09 July, 2026 03:00 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
આખો દિવસ દોડધામ કર્યા બાદ બીજા દિવસે સમયસર જાગવું એ કોઈ ચૅલેન્જથી ઓછું નથી લાગતું. ફિટનેસ-ફ્રીક્સ સિવાય મોટા ભાગના લોકો સવારે અલાર્મ વાગે ત્યારે એને સ્નૂઝ કરીને પાંચ કે ૧૦ મિનિટ વધારાની ઊંઘ ખેંચી લેવાના મોહમાં પડી જાય છે. આ નાનકડી આદત આપણને ફ્રેશ કરવાને બદલે ઊલટાની વધારે થકવી નાખે છે. અલાર્મનું સ્નૂઝ બટન શરીર અને મગજ વચ્ચે સાઇલન્ટ યુદ્ધ શરૂ કરી દે છે.
આપણી ઊંઘ એક ચોક્કસ ચક્રમાં કામ કરે છે. હેલ્ધી સ્લીપ સાઇકલ ૯૦થી ૧૧૦ મિનિટની હોય છે. તમે જ્યારે અલાર્મ વાગતાં જ સ્નૂઝ બટન દબાવો છો ત્યારે મગજ ફરી ઊંઘના ચક્રમાં જવાનો પ્રયાસ કરે છે, પણ માત્ર પાંચથી ૧૦ મિનિટમાં જ બીજું અલાર્મ વાગે છે જે આ પ્રક્રિયાને અધવચ્ચેથી તોડી નાખે છે અને આ અધૂરી ઊંઘ શરીરને રિપેર થવા દેતી નથી. આ ઉપરાંત ઘણી વાર સવારે જાગ્યા પછી સુસ્તી લાગે, ચક્કર આવે કે નિર્ણય લેવામાં સમય લાગે એને મેડિકલની ભાષામાં સ્લીપ ઇનર્શિયા કહેવાય છે. વારંવાર અલાર્મ સ્નૂઝ કરવાથી મગજ જાગવા-સૂવાની પ્રક્રિયા વચ્ચે ઝોલાં ખાય છે જેને લીધે સવારના સમયે કામ કરવાની ક્ષમતા ઘટી જાય છે.
સવારે જ્યારે પહેલી વાર અલાર્મ વાગે છે ત્યારે આપણું શરીર જાગવા માટે સક્રિય બને છે, પણ સ્નૂઝ દબાવીને ફરી સૂઈ જવાથી મગજ મૂંઝવણમાં મુકાઈ જાય છે. શરીર એક તરફ જાગવાના અને બીજી તરફ ઊંઘવાના વિરોધાભાસી સંકેતો વચ્ચે ઘેરાઈ જાય છે જે એક પ્રકારનું સાઇકોલૉજિકલ ટગ-ઑફ-વૉર બની જાય છે. જો તમે સ્નૂઝ બટન દબાવીને કુલ ઊંઘનો સમય થોડો વધારી પણ લો તો પણ થોડી-થોડી લેવાયેલી આ ઊંઘ ક્વૉલિટી સ્લીપ હોતી નથી. તેથી વ્યક્તિ પથારીમાંથી ઊભી તો થાય છે, પણ આખો દિવસ ઊર્જાનો અભાવ અને થાક અનુભવે છે.
સવારે પહેલી વાર અલાર્મ વાગે ત્યારે જ પથારી છોડી દેવી. અલાર્મ ક્લૉક કે ફોનને પથારીથી થોડાં દૂર રાખવાં જેથી ને બંધ કરવા માટે તમારે ફરજિયાત ઊભા થવું પડે. પૂરતી અને અવિરત સાતથી ૮ કલાકની ઊંઘ જ દિવસભર મગજને તેજ અને શરીરને સ્ફૂર્તિલું રાખી શકે છે. જો તમને વારંવાર ચક્કર આવવાની કે સવાર-સવારમાં બ્લૅન્ક થઈ જવાની સમસ્યા થાય તો એક વાર ડૉક્ટરને બતાવી જોવું.