઓ અને મહિલાઓ એ જાણતી જ નથી કે જ્યારે માસિક શરૂ થવાનું હોય એની પહેલાં ઓરલ હેલ્થ સિગ્નલ આપે છે. જેમ કે પેઢાંમાં હળવો દુખાવો, સોજો આવવો, લાલ થઈ જવાં, બ્રશ કરતી વખતે પેઢાંમાંથી લોહી નીકળવું, દુર્ગંધ આવવી અથવા પ્લૅક એટલે દાંત પર પીળી પરત જામી જવી, ઘણા કેસમાં મોઢું ડ્રાય થઈ જાય છે એટલે સલાઇવાનું પ્રોડક્શન ઓછું થાય છે જેનાથી કૅવિટી થવાની સંભાવના છે. મેડિકલની ભાષામા પિરિયડ્સ શરૂ થાય એના એક કે બે દિવસ પહેલાં આવાં લક્ષણો દેખાય એને મેન્સ્ટ્રુએશન જિન્જિવાઇટિસ કહે છે. કેટલીક લેડીઝને લાળગ્રંથિમાં સોજા આાવે, ખાવાનો ટેસ્ટ બદલાયેલો લાગે અથવા માસિક સ્રાવની આસપાસના સમયમાં શરીરમાં ગરમી વધી જતાં મોંમાં ચાંદાં પણ પડતાં હોય છે, પણ આવાં લક્ષણો બહુ જ રૅર જોવા મળે છે. આ બહુ જ સામાન્ય લક્ષણો છે પણ એમાં વધુ પીડા થતી ન હોવાથી મહિલાઓ વધુ ધ્યાન આપતી નથી. આટલી નાની તો બાબત છે એમ કહીને આ બધા સિમ્પ્ટમ્સ અવગણે છે. એ લોકોને એમ લાગે કે આજે કદાચ બ્રશ કરતી વખતે દાંતમાં વધુ ઘસાઈ ગયું હશે એટલે પેઢાં સૂઝી ગયાં છે અથવા લોહી નીકળે છે, પણ એવું ન હોય એ વાતને સમજવી અને સમજાવવી બહુ જરૂરી છે, કારણ કે ખાસ કરીને ભારતમાં બધી જ બીમારીઓ પ્રત્યે જાગરૂકતા ફેલાવાય છે પણ ઓરલ હેલ્થની તંદુરસ્તી વિશે વાત ઓછી થાય છે.’
હૉર્મોનલ ઇમ્બૅલૅન્સ
પિરિયડ્સનું ઓરલ હેલ્થ સાથેના કનેક્શનનું કારણ હૉર્મોન્સ છે એમ જણાવતાં આવું શા માટે થાય છે એ વિશે મૈત્રી કહે છે, ‘માસિક સ્રાવ શરૂ થવા પૂર્વે મહિલાઓનાં હૉર્મોન્સમાં પ્રોજેસ્ટેરોનનું સ્તર નોંધપાત્ર રીતે વધે છે. આ હૉર્મોનલ ચેન્જિસ પેઢાંમાં બ્લડ ફ્લોને વધારે છે. આનાથી દાંત અને પેઢાંમાં સેન્સિટિવિટી વધી જાય છે અને આ જ કારણે એ ફૂલી જાય છે. હૉર્મોન્સના સ્તરમાં થતો વધારો દાંત પર જમા થતી પીળી પરત એટલે કે પ્લૅકમાં રહેલા બૅક્ટેરિયાનું સ્તર સામાન્ય દિવસોમાં ઓછું હોય છે પણ પિરિયડ્સ શરૂ થાય એ પહેલાં બેક્ટેરિયા વધી જાય છે, જેને લીધે પેઢાંમાં સોજો અને બળતરા થઈ શકે છે. પ્લૅક જમા થાય તો જિન્જિવાઇટિસની સમસ્યાને ગંભીર કરી શકે છે અને ઓરલ હેલ્થને પ્રભાવિત કરે છે. જો કોઈ મહિલાને પહેલેથી જ પેઢાંમાં સમસ્યા હોય તો એ પિરિયડ્સ દરમિયાન વકરી શકે છે. જો એના પર ધ્યાન આપવામાં ન આવે તો પેઢાં નબળાં પડવા લાગે છે. તેથી આવાં લક્ષણોને અવગણવાને બદલે એના પર ધ્યાન આપવામાં આવે તો આગળ થનારી ગંભીર બીમારીથી બચવું શક્ય છે.’
આટલી કાળજી રાખવી જરૂરી
આમ તો પિરિયડ્સ પહેલાં ઓરલ હેલ્થને લગતાં જે લક્ષણો દેખાય એ અસ્થાયી હોય છે. પિરિયડ્સ શરૂ થયા પછી એ ઓછાં થઈ જાય છે. જોકે આ સમયગાળા દરમિયાન કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે અને આ માટે ડૉ. મૈત્રી પટેલે અમુક બાબતે થોડી કાળજી રાખવાની ભલામણ કરી છે.
પિરિયડ્સ શરૂ થાય એ પહેલાં અને પૂરા થાય ત્યાં સુધી ઓરલ હેલ્થની એક્સ્ટ્રા કૅર કરવી જરૂરી છે. દિવસમાં બે વાર ફ્લોરાઇડ ટૂથપેસ્ટથી બ્રશ કરીને દિવસમાં ઓછામાં ઓછું એક વાર ફ્લૉસિંગ કરવું. ફ્લૉસિંગથી પ્લૅક દૂર થાય છે, જે પેઢાંના સોજાનું મુખ્ય કારણ છે.
પેઢામાં દુખાવો હોય કે ન હોય, દાંતમાં સેન્સિટિવિટી ફીલ થાય કે ન થાય, દિવસમાં એક વાર હૂંફાળા પાણીમાં મીઠું નાખીને કોગળા કરી લેવા. આ નુસખો મોઢાની દુર્ગંધને તો દૂર કરશે પણ પેઢાંમાં થતી સમસ્યાઓને પણ ઓછી કરશે.
પિરિયડ્સ દરમિયાન સ્વીટ ક્રેવિંગ્સ એટલે કે મીઠી વસ્તુ ખાવાની ઇચ્છા વધી જતી હોય છે. સાકરવાળા ખાદ્ય પદાર્થો બૅક્ટેરિયા વધારવાનું કામ કરે છે. આથી સ્વીટ ક્રેવિંગ થાય તો એને સંતોષવા અતિસેવન કરવાને બદલે મર્યાદિત માત્રામાં ખાઈ શકાય અને તરત જ પાણીના કોગળા કરીને મોં સાફ કરો અને બ્રશ કરી લો જેથી કોઈ કણ દાંતમાં ફસાઈ ગયો હોય એ પણ નીકળી જાય. આ સાથે દિવસ દરમિયાન પૂરતું પાણી પીવું.
જો પેઢાંમાં દુખાવો, સોજા કે બ્લીડિંગ વધી જાય તો એને અવગણવા કરતાં તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરવો જેથી સમયસર સારવાર મળી શકે. ઘણા લોકો દાંતની યોગ્ય સારવાર ન રાખતા હોવાથી કચરો જમા થાય છે તેથી એને નિયમિત સાફ કરવા પણ બહુ જરૂરી છે.
દાંતની સફાઈ કે કોઈ ડેન્ટલ પ્રોસીજર કરાવવાની હોય તો એ પિરિયડ્સ સમાપ્ત થયાના એક અઠવાડિયા પછી કરાવવી હિતાવહ રહેશે.