ડિલિવરી પછી પણ જો ધ્યાન નહીં રાખો તો PCOS પાછો આવી જશે

08 December, 2025 03:12 PM IST  |  Mumbai | Jigisha Jain

જેને PCOS છે તેણે એ સમજવું જરૂરી છે કે લાઇફસ્ટાઇલ ખરાબ થશે તો PCOS કોઈ પણ ઉંમરે, કોઈ પણ પરિસ્થિતિમાં પાછો આવી જશે જે તમારી સંપૂર્ણ હેલ્થ પર અસર કરશે.

પ્રતીકાત્મક તસવીર

PCOS એટલે કે પૉલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રૉમ એક એવી તકલીફ છે જે ઇન્ફર્ટિલિટીની કારક છે અને એટલે જ સામાન્ય રીતે ગર્ભ ધારણ કરવાને PCOSના અંત તરીકે જોવામાં આવે છે. ડિલિવરી પછી માઇલ્ડ અને મૉડરેટ પ્રકારનો PCOS હોય તો એ જતો રહેતો હોય છે; પરંતુ જો સ્ત્રી ડિલિવરી પછી ધ્યાન ન આપે, તેનું વજન ખૂબ વધી જાય અને લાઇફસ્ટાઇલ ખરાબ થઈ જાય તો એ જતો રહેલો PCOS પાછો આવી શકે છે. જેને PCOS છે તેણે એ સમજવું જરૂરી છે કે લાઇફસ્ટાઇલ ખરાબ થશે તો PCOS કોઈ પણ ઉંમરે, કોઈ પણ પરિસ્થિતિમાં પાછો આવી જશે જે તમારી સંપૂર્ણ હેલ્થ પર અસર કરશે.

૩૯ વર્ષની મેઘાએ રિપોર્ટ કરાવ્યા, જેમાં તેને ખબર પડી કે તેને ડાયાબિટીઝ આવી ગયો છે. છેલ્લાં પાંચ વર્ષથી તે તેના બાળકમાંથી ફ્રી જ નથી થઈ કે તે પોતાના પર ધ્યાન આપે. મેઘાને પાંચ વર્ષનો દીકરો છે. તે નાની હતી ત્યારથી તેના પિરિયડ્સ અનિયમિત રહેતા હતા. દર મહિને તેને ક્યારેય પિરિયડ આવતા નહીં. ક્યારેક બે મહિને તો ક્યારેક ૫૦ દિવસે તો ક્યારેક ૨૦ દિવસે પણ આવી જતા. લગ્ન પછી પણ આ તકલીફ ચાલુ રહી. તેણે ઇલાજ કરાવ્યો. ડૉક્ટરે તેને કહ્યું હતું કે તમને પૉલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રૉમ (PCOS) છે જેને લીધે મેઘાએ ઇન્ફર્ટિલિટીનો સામનો પણ કર્યો. લગ્નનાં બે વર્ષ નૅચરલી કોશિશ કરી ત્યારે તે ગર્ભ ધારણ કરી શકી નહીં. એ પછી PCOSનો ઇલાજ કર્યો. ગોળીઓ ખાધી. વજન ઉતાર્યું અને લાઇફસ્ટાઇલમાં ઘણા બદલાવ કર્યા. તે ખંતથી પોતાના શરીરને સુધારવામાં લાગી પડેલી. આ રીતે થોડા સમયમાં PCOSમાં તેને ઘણી રાહત થઈ અને કોશિશ કરી ત્યારે તે નૅચરલી ગર્ભ ધારણ કરી શકી. PCOS હોવાનો એક સૌથી મોટો ગેરલાભ એ જ છે કે તમને ઇન્ફર્ટિલિટીની તકલીફ નડે છે, પરંતુ મેઘાને બાળક આવી ગયું. બાળક એકદમ હેલ્ધી હતું એટલે તે ખુશ હતી. મા બન્યા પછી બાળક, ઘર અને કામ વચ્ચે તેને ખુદ પર ધ્યાન દેવાનો સમય જ નહોતો મળ્યો. ડિલિવરીના દોઢ વર્ષ પછી ફરી પિરિયડ્સ અનિયમિત થયા ત્યારે મેઘાને લાગ્યું કે આ તો પહેલાંથી જ નૉર્મલ નહોતા અને અત્યારે પણ નથી. પણ હવે શું? બાળક તો આવી ગયું. બાકી કોઈ ખાસ તકલીફ નથી. અનિયમિતતાની તેને આદત હતી એટલે એ વસ્તુ પર ધ્યાન ન આપ્યું કે એમ પણ કહી શકાય કે ધ્યાન આપવાનો સમય જ નહોતો. પ્રેગ્નન્સીમાં મેઘાનું ૧૭ કિલો વજન વધ્યું અને અને ડિલિવરી પછી એમાં પાંચ કિલોનો ઉમેરો વધુ થયો હતો. બાળક માટે ડાયટ, એક્સરસાઇઝ અને ખુદ પર ધ્યાન આપવાની જે મહેનત તેણે પહેલાં કરી હતી એ મહેનત બાળક પછી તે ન કરી શકી અને તેને કરવી પણ નહોતી. એનું પરિણામ એ હતું કે તેને ૩૯ વર્ષની ઉંમરે ડાયાબિટીઝ આવી ગયો છે. એ આવ્યો ત્યારે ડૉક્ટરે તેને પછી ઠપકારી કે ‘તારું માસિક અનિયમિત થયું તો તેં ચલાવી કેમ લીધું? આ એક અલાર્મ હતું. શરીર તને કહી રહ્યું હતું કે તું મારા પર ધ્યાન આપ, પણ તેં ધ્યાન ન આપ્યું એટલે આટલી યુવાન વયે તને ડાયાબિટીઝ આવી ગયો.’

અનિયમિત પિરિયડ્સ અને ડાયાબિટીઝને શું લેવાદેવા? બાળક આવી ગયા પછી મેઘાએ ખુદનું શું ધ્યાન રાખવાનું હતું? PCOSની કાળજી શું જીવનભર લેવી પડે? આ બધા પ્રશ્નોનો જવાબ આજે મેળવવાની કોશિશ કરીએ.

બાળક માટે મહેનત, પણ બાળક આવ્યા પછી?

ભારતના અમુક સ્ટડીઝ માને છે કે દર પાંચમાંથી એક સ્ત્રી PCOS ધરાવે છે. એ વિશે વાત કરતાં ગાઇનેકોલૉજિસ્ટ ડૉ. જયેશ શેઠ કહે છે, ‘PCOSનું મુખ્ય લક્ષણ છે અનિયમિત માસિક. આ સિવાય ઍક્ને, શરીર અને મોઢા પર ખાસ કરીને છાતી અને મૂછની જગ્યાએ આવતા અણવાંછિત વાળ જણાવે છે કે સ્ત્રીને PCOS છે. આ રોગ થવા પાછળનાં કારણોમાં વધુ વજન અને ખોટી લાઇફસ્ટાઇલ જવાબદાર છે. જેને PCOS છે એવી ૮૦ ટકા છોકરીઓ ઓબીસ હોય છે. જોકે દૂબળી છોકરીઓને પણ આ તકલીફ થઈ શકે છે. PCOSનું સૌથી નડતરરૂપ પરિણામ ઇન્ફર્ટિલિટી માનવામાં આવે છે. દવાઓ થકી અને લાઇફસ્ટાઇલમાં ખાસ્સો બદલાવ કરીને છોકરીઓ બાળક માટે મહેનત કરતી જોવા મળે છે; પણ બાળક આવી જાય પછી સપોર્ટના અભાવે તે મહેનત નથી કરી શકતી, પોતાનું ધ્યાન રાખી નથી શકતી અને એને કારણે તકલીફ ભોગવતી હોય છે. આ એક પ્રૅક્ટિકલ પ્રૉબ્લેમ જોવા મળી રહ્યો છે.’

માઇલ્ડ, મૉડરેટ અને સિવિયર

PCOSની ત્રણ કૅટેગરી છે - માઇલ્ડ, મૉડરેટ અને સિવિયર. PCOSનો એક ઇલાજ ગર્ભને ધારણ કરવું પણ માનવામાં આવે છે. એના વિશે વાત કરતાં ડૉ. જયેશ શેઠ કહે છે, ‘જે પણ છોકરીઓને માઇલ્ડ કે મૉડરેટ લેવલનો PCOS છે તેને ડિલિવરી પછી આ રોગ પાછો આવતો નથી. મોટા ભાગે એ જતો જ રહે છે. એટલે પોતાના PCOSનો એક વખત પ્રૉપર ઇલાજ કરીને લાઇફસ્ટાઇલમાં જરૂરી બદલાવ લાવીને જે છોકરીઓ ગર્ભ ધારણ કરે છે એ છોકરીઓને ડિલિવરી પછી PCOS જતો રહે છે. તેમનું માસિક નિયમિત થઈ જાય છે. જોકે જે છોકરીઓ માઇલ્ડ અને મૉડરેટ લેવલના PCOS પર ધ્યાન આપતી નથી, ઇલાજ કરાવતી નથી, લાઇફસ્ટાઇલ બદલતી નથી તેમને સિવિયર PCOS હોય છે. તેમને ડિલિવરી પછી પણ PCOS જતો રહેતો નથી. સિવિયર પ્રકારનો PCOS થવાનું એક કારણ જિનેટિક પણ હોય છે, પરંતુ આવી છોકરીઓએ લાઇફસ્ટાઇલ પર વધુ ધ્યાન આપવું પડે છે. તો તે PCOS પર કાબૂ રાખી શકે.’

વજન વધે અને લાઇફસ્ટાઇલ બગડે ત્યારે...

ડિલિવરી પછી PCOS પાછો આવી જવાનું કારણ ફક્ત એ નથી કે તમને સિવિયર લેવલનો PCOS હોય. જેમને માઇલ્ડ અને મૉડરેટ લેવલનો PCOS છે એ સ્ત્રીઓને પણ ડિલિવરી પછી PCOS પાછો આવવાની અમુક શક્યતા છે. એની વાત કરતાં ડૉ. જયેશ શેઠ કહે છે, ‘જો તમે ધ્યાન ન રાખો, ખાસ કરીને ડિલિવરી પછી વજન ખૂબ વધી જાય તો જે વ્યક્તિને પહેલાં PCOS હતો તેને ફરી ડિલિવરી પછીનાં ૨-૪ વર્ષની અંદર PCOS આવી શકે છે. લાઇફસ્ટાઇલ આજની તારીખે ખૂબ બગડતી જાય છે. બાળક આવે એ પછી થતા ઉજાગરા, સ્ટ્રેસ, માની જેટલી લેવાવી જોઈએ એ કાળજીનો અભાવ, ઘર, કામ અને બાળકની જવાબદારી બધું જ જ્યારે એકસાથે અાવી જાય ત્યારે સ્ત્રીઓ પોતાને સમય નથી આપી શકતી, એક્સરસાઇઝ નથી કરી શકતી, હેલ્ધી ડાયટ ફૉલો નથી કરી શકતી અને વજન વધારી બેસે છે. પ્રેગ્નન્સી કરતાં ડિલિવરી પછી ધ્યાન ન રાખવાને કારણે વજન ઘણું ઝડપથી વધી જાય છે અને એને કારણે તકલીફો પાછી આવે છે.’ 

PCOS અને રિસ્ક

જીવનના ગમે તે સ્ટેજ પર જો તમારું માસિક અનિયમિત બનતું હોય તો તમને ઇલાજની જરૂર છે એ સમજી લેવું. માસિકની નિયમિતતા ફક્ત ફર્ટિલિટી માટે જ જરૂરી છે એવું ન સમજો. કોઈ પણ સ્ત્રી માટે તેની સર્વોત્તમ હેલ્થ ત્યારે જ જળવાય જો તેનું માસિક યોગ્ય હોય, સમય પર આવતું હોય. ફિનલૅન્ડનું રિસર્ચ જણાવે છે કે જે સ્ત્રીઓને PCOS નથી એના કરતાં જેમને છે તેમના પર મૃત્યુનું રિસ્ક ૪૭ ટકા વધુ જોવા મળે છે જેમાં કાર્ડિયોવૅસ્ક્યુલર ડિસીઝથી થતાં મૃત્યુનું પ્રમાણ ૬૭ ટકા જેટલું નોંધાયું હતું અને ટ્યુમરથી થતાં મૃત્યુનું પ્રમાણ ૩૮ ટકા જેટલું નોંધાયું હતું. જે સ્ત્રીઓને ૪૦ વર્ષ પછી PCOSની તકલીફ રહે છે એવી સ્ત્રીઓમાં અડધાથી ઉપર સ્ત્રીઓને ડાયાબિટીઝ આવી જ જાય છે. એનું કારણ છે આ સ્ત્રીઓમાં ઇન્સ્યુલિન-રેઝિસ્ટન્સ જોવા મળે છે. આમ બાળક આવી ગયા પછી પણ ખૂબ જરૂરી છે કે સ્ત્રીઓ ખુદ પર ધ્યાન આપે, વજન ન વધવા દે, લાઇફસ્ટાઇલ ઠીક રાખે અને છતાં પણ જો માસિક અનિયમિત હોય તો એનો ઇલાજ કરાવે. અમુક ગોળીઓ છે જે PCOSના ઇલાજમાં ઘણી ઉપયોગી છે જે સેફ ગોળીઓ છે. મહત્ત્વનું એ છે કે ફક્ત ગોળીઓના જોરે આ રોગથી છુટકારો નહીં મળે. જીવનભર તમારે તમારી હેલ્થનું ધ્યાન રાખવા માટે લાઇફસ્ટાઇલ સારી રાખવી જ પડશે, કારણ કે તમારા શરીરની ટેન્ડન્સી એવી છે.

health tips healthy living life and style lifestyle news columnists