દિવાસ્વપ્નમાં રાચતી વ્યક્તિને ઇલાજની જરૂર છે?

30 August, 2021 11:03 AM IST  |  Mumbai | Dr. Kersi Chavda

મારું મન તો સતત વિચારોમાં જ હોય છે. દિવાસ્વપ્નમાં હું રાચતો હોઉં એવું મેં અનુભવ્યું છે. મારા ઘરના લોકોએ મારો એક વિડિયો બનાવેલો જેમાં મારી આંખો ખુલ્લી છે, પણ હું જે જગ્યાએ જોઈ રહ્યો હતો એ વિશે મને કંઈ જ ખબર નથી.

પ્રતીકાત્મક તસવીર

હું ૩૫ વર્ષનો છું અને છેલ્લાં બે વર્ષથી ઘરે જ છું. કામનું પ્રમાણ ઘણું ઓછું થઈ ગયું છે. છેલ્લાં બે વર્ષથી ઘરે જ રહેવાને લીધે મારી અંદર ઘણાં પરિવર્તન આવ્યાં છે. આજકાલ ઘરના લોકો મારી સાથે વાત કરે તો મારું ધ્યાન જ નથી હોતું એવી તેમની ફરિયાદો છે. મારું મન તો સતત વિચારોમાં જ હોય છે. દિવાસ્વપ્નમાં હું રાચતો હોઉં એવું મેં અનુભવ્યું છે. મારા ઘરના લોકોએ મારો એક વિડિયો બનાવેલો જેમાં મારી આંખો ખુલ્લી છે, પણ હું જે જગ્યાએ જોઈ રહ્યો હતો એ વિશે મને કંઈ જ ખબર નથી. એ પછી મેં ખુદ પણ અનુભવ્યું કે મારી અંદર જાણે કે ફિલ્મો જ ચાલ્યાં કરે છે. એક પછી એક બનાવો, સપનાની જેમ મારી અંદર ચાલતા રહે છે. શું મને સાઇકિયાટ્રિસ્ટની હેલ્પની જરૂર છે?  

ડે-ડ્રીમિંગ લગભગ બધા જ લોકો કરતા હોય છે. ભાગ્યે જ એવી કોઈ વ્યક્તિ હોય શકે જે ડે-ડ્રીમ નથી કરતી હોતી. ડે-ડ્રીમમાં તમે એ વિચારમાં એવા ખોવાણા હો કે તમને એ દૃશ્ય પણ દેખાય અથવા તો કહીએ કે તમે એમાં ઊંડા ઊતરી ગયા હો એટલે એ દૃશ્યની કલ્પના તમારી સમક્ષ આવી જાય. એનાં પાત્રો શું વાત કરશે એ ડાયલૉગની કલ્પના પણ તીવ્ર હોય છે કે તે વ્યક્તિના અવાજમાં એ સંભળાય પણ ખરી. દિવસે જોવામાં આવતાં સપનાંઓમાં મોટા ભાગે વ્યક્તિની ઇચ્છા કે આકાંક્ષા છુપાયેલી હોય છે જે ભવિષ્ય સાથે સંલગ્ન હોય છે.
ધ્યાન આપો તો દિવસે સપનાં જોવાનું કાર્ય એ જાત સાથેનું કમ્યુનિકેશન છે, જેના દ્વારા તમે તમારી જાતને વધુ સારી રીતે ઓળખી પણ શકો છો. વળી, જાત સાથેના કમ્યુનિકેશનની સાથે-સાથે એ એક થેરપીની જેમ પણ વર્તે છે, પરંતુ અહીં અમુક વસ્તુ મહત્ત્વની છે કે શું તમે નાનપણથી જ ડે-ડ્રીમર હતા? કે અચાનક ૩૫ વર્ષની ઉંમરે આ બધું તમારી સાથે થઈ રહ્યું છે? જો અચાનક આ ઉંમરમાં આ બધું થઈ રહ્યું હોય તો તમને એક વાર સાયકિયાટ્રિસ્ટને મળવાની જરૂર છે, કારણ કે એ નૉર્મલ તો ન કહી શકાય. બીજું એ કે જો નાનપણથી પણ એવું થતું હોય તો પણ એક વાર તમારે સાયકિયાટ્રિસ્ટને મળવું જોઈએ, કારણ કે તમારી આ આદત તમારા રૂટીનને, તમારી આસપાસના લોકોને તકલીફ આપી રહી છે. આ આદત સાથે કોઈ નીચે ધરબાયેલી માનસિક અવસ્થા તો જવાબદાર નથી એ એક વાર ચકાસી લો. 

columnists health tips