પથરી ઑપરેશન કર્યા વગર નીકળે ખરી?

26 May, 2021 11:40 AM IST  |  Mumbai | Dr. Bharat Shah

ઘરના લોકોને લાગે છે કે પથરીની રાહ જોવાને કારણે વધુ દુખાવો સહન કર્યે રાખવાનું હોય એના કરતાં એન્ડોસ્કોપી સેફ છે. તમારા મતે રાહ જોવી જોઈએ કે નહીં એ જણાવશો. આ બાબતે શું ધ્યાન રાખવું?  

GMD Logo

મારા મોટા ભાઈ ૬૨ વર્ષના છે. પેટમાં સખત દુખાવો ઉપડ્યો અને ડૉક્ટર પાસે લઈ ગયા ત્યારે ખબર પડી કે તેમને પેટમાં પથરી થઈ છે. ડૉક્ટરે કહ્યું કે તેમની પથરી યુરેટરમાં છે અને ૬ એમએમ જેટલી મોટી છે એટલે એન્ડોસ્કોપી પણ કરી શકાય અને પથરી જાતે જ નીકળી જાય એ માટે રાહ પણ જોઈ શકાય. મારા મોટા ભાઈને પ્રોસીજર કરાવવું જ નથી. તેમને એમ છે કે એમને એમ નીકળી જાય તો સારું. ઘણી વાર તેમને કોઈ દુખાવો થતો નથી ત્યારે લાગે છે કે રાહ જોઈ શકાય, પરંતુ જ્યારે દુખાવો થાય છે ત્યારે અતિશય થાય છે. ઘરના લોકોને લાગે છે કે પથરીની રાહ જોવાને કારણે વધુ દુખાવો સહન કર્યે રાખવાનું હોય એના કરતાં એન્ડોસ્કોપી સેફ છે. તમારા મતે રાહ જોવી જોઈએ કે નહીં એ જણાવશો. આ બાબતે શું ધ્યાન રાખવું?    
 
આમ તો પથરી માટે થતી એન્ડોસ્કોપી એકદમ સામાન્ય હોય છે માટે એમાં ગભરાવા જેવું નથી, પરંતુ મોટા ભાગે લોકોને પથરી થાય તો તેમને એવું લાગે છે કે પ્રોસીજર વગર જ નીકળી જાય તો સારું. જો પથરી ૬ એમએમથી વધુ મોટી હોય તો ઑપરેશન કરવું પડે છે. જો એનાથી નાની હોય તો એની મેળે નીકળી જવાની શક્યતા વધુ રહે છે. તમારા મોટા ભાઈની પથરી ૬ એમએમ જ છે એટલે એ બૉર્ડર પર કહેવાય. માટે જ ડૉક્ટરે કહ્યું કે બન્ને શક્યતા છે. જો તમે રાહ જુઓ તો વાંધો નથી, પરંતુ દર અઠવાડિયે સોનોગ્રાફી કરીને પથરીની પરિસ્થિતિ શું છે એ જોવી જરૂરી છે. જો તમે એને ભૂલી જશો અને દર અઠવાડિયે સોનોગ્રાફી નહીં કરાવો તો તકલીફ ઊભી થશે. ડૉક્ટરે આપેલી દવા અને વધુ પાણી દ્વારા એ પથરી ધીમે-ધીમે મૂત્ર માર્ગે નીકળી જાય એવી શક્યતા છે. પથરી દરદી ને થોડી પીડા દઈને પણ મૂત્ર માર્ગે નીકળી જતી હોય છે જે દરદી ખૂદ જ અનુભવીને કહી શકે છે કે પથરી નીકળી ગઈ. અમે દરદીને હંમેશાં સલાહ આપીએ છીએ કે થોડા દિવસ યુરિન પાસ કરતી વખતે ફિલ્ટર પેપર વાપરે જેથી ખબર પડે કે પથરી નીકળી કે નહીં. આ સિવાય પણ આ દરદીઓએ ખૂબ પાણી પીતા રહેવું જરૂરી છે, કારણ કે તેમના શરીરની પ્રકૃતિ છે પથરી બનાવવાની માટે એક વાર નીકળી ગયા પછી પણ ફરીથી પથરી થવાની શક્યતા સામાન્ય કરતાં વધુ રહે છે. 

health tips columnists