18 June, 2026 12:51 PM IST | Mumbai | Heena Patel
પ્રતીકાત્મક તસવીર
અત્યાર સુધી એવું હતું કે નિકોટિનનું નામ પડે એટલે આપણને તમાકુ, ધૂમ્રપાન અને વ્યસન યાદ આવે છે. જોકે, આજકાલ સોશ્યલ મીડિયા પર અમુક વેલનેસ ઇન્ફ્લુઅન્સર્સ નિકોટિનને સારું ગણાવી રહ્યા છે. નિકોટિન યાદશક્તિ, એકાગ્રતા અને માનસિક કાર્યક્ષમતા સુધારે છે એ પ્રકારનું માર્કેટિંગ તેઓ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે આપણે જેમ વર્ષોથી માનતા આવ્યા છીએ એમ નિકોટિન વિલન નથી. એના ફાયદા પણ છે. લોકો નિકોટિનની લતને કારણે સિગારેટ પીએ છે, પરંતુ તેમનાં મૃત્યુ નિકોટિનને કારણે નહીં, પણ તમાકુના ધુમાડાને લીધે થાય છે. જ્યારે તમે સિગારેટ કે બીડી સળગાવો છો ત્યારે તેમાંથી રસાયણો ઉત્પન્ન થાય છે જે કૅન્સર માટે જવાબદાર છે, પણ જો નિકોટિનને અલગથી થોડી માત્રામાં લેવામાં આવે તો એ ફાયદો પહોંચાડી શકે છે. જોકે આવા દાવાઓથી અંજાતાં પહેલાં વાસ્તવિકતા શું છે એ ચકાસી લેવી જોઈએ. આને લઈને આપણે સાઇકિયાટ્રિસ્ટ ડૉ. નિકુંજ ગોકાણી પાસેથી નિકોટિનના ફાયદા-નુકસાનની હકીકત જાણી લઈએ.
નિકોટિન મગજમાં કેટલાંક એવાં કેમિકલ્સનું સ્તર વધારે છે, જે ધ્યાન કેન્દ્રિત કરવામાં, યાદશક્તિ જાળવી રાખવામાં અને ઝડપથી કામ કરવામાં મદદરૂપ થાય છે. એના કારણે વ્યક્તિને થોડા સમય માટે વધુ અલર્ટ, ફોકસ્ડ અને એનર્જેટિક હોવાનો અનુભવ થાય છે. એટલે ઘણા લોકોને લાગે છે કે નિકોટિન તેમના કામની ક્ષમતા વધારે છે, પરંતુ આ અસર માત્ર થોડા સમય પૂરતી જ હોય છે. આપણું મગજ ખૂબ જ સમજદાર છે અને પરિસ્થિતિ પ્રમાણે પોતાને ઢાળી લે છે. જ્યારે વારંવાર નિકોટિનથી આ કેમિકલ્સનું સ્તર વધે છે, ત્યારે મગજ એની આદત પાડી લે છે અને કુદરતી રીતે કામ કરવાની રીતમાં ફેરફાર કરે છે. પરિણામે થોડા સમય પછી નિકોટિન વગર ધ્યાન ન લાગવું, બ્રેઇન ફૉગ અને બેચેની જેવી સમસ્યાઓ અનુભવાવા લાગે છે. ઘણા લોકો માને છે કે નિકોટિન લીધા પછી તેમનું ફોકસ વધે છે અને તેઓ વધુ સારી રીતે કામ કરી શકે છે, પરંતુ હકીકતમાં એવું નથી. લાંબા સમયથી નિકોટિનનો ઉપયોગ કરતા લોકોમાં નિકોટિન ન મળે ત્યારે બેચેની, ધ્યાન ન લાગવું અને બ્રેઇન ફૉગ જેવાં લક્ષણો જોવાં મળે છે. જ્યારે તેઓ ફરી નિકોટિન લે છે, ત્યારે આ લક્ષણો થોડા સમય માટે ઘટી જાય છે. તેથી તેમને લાગે છે કે નિકોટિનથી તેમની કાર્યક્ષમતા વધી છે, જ્યારે વાસ્તવમાં તેઓ માત્ર નિકોટિનની અછતથી થયેલી અસ્વસ્થતામાંથી બહાર આવી રહ્યા હોય છે.
નિકોટિન મગજના રિવૉર્ડ સિસ્ટમ પર ખૂબ જ શક્તિશાળી અસર કરે છે. જ્યારે કોઈ વ્યક્તિ નિકોટિનવાળી પ્રોડક્ટનો ઉપયોગ કરે છે, ત્યારે માત્ર દસથી વીસ સેકન્ડમાં જ નિકોટિન મગજ સુધી પહોંચી જાય છે. એ તરત જ ડોપામીન નામના ફીલ-ગુડ કેમિકલનું સ્તર વધારી દે છે. ડોપામીન મગજને એવો સંદેશ આપે છે કે, ‘તમે હમણાં જે કર્યું એ સારું લાગ્યું, એટલે ફરી કરો.’ આપણું મગજ એવી વસ્તુઓ તરફ સહેલાઈથી આકર્ષાય છે જે તરત આનંદ કે સંતોષ આપે. નિકોટિન ખૂબ ઝડપથી આ અનુભવ કરાવતું હોવાથી મગજ એની આદત પાડી લે છે અને વારંવાર એની માગ કરવા લાગે છે. ધીમે-ધીમે વ્યક્તિને નિકોટિન વગર સામાન્ય રીતે કામ કરવું પણ મુશ્કેલ લાગવા લાગે છે. સમય જતાં મગજ નિકોટિન પર નિર્ભર બની જાય છે. ત્યાર બાદ જો નિકોટિન લેવાનું બંધ કરવામાં આવે, તો ચીડિયાપણું, મૂડમાં વારંવાર બદલાવ, બેચેની અને નિકોટિન લેવાની તીવ્ર ઇચ્છા જેવા વિધડ્રૉઅલનાં લક્ષણો જોવા મળે છે.
નિકોટિન શરીરની સ્ટ્રેસ-રિસ્પૉન્સ સિસ્ટમને અસંતુલિત બનાવે છે. નિકોટિન લીધા પછી જે શાંતિ કે હળવાશ અનુભવાય છે, એ ખરેખર તણાવ ઓછો થવાને કારણે નહીં, પરંતુ નિકોટિન ન મળવાથી થતી બેચેની અને અસ્વસ્થતા થોડા સમય માટે ઘટવાને કારણે હોય છે. લાંબા ગાળે નિકોટિન પરની નિર્ભરતા વ્યક્તિને ઍન્ગ્ઝાયટી, ડિપ્રેશન અને વારંવાર બદલાતા મૂડ જેવી માનસિક સમસ્યાઓ માટે વધુ સંવેદનશીલ બનાવી શકે છે. નિકોટિન હૃદય અને રક્તવાહિનીઓ માટે હાનિકારક છે. ધૂમ્રપાનનો ધુમાડો ન હોય તો પણ માત્ર નિકોટિન જ શરીર પર ખરાબ અસર કરી શકે છે. એ શરીરને સતત અલર્ટ મોડમાં રાખે છે, જેના કારણે બ્લડપ્રેશર વધે છે અને લાંબા ગાળે હૃદય તથા મગજસંબંધિત ગંભીર સમસ્યાઓનું જોખમ વધી શકે છે.
આજકાલ યુવાનોમાં નિકોટિન ગમ, પૅચિસનો ઉપયોગ વધ્યો છે. ઘણી વાર સ્મોકિંગનું ઍડિક્શન છોડાવવા માટે ડૉક્ટર્સ ગમ અને પૅચ પ્રિસ્ક્રાઇબ કરતા હોય છે. જો નિકોટિન ખરાબ છે તો શા માટે તેનો ઉપયોગ થાય છે? આપણને એવો સહજ સવાલ થતો હોય છે. તો એનું કારણ એ છે કે આ પ્રોડક્ટ્સમાં રહેલું નિકોટિન શરીરમાં ખૂબ ધીમે અને નિયંત્રિત રીતે પહોંચે છે. સિગારેટ, વેપ અથવા અન્ય નિકોટિન પ્રોડક્ટ્સની જેમ એ મગજ સુધી સેકન્ડોમાં પહોંચી જતું નથી અને તાત્કાલિક આનંદ કે ઉત્તેજનાની લાગણી પણ પેદા કરતું નથી. એના બદલે એ શરીરને એટલું જ નિકોટિન આપે છે કે વ્યક્તિને ગંભીર વિધડ્રૉઅલનાં લક્ષણો ન થાય. આ રીતે મગજને ધીમે-ધીમે નિકોટિનની આદતમાંથી બહાર આવવાની તક મળે છે અને થોડા મહિનાઓમાં વ્યસન ઘટાડવામાં મદદ મળે છે. જોકે નિકોટિન ગમ કે પૅચનો ઉપયોગ પણ ડૉક્ટરની સલાહ અને દેખરેખ હેઠળ જ કરવો જોઈએ. યોગ્ય માર્ગદર્શન વગર અથવા લાંબા સમય સુધી એનો ઉપયોગ કરવામાં આવે તો એના પર પણ નિર્ભરતા વિકસી શકે છે.
કામ કે અભ્યાસ કરતી વખતે વધુ ફોકસ અને પ્રોડક્ટિવિટી મેળવવા માટે નિકોટિન જેવી વ્યસનકારક અને નુકસાનકારક વસ્તુનો સહારો લેવો જોખમી સાબિત થઈ શકે છે. નિકોટિનથી મળતો થોડા સમયનો ફોકસ જીવનભરના વ્યસન અને એના માનસિક-શારીરિક નુકસાનની સરખામણીએ ખૂબ નાનો છે. જો કોઈ વ્યક્તિ સતત તનાવ, ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી અથવા થાકનો અનુભવ કરતી હોય, તો એનો ઉકેલ નિકોટિન નહીં, પરંતુ વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલી સ્વસ્થ આદતોમાં છે.
સૌથી પહેલાં ઊંઘ સુધારવી જરૂરી છે. પૂરતી અને ગુણવત્તાયુક્ત ઊંઘ ન મળવી એ દિવસ દરમિયાન બ્રેઇન ફોગ, થાક અને ધ્યાન ન લાગવાનાં સૌથી મોટાં કારણોમાંનું એક છે.
નિયમિત કસરત પણ ખૂબ મદદરૂપ થાય છે. ચાલવું, દોડવું, સાઇકલિંગ કે સ્વિમિંગ જેવી કાર્ડિયોવેસ્ક્યુલર ઍક્ટિવિટીઝ શરીરમાં એવાં કેમિકલ્સનું સ્તર વધારે છે, જે કુદરતી રીતે મૂડ, ઊર્જા અને ફોકસમાં સુધારો કરે છે. ફોકસ વધારવા માટે મનને પણ તાલીમ આપવાની જરૂર પડે છે.
કોઈ કેમિકલના સહારે ધ્યાન કેન્દ્રિત કરવાની જગ્યાએ સરળ મેન્ટલ સ્ટ્રેટેજીસ અપનાવી શકાય. ઉદાહરણ તરીકે ‘પચ્ચીસ મિનિટનો નિયમ’ અથવા ‘પોમોડોરો ટેક્નિક’ કે જેમાં પચ્ચીસ મિનિટ સુધી સંપૂર્ણ ધ્યાન સાથે કામ કરવામાં આવે છે અને પછી પાંચ મિનિટનો બ્રેક લેવામાં આવે છે. આ સરળ ટેવ ધીમે-ધીમે મગજને લાંબા સમય સુધી સ્વાભાવિક રીતે ધ્યાન કેન્દ્રિત કરવાનું શીખવે છે.
નિકોટિન થોડી મિનિટો માટે ફોકસનો ભાસ કરાવી શકે છે, પરંતુ એની કિંમત વ્યસન, માનસિક તકલીફો અને શારીરિક નુકસાનના રૂપમાં ચૂકવવી પડી શકે છે. સાચો બ્રેઇન બૂસ્ટર કોઈ કેમિકલ નહીં, પરંતુ સારી ઊંઘ, કસરત અને સ્વસ્થ ટેવો છે.