15 May, 2026 11:44 AM IST | Mumbai | Dr. Himanshu Mehta
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
પહેલાં દર દસમાંથી પાંચ જણને ચશ્માંનાં નંબર આવતા હતા, હવે લગભગ દસમાંથી સાત જણને ચશ્માંનાં નંબર આવી જાય છે. એ પણ ૩૦થી નાની વયની ઉંમરે. એને જ કારણે હવે લોકો નાની ઉંમરે ટેક્નૉલૉજીની મદદથી ચશ્માંનાં નંબર ઉતારતા થયા છે. આ બદલાવ સારો છે, પણ એમાં પણ કેટલીક સમજણની જરૂર છે.
ચશ્માંનાં નંબર ઉતારવાની સર્જરી કેવા સંજોગોમાં સફળ ન થાય એ પણ સમજવું જરૂરી છે. મારી પાસે એક ભાઈ ફરિયાદ લઈને આવેલા કે તેમણે મહારાષ્ટ્રના કોઈ બીજા શહેરમાં નંબર ઉતારવાની સર્જરી કરાવી હોવા છતાં તેમને વિઝનમાં તકલીફ હતી. તેમને લાગતું હતું કે ગામના નાના ડૉક્ટર હતા એટલે તેમની સર્જરી સફળ નથી થઈ. શું ફરીથી સર્જરી કરાવી શકાય?
આવું ઘણી વાર થતું હોય છે. અધકચરી માહિતી સાથે તમે આંખની ટ્રીટમેન્ટ કરાવો અને પૂરું પરિણામ ન મળે.
દરદી ૪૫ વર્ષના હતા. પંદર વર્ષથી બન્ને આંખે માઇનસ પાંચથી વધુ નંબર હતા. સિલિન્ડ્રિક ઍન્ગલ પણ હતો. તેમને સતત લાઇટિંગ અને વેલ્ડિંગનું કામ કરવાનું રહેતું હતું. આંખો નબળી પડવાથી તેમણે એ કામ છોડી તો દીધેલું, પણ આંખોને જે ડૅમેજ થઈ ચૂક્યું હતું એ પાછું રિવર્સ થાય એમ નહોતું. તેમણે નંબર ઉતારવા માટે લેસિક સર્જરી કરાવી લીધી, પણ તેમને રાતના સમયે વિઝનમાં સ્પષ્ટતા પછી આવી જ નહીં.
મૂળે તેમને નાઇટવિઝનની તકલીફ હતી. વેલ્ડિંગના કામને કારણે આંખના પડદામાં થયેલા ડૅમેજને કારણે ડિમ લાઇટમાં કંઈ જ દેખાતું નહોતું. આ પરિસ્થિતિ સતત વણસતી જતી હતી. જ્યારે પણ વિઝનમાં તકલીફ લાગે એટલે ચશ્માંની ફ્રેમવાળાને ત્યાં જઈને નંબર ચેક કરાવીને નંબર બદલાવી લેતા. જોકે નાઇટ વિઝનમાં એનાથી ફરક પડતો નહીં.
આમાં સમજવા જેવી વાત એ છે કે રાતે જોવામાં તકલીફ પડવી એને રતાંધણાપણાની તકલીફ કહેવાય છે. આ તકલીફનું નિદાન કોઈ ચશ્માંની ફ્રેમવાળાને ત્યાં નથી થઈ શકતું. રાતે જોવામાં તકલીફ પડતી હોય એના બે કારણો છે. એક તો રતાંધળાપણું જે જિનેટિક પ્રૉબ્લેમ છે. બીજી તકલીફ છે રેટિનાઇટિસ પિગ્મેન્ટોઝાની તકલીફ. એમાં આંખના પડદાને જ નુકસાન થાય છે અને ધીમે-ધીમે રાતનું વિઝન ઘટતું જાય છે. જો જિનેટિક તકલીફ હોય અને વિટામિન્સની ખામીને કારણે થતી તકલીફ હોય તો વિટામિન Aનાં સપ્લિમેન્ટ્સ લેવાથી ફાયદો જરૂર વર્તાય, પણ પડદાને નુકસાન થઈ ગયું હોય તો એ રિવર્સ થઈ શકે નહીં.
લેસિકથી ચશ્માંનાં નંબર ઉતારવાથી નાઇટ વિઝનની તકલીફમાં કોઈ ફરક ન પડે કેમ કે એ બન્ને સમસ્યાઓ જ અલગ છે.
આંખનો પડદો એક એવો અવયવ છે જેને થયેલું ડૅમેજ રિવર્સ કરવું લગભગ અશક્ય છે. એટલે જ આંખની તકલીફોની કોઈ પણ સારવાર કરાવતી વખતે ઓવરઑલ આંખના વિઝન અને અને અંદરના અવયવોને સમજીને સારવાર થાય એ સુનિશ્ચિત કરવું જરૂરી છે.