દરરોજ ઍસિડિટીની ગોળીઓ ગળવાનાં ગંભીર જોખમો છે

13 March, 2026 11:38 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આજકાલ થોડું ખાધું કે તરત ઍસિડિટી થવાની ફરિયાદ સામાન્ય બની ગઈ છે. ઘણા લોકો માટે તો દિવસની શરૂઆત કે અંત ઍસિડિટીની ગોળી વગર અધૂરાં લાગે છે. જોકે ડૉક્ટરની સલાહ વગર રોજ આ ગોળીઓ લેવાની આદત લાંબા ગાળે શરીર માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે

પ્રતીકાત્મક તસવીર

આજના ભાગદોડભર્યા જીવનમાં અયોગ્ય ખોરાક અને અનિયમિત જીવનશૈલીને કારણે ઍસિડિટી કે ગૅસ થવો એ સામાન્ય વાત બની ગઈ છે. આપણે જ્યારે પણ છાતીમાં બળતરા અનુભવીએ છીએ ત્યારે તરત જ ડૉક્ટરની સલાહ લીધા વગર મેડિકલ સ્ટોરમાંથી ઍસિડિટીની ગોળી લાવીને ગળી લઈએ છીએ. ઘણા લોકો તો વર્ષોથી દરરોજ સવારે ખાલી પેટે આ ગોળી લેવાની આદત ધરાવે છે, પરંતુ તાજેતરમાં ન્યુરોલૉજિસ્ટ્સ દ્વારા આ આદત સામે લાલ બત્તી ધરવામાં આવી છે. હૈદરાબાદના જાણીતા ન્યુરોલૉજિસ્ટ ડૉ. સુધીર કુમારે ઍસિડિટીની દવાઓને સાઇલન્ટ હેલ્થ ક્રાઇસિસ ગણાવીને એનાં જોખમો વિશે સોશ્યલ મીડિયા પર માહિતી આપી છે. સાથે જ તેમણે એવા ઉપાયો પણ જણાવ્યા છે જે ઍસિડિટીની સમસ્યાથી બચવામાં મદદ કરે.

પેટનું ઍસિડ શા માટે જરૂરી છે?

આપણને લાગે છે કે ઍસિડ માત્ર નુકસાન કરે છે, પણ હકીકતમાં પેટમાં કુદરતી રીતે બનતું ઍસિડ ખોરાક પચાવવા માટે અનિવાર્ય છે. એ ખોરાકમાં રહેલા હાનિકારક બૅક્ટેરિયાનો નાશ કરે છે અને શરીરમાં જરૂરી પોષક તત્ત્વોને શોષવામાં મદદ કરે છે. જ્યારે આપણે આ ગોળીઓ લઈએ છીએ ત્યારે એ ઍસિડ બનવાની પ્રક્રિયાને સાવ ધીમી કરી દે છે, જે લાંબા ગાળે શરીરનાં અન્ય અંગો પર ગંભીર અસરો કરે છે.

લાંબા ગાળે થતાં ગંભીર જોખમો

પોષક તત્ત્વોની ઊણપ અને નબળાઈ: શરીરને વિટામિન B12, કૅલ્શિયમ, આયર્ન અને મૅગ્નેશિયમ પચાવવા માટે ઍસિડની જરૂર હોય છે. ઍસિડિટીની ગોળીઓ સતત લેવાથી આ તત્ત્વો શરીરમાં શોષાતાં નથી. એને કારણે શરીરમાં સતત થાક, નબળાઈ અને લોહીની કમી જેવી સમસ્યાઓ સર્જાય છે.

મગજ પર ખતરનાક અસર : ન્યુરોલૉજિસ્ટ જણાવે છે કે વિટામિન B12ની ઊણપ સીધી મગજની ચેતાઓને અસર કરે છે. જે લોકો વર્ષોથી ઍસિડિટીની દવાઓ લે છે તેમની યાદશક્તિ ઓછી થવાનું અને લાંબા ગાળે ડિમેન્શિયા એટલે ભૂલવાની બીમારી કે ઑલ્ઝાઇમર્સ થવાનું જોખમ અનેકગણું વધી જાય છે. મગજ સુસ્ત રહેવું અને એકાગ્રતામાં ઘટાડો થવો એ આના પ્રારંભિક સંકેતો છે.

હાડકાંનું પોલાણ : કૅલ્શિયમ ન શોષાવાને કારણે હાડકાં નબળાં અને બરડ બની જાય છે. વૃદ્ધાવસ્થામાં તો ઠીક, પણ હવે યુવાન વયના લોકોમાં પણ આ દવાઓને કારણે કમરનો દુખાવો અને સાંધાના ફ્રૅક્ચરનું પ્રમાણ વધ્યું છે.

કિડનીને ગંભીર નુકસાન : PPIનો સતત અને લાંબો વપરાશ ક્રૉનિક કિડની ડિસીઝ (CKD) એટલે કે કિડની ફેલ થવાના જોખમ સાથે સીધી રીતે જોડાયેલો છે.

બચવા માટે શું કરવું?

દવા માત્ર કામચલાઉ ઉકેલ છે. કાયમી સુધારા માટે જીવનશૈલી બદલવી જરૂરી છે.

જમવાનો સમય : રાત્રે મોડા જમવાની આદત છોડો. સૂવાના ઓછામાં ઓછા ૩ કલાક પહેલાં હળવું ભોજન લો.

ખોરાકમાં ફેરફાર : તળેલું, મસાલેદાર, પૅકેજ્ડ ફૂડ અને વધુપડતી ચા-કૉફી ઍસિડિટીના મુખ્ય દુશ્મન છે.

કુદરતી ઉપાયો : ઍસિડિટી વખતે ઠંડું દૂધ, વરિયાળીનું પાણી, કેળું કે આદુંનો ટુકડો ચાવવો એ દવાથી વધુ સુરક્ષિત છે.

વ્યાયામ : જમ્યા પછી ૧૫-૨૦ મિનિટ વજ્રાસનમાં બેસવું અથવા હળવું ચાલવું. એ પાચનમાં મદદ કરે છે.

healthy living health tips columnists gujarati mid day lifestyle news life and style