શું તમારી પણ ભોજન સાથે ટૉક્સિક રિલેશનશિપ છે?

24 November, 2025 09:59 AM IST  |  Mumbai | Heena Patel

અભિનેત્રી ફાતિમા સના શેખે થોડા દિવસ પહેલાં જ બુલિમીઆ નામના ઈટિંગ ડિસઑર્ડરની વાત કરી હતી. આ વિશે આજે આપણે એક્સપર્ટ પાસેથી માહિતી મેળવીએ

અભિનેત્રી ફાતિમા સના શેખે થોડા દિવસ પહેલાં જ બુલિમીઆ નામના ઈટિંગ ડિસઑર્ડરની વાત કરી હતી

. એમાં વ્યક્તિનો ખાવા પર કન્ટ્રોલ રહેતો નથી, પણ પછી ગિલ્ટમાં આવીને તે ખાધેલું કાઢવા માટે પરાણે ઊલટી કરવાથી માંડીને બીજા અનેક પેંતરાઓ અજમાવે છે. આ એક ગંભીર ડિસઑર્ડર છે જે લાંબો સમય સુધી ચાલુ રહે તો ફિઝિકલ અને મેન્ટલ બન્ને હેલ્થ ખૂબ જ ખરાબ રીતે પ્રભાવિત થાય છે. આ થવા પાછળનાં કારણો અને એની સારવાર વિશે આજે આપણે એક્સપર્ટ પાસેથી માહિતી મેળવીએ...

અભિનેત્રી ફાતિમા સના શેખે થોડા દિવસ પહેલાં જ પોતાના ઈટિંગ ડિસઑર્ડરને લઈને અનુભવો શૅર કર્યા હતા. તેણે કહ્યું હતું કે ભોજન સાથેનો તેનો સંબંધ ક્યારેય સરળ રહ્યો નથી. ફાતિમાએ એ પણ ખુલાસો કર્યો કે તે લગભગ એક વર્ષથી બુલિમીઆથી ઝઝૂમી રહી હતી. ‘દંગલ’માં તેની સહકલાકાર રહી ચૂકેલી સાન્યા મલ્હોત્રાએ સૌથી પહેલાં તેનાં લક્ષણોને નોટિસ કર્યાં હતાં. એક પૉડકાસ્ટમાં વાતચીત દરમિયાન ફાતિમાએ કહ્યું કે તેની પોતાની જાત સાથે એક લવ-હેટવાળી રિલેશનશિપ રહી છે. તે પોતાના દેખાવને લઈને સતત એક પ્રકારનું દબાણ અનુભવી રહી હતી. ‘દંગલ’ ફિલ્મ માટે તેને વજન વધારવું પડ્યું હતું. એ દરમિયાન તે દરરોજ ત્રણ કલાક ટ્રેઇનિંગ લેતી હતી અને દોઢ કલાક વર્કઆઉટ કરતી હતી એટલે તેને દરરોજ અઢી હજારથી ત્રણ હજાર કૅલરી લેવી પડતી હતી, પણ ફિલ્મ ખતમ થયા બાદ પણ તેના શરીરને એ જ રીતે ખાવાની ટેવ પડી ગઈ હતી. બીજી બાજુ ટ્રેઇનિંગ અને વર્કઆઉટ એટલાં થતાં નહોતાં, પરિણામે તે અનફિટ થઈ ગઈ હતી. તે એવી સ્થિતિમાં પહોંચી ગઈ હતી કે તેની ખાવાની આદતો બગડી ગઈ હતી. ખાવાનું ખાવું તેના માટે કમ્ફર્ટ બની ગયું હતું અને તે કલાકો સુધી સતત ખાતી રહેતી હતી. તે ખાવા પર કન્ટ્રોલ રાખી જ નહોતી શકતી. એને લઈને એ પોતાની જાતને નફરત કરવા લાગી હતી. ઘણી વાર તે એક્સ્ટ્રીમ પણ થઈ જતી હતી. અચાનક ભૂખ્યા રહેવાનું શરૂ કરી દેતી હતી. સ્થિતિ એટલી ખરાબ થઈ ગયેલી કે ઘરની બહાર નીકળતાં પણ ડરતી હતી. બહાર નીકળીશ તો કંઈક ખાઈ લઈશ એનો તેને ડર હતો.

બુલિમીઆ શું છે?

આને બુલિમીઆ નર્સોવા પણ કહેવાય છે જે એક ​ઈટિંગ ડિસઑર્ડર છે. એમાં વ્યક્તિ વારંવાર અધિક માત્રામાં ખાવાનું ખાઈ લે છે અને પછી વજન વધવાના ડરે તેને કોઈ ને કોઈ રીતે બહાર કાઢવાનો અથવા સંતુલિત કરવાનો પ્રયત્ન કરે છે. આ ડિસઑર્ડરમાં લોકો અચાનક આવનારા બિન્જ ઈટિંગ એપિસોડ્સનો અનુભવ કરે છે. એટલે કે વ્યક્તિ પોતાના પરથી નિયંત્રણ ખોઈ બેસે છે અને થોડા સમયમાં અત્યાધિક પ્રમાણમાં ભોજન કરી લે છે. એ પછી તેમને અપરાધબોજ, શરમ અને ડરનો અનુભવ થાય છે જેને કારણે તેઓ પરાણે ઊલટી કરવી, લૅક્સેટિવ કે હીટૉક્સ દવાઓ લેવી, કલાકો સુધી એક્સરસાઇઝ કરવી અથવા તો કલાકો સુધી સાવ ખાવું જ નહીં વગેરે જેવી અસ્વસ્થ આદતો આપનાવે છે.

કારણ શું?

આ ઈટિંગ ડિસઑર્ડર પાછળનું કારણ સમજાવતાં સિનિયર ક્લિનિકલ સાઇકોલૉજિસ્ટ ડૉ. નિકિતા ભાટી કહે છે, ‘બુલિમીઆનું એક્ઝૅક્ટ કારણ કહેવું અઘરું છે. વિવાદપૂર્ણ અને તનાવપૂર્ણ પરિવારોમાં મોટા થયા હોય તેમનામાં આ ઈટિંગ ડિસઑર્ડર વિકસિત થવાની સંભાવના વધુ હોય છે. આવા પરિવારોમાં સામાન્ય રીતે ઝઘડા, આલોચના અને ભાવનાત્મક અસુરક્ષા જોવા મળે છે જેનાથી વ્યક્તિનું આત્મસન્માન કમજોર થઈ જાય છે. એ સિવાય કોઈનું શરીર પહેલેથી જ ભારેભરખમ હોય અને એને લઈને તેનું સતત બુલિંગ કરવામાં આવતું હોય, પોતાના દેખાવને લઈને અસંતોષ હોય તો પણ તેમનામાં બુલિમીઆનાં લક્ષણો વિકસિત થઈ શકે છે. કોઈને તેની ક્ષમતા અને યોગ્યતાને લઈને સતત આલોચનાનો સામનો કરવો પડ્યો હોય તો તેમને પણ બુલિમીઆ જેવો ઈટિંગ ડિસઑર્ડર થવાનું જોખમ વધી જાય છે. આ વ્યવહાર વ્યક્તિના માનસિક, ભાવનાત્મક અને સામાજિક દબાવોનું પરિણામ હોય છે. આ ફક્ત ખાવા સંબંધિત સમસ્યા નથી પણ એક જટિલ માનસિક સ્થિત છે.’

સારવાર શું?

બુલિમીઆની તીવ્રતાના આધારે અલગ-અલગ રીતે એની સારવાર થતી હોય છે. આ વિશે માહિતી આપતાં ડૉ. નિકિતા ભાટી કહે છે, ‘સારવારમાં CBT (કૉગ્નિટિવ બિહેવિયરલ થેરપી), ફૅમિલી થેરપી, ગ્રુપ થેરપી જેવી થેરપીઝ આપવામાં આવે છે. CBT સૌથી પ્રભાવશાળી અને સામાન્ય રીતે આપવામાં આવતી થેરપી છે. આમાં દરદીને તેની ખાવાની પૅટર્ન, ઊલટી કરવાની આદત અને નકારાત્મક વિચાર વિશે સમજાવવામાં આવે છે. થેરપિસ્ટ તેમને શિખવાડે છે કે તનાવ અને નકારાત્મક ભાવનાઓને નિયંત્રિત કરવા માટે સ્વસ્થ રીતો અપનાવવામાં આવે. આનો ઉદ્દેશ બિન્જિંગ (એકસાથે અતિશય ખાઈ લેવું) અને પર્જિંગ (ખાધેલો ખોરાક બહાર કાઢવો) જેવી આદતોને રોકવાનો અને અત્મસન્માન વધારવાનો હોય છે. ફૅમિલી થેરપીમાં પૂરા પરિવારને સામેલ કરવામાં આવે છે. પરિવારના સભ્યોને શીખવાડવામાં આવે છે કે કઈ રીતે સપોર્ટ અને સમજદારી દાખવીને દરદીની મદદ કરી શકાય અને આલોચના અને પ્રેશરને ઓછાં કરી શકાય. ખાસ કરીને કિશોર અને યુવાનોમાં પરિવારનો સહયોગ બુલિમીઆને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે. ગ્રુપ થેરપીમાં દરદીઓ એક સમૂહમાં જઈને પોતાના અનુભવો શૅર કરે છે અને બીજાઓના અનુભવો સાંભળે છે. એનાથી તેમને એ અનુભવ થાય છે કે તેઓ એકલા નથી. સમૂહનું સમર્થન તેમને માનસિક રૂપથી મજબૂત કરે છે. સમૂહમાં ચર્ચાથી સ્વસ્થ વ્યવહાર અપનાવવામાં અને ભાવનાઓને નિયં​ત્રિત કરવાની સ્ટ્રૅટેજી શીખવામાં મદદ મળે છે.’

શું અસર થાય?

આ ઈટિંગ ડિસઑર્ડર શરીર પર કઈ રીતે નકારાત્મક અસર નાખે છે એ વિશે સમજાવતાં ડાયટિશ્યન ભાવિ મોદી કહે છે, ‘તમે એકસાથે પેટમાં અત્યાધિક પ્રમાણમાં ભોજન ઠાંસી દો અને પછી એની ઇફેક્ટને ઓછી કરવા માટે તમે પરાણે ઊલટી કરો કે લૅક્સેટિવ લઈને સ્ટૂલ મારફત એને બહાર કાઢવાનો પ્રયત્ન કરો કે વધુપડતી એક્સ્ટ્રા કૅલરી બર્ન કરવા વધુપડતી એક્સરસાઇઝ કરી પરસેવો પાડો તો એ બધામાં તમારા શરીરમાંથી પાણીની કમી થવાની જ છે અને ઇલેક્ટ્રોલાઇટ્સ ઇમ્બૅલૅન્સ થવાનું જ છે. એને કારણે લો બ્લડપ્રેશર, ચક્કર, મસલ-ક્રૅમ્પ્સ જેવી સમસ્યા થઈ શકે છે. સતત ઊલટી કરવાથી પેટ અને ગળાની લાઇનિંગને નુકસાન પહોંચે છે, ઍસિડ રિફ્લક્સ થાય છે અને ડાઇજેશન કમજોર પડી જાય છે. વધુપડતી લૅક્સેટિવ લેવાની આદત પડી જાય તો આંતરડાંઓ એટલાં સુસ્ત થઈ જાય છે કે લૅક્સેટિવ વગર સરખી રીતે કામ કરતાં નથી. ઓવર-એક્સરસાઇઝથી

બૉડી-એનર્જી અને મસલ્સ બન્ને કમજોર પડી જાય છે. પાણી અને ઇલેક્ટ્રોલાઇટ્સની કમીથી કિડની પર ભારે દબાવ પડે છે. એ સિવાય શરીરની ત્વચા સુકાવા લાગે છે, ચહેરો સૂજી શકે છે, વાળ ખરવા લાગે છે અને સતત ગિલ્ટ અને ઍન્ગ્ઝાયટીને કારણે મેન્ટલ હેલ્થ પણ ખરાબ રીતે પ્રભાવિત થાય છે. એટલે આમ જોવા જઈએ તો બુલિમીઆમાં પર્જિંગ-સાઇકલ શરીરની લગભગ દરેક સિસ્ટમ હાર્ટ, કિડની, મસલ્સ, ડાઇજેશન, સ્કિન અને માઇન્ડ પર અસર નાખે છે.’

ન્યુટ્રિશનિસ્ટનો રોલ

આની સારવારમાં સાઇકોલૉજિસ્ટ અને ન્યુટ્રિશનિસ્ટ સાથે મળીને કામ કરે છે. એ વિશે સમજાવતાં ભાવિ મોદી કહે છે, ‘બુલિમીઆની સારવારમાં એક ન્યુટ્રિશનસ્ટની ભૂમિકા ખૂબ મહત્ત્વપૂર્ણ હોય છે, કારણ કે આ ડિસઑર્ડર ફક્ત ખાવાનું વધારે ખાઈ લેવાની આદત નથી પણ શરીર, દિમાગ અને ખાવાના રિલેશનમાં આવેલી ગરબડ છે. એટલે ન્યુટ્રિશનિસ્ટ સૌથી પહેલાં વ્યક્તિની ઈટિંગ પૅટર્ન સમજે છે કે ક્યારે બિન્જ (એકસાથે અતિશય ખાઈ લેવું) થાય છે, કેમ થાય છે, કેટલી વાર થાય છે અને એ પછી કયું પર્જિંગ બિહેવિયર (ખાધેલો ખોરાક બહાર કાઢવો) થાય છે. એના આધાર પર તેઓ એક એવું સ્ટ્રક્ચર્ડ મીલ-પ્લાન બનાવે છે જે બ્લડશુગરને સ્ટેબિલાઇઝ કરે, ભૂખ અને તૃપ્તિનું જે સિગ્નલ છે એને ફરીથી નૉર્મલ કરે અને બિન્જ એપિસોડ્સની ફ્રીક્વન્સી ઓછી કરે. એ દરદીને રેગ્યુલર ખાવાની હૅબિટ શિખવાડે છે જેથી એક્સ્ટ્રીમ હંગર ન વધે અને બિન્જ કરવાની તીવ્ર ઇચ્છા ઓછી થઈ જાય. ન્યુટ્રિશનિસ્ટ એ પણ મૉનિટર કરે છે કે ક્યાંક બૉડીમાં ડીહાઇડ્રેશન, ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બૅલૅન્સ, ગંભીર સિકનેસ કે પોષક તત્ત્વોની કમી તો નથીને? જરૂર પડવા પર તેઓ મેડિકલ ટીમ સાથે મળીને સપ્લિમેન્ટ્સ અથવા મેડિકલ ઇન્ટરવેન્શન્સની સલાહ આપે છે. સાથે જ ન્યુટ્રિશનિસ્ટ પેશન્ટને માઇન્ડફુલ ઈટિંગ, પૉર્શન અવેરનેસ, સેફ ફૂડ પસંદ કરવું, ફિયર ફૂડ્સને ધીરે-ધીરે રીઇન્ટ્રોડ્યુસ કરવાં અને ફૂડ-ગિલ્ટમાંથી બહાર નીકળવાનું પણ શીખવાડે છે. ઘણી વાર બુલિમીઆના પેશન્ટ ફૂડને પોતાના દુશ્મન માનવા લાગે છે. એવામાં તેઓ ન્યુટ્રિશનલ સાઇકોલૉજીના માધ્યમથી એ સમજાવે છે કે ફૂડ શરીરના હીલિંગમાં કઈ રીતે મદદ કરે છે.’ 

healthy living health tips mental health life and style lifestyle news columnists