શું સ્તનપાનથી બ્રેસ્ટ કૅન્સર નથી થતું?

11 May, 2021 12:08 PM IST  |  Mumbai | Dr. Meghal Sanghavi

મારાં દૂરનાં એક કાકીને તો ૩ છોકરાઓ હતા અને તેમણે ત્રણેયને સ્તનપાન કરાવ્યું હતું છતાં તેમને બ્રેસ્ટ-કૅન્સર થયું હતું. શું સ્તનપાન અને બ્રેસ્ટ-કૅન્સર વચ્ચે કોઈ સંબંધ છે?

GMD Logo

હું ૩૨ વર્ષની છું અને હમણાં પ્રેગ્નન્ટ છું. એક પેરન્ટિંગ બુક વાંચતી વખતે મેં જાણ્યું કે સ્તનપાન કરાવવાથી સ્તન-કૅન્સર થતું નથી. શું આ વાત સાચી છે? મારાં દૂરનાં એક કાકીને તો ૩ છોકરાઓ હતા અને તેમણે ત્રણેયને સ્તનપાન કરાવ્યું હતું છતાં તેમને બ્રેસ્ટ-કૅન્સર થયું હતું. શું સ્તનપાન અને બ્રેસ્ટ-કૅન્સર વચ્ચે કોઈ સંબંધ છે? સ્તનપાન બાળક માટે તો સારું છે જ, પરંતુ શું મા માટે પણ એટલું જ સારું છે? માર્ગદર્શન આપશો.  
 
સમજવાની વાત એ છે કે શરીરમાં કોઈ પણ અંગનો એક હેતુ છે. એ હેતુસર તમે એની પાસે કામ ન લો તો એમાં તકલીફ ઊભી થઈ શકે છે. જ્યારે બાળક થાય ત્યારે એના પોષણ માટે સ્ત્રીના શરીરમાં જે દૂધ બને છે એ બાળકને પીવડાવવું જરૂરી છે. આમ તો દૂધ લાંબા સમય સુધી બાળકને પીવડાવવું જોઈએ, પરંતુ વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનની ગાઇડલાઇન્સ મુજબ ઓછામાં ઓછા ૬ મહિના સુધી સ્તનપાન જરૂરી છે. જ્યારે સ્ત્રી કોઈ પણ કારણસર સ્તનપાન નથી કરાવી શકતી ત્યારે તેના શરી૨માં આવતા હૉર્મોનલ બદલાવોને કારણે બ્રેસ્ટ-કૅન્સર થવાનું રિસ્ક વધી જાય છે. 
તમે એક ઉદાહરણ આપ્યું કે કોઈ એક વ્યક્તિએ સ્તનપાન કરાવ્યું છતાં તેને બ્રેસ્ટ-કૅન્સર થયું. તો સમજવાની વાત એ છે કે સ્તનપાન ન કરાવવું એ જ બ્રેસ્ટ-કૅન્સર થવા માટેનું એકમાત્ર રિસ્ક-ફૅક્ટર નથી. સ્ત્રી હોવું એ જ પોતાનામાં મોટું રિસ્ક-ફૅક્ટર છે સ્તનપાન માટેનું. આ સિવાય ફૅમિલી હિસ્ટરી, સ્મોકિંગ, ઓબેસિટી, ખોટી લાઇફસ્ટાઇલ જેવાં ઘણાં કારણો છે જે બ્રેસ્ટ-કૅન્સર માટે જવાબદાર બને છે. પરંતુ આપણે સ્ત્રી હોવાનું તો ટાળી શકતા નથી કે પછી ઘરમાં જો કોઈને બ્રેસ્ટ-કૅન્સર થયું હોય તો એ રિસ્કને પણ ટાળી શકતા નથી, પરંતુ સ્તનપાન ન કરાવવાથી ઊભા થતા રિસ્કને તો રોકી શકીએ છીએ. સ્મોકિંગ અને આલ્કોહૉલથી દૂર રહી શકીએ છીએ. રેગ્યુલર એક્સરસાઇઝ અને હેલ્ધી ડાયટ વડે ઓબેસિટી ટાળી શકીએ છીએ. સ્ટ્રેસથી બચીને મેન્ટલ હેલ્થ સાચવી શકીએ છીએ. આ બધું ધ્યાન રાખવું. આ રીતે બ્રેસ્ટ-કૅન્સરનું રિસ્ક ઓછું કરવું આપણા હાથમાં છે. હા, એ હકીકત છે કે સ્તનપાનથી ફક્ત બાળકને જ નહીં, માને પણ ઘણા ફાયદાઓ થાય છે. એક સ્ત્રી તરીકે અને એક મા તરીકે પણ બાળકને એના સ્તનપાનનો હક આપવો જરૂરી છે.

health tips columnists dr. meghal sanghvi