તારક મેહતાના જેઠાલાલની જેમ તમને પણ પાચન માટે દરરોજ સોડા પીવાની આદત છે?

18 February, 2026 12:15 PM IST  |  Mumbai | Jigisha Jain

તો એ આદત છોડો. એનાથી પાચન સારું નથી થતું, ઊલટું ખરાબ થાય છે. ઘણા લોકો ઍસિડિટીને દૂર ભગાડવા માટે સોડા નિયમિત પીતા હોય છે. નિયમિત રીતે દરરોજ પિવાતી સોડા એક નહીં ઘણા જુદા-જુદા પ્રકારના પ્રૉબ્લેમ્સની કારક છે.

પ્રતીકાત્મક તસવીર

‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ સિરિયલમાં જેઠાલાલ અને તેમના સાથીઓ દરરોજ રાત્રે જમીને સોડા પીવા અબ્દુલની દુકાને જતા હોય છે એવું બતાવવામાં આવે છે. આ આદત મોટા ભાગે ગુજરાતી લોકોને છે જે રાત્રે જમ્યા પછી લટાર મારવા નીકળે અને સોડા પીએ. ગુજરાતના દરેક શહેર કે ગામમાં સોડા પીવા જવી એક રિવાજ જેવું છે. મુંબઈમાં પણ જુદા-જુદા એરિયામાં સોડાની દુકાનો પર સૌથી વધુ ગુજરાતીઓ જોવા મળે છે. સોડા પીવાની મજા આવે એ વાત ૧૦૦ ટકા સાચી, પણ એને લોકો પીએ છે એટલે કારણ કે મોટા ભાગના લોકો એને પાચક માને છે. કોઈ વાર હેવી જમાઈ ગયું હોય તો લોકો સોડા પીએ છે અને સોડા છેને, વાંધો નહીં આવે એમ સમજીને હેવી જમતા લોકો પણ ઘણા હોય છે. ઘણા લોકો એને ગૅસ અને ઍસિડિટીનો ઇલાજ માને છે. જ્યારે પેટમાં એકદમ ભારે લાગતું હોય ત્યારે સોડા પીને બે ઓડકાર લઈ લઈએ એટલે સારું લાગવા લાગે છે. હકીકતે સોડા પાચક છે ખરી? એ પીવાથી ફાયદો થાય કે નુકસાન એ સમજવાનો પ્રયાસ આજે કરીએ.

પ્રકાર

માન્યું કે ગુજરાતી સમાજ વર્ષોથી સોડાનો ચાહક રહ્યો છે પણ જે વર્ષોની આદત હોય એ સાચી જ આદત છે એવું હોતું નથી એમ સમજાવતાં ન્યુટ્રિશનિસ્ટ ધ્વનિ શાહ કહે છે, ‘પહેલાં તો સોડામાં પણ ઘણા પ્રકાર છે એ સમજી લઈએ. કોલા તો અનહેલ્ધી છે જ એ બધાને ખબર છે. જે બૉટલમાં પૅક્ડ ફ્લેવર્ડ સોડા હોય છે એમાં તો ઘણી આર્ટિફિશ્યલ ફ્લેવર્સ હોય છે. નકલી કલર હોય છે. સ્ટેબિલાઇઝર્સ હોય છે. અને સૌથી વધુ ખરાબ એમાં અઢળક શુગર હોય છે. આથી ઑરેન્જ કે લીંબુ કે જીરા ફ્લેવરની સોડાઓ કોઈ પણ રીતે હેલ્ધી નથી હોતી. આ સિવાય જે સોડા બનાવવામાં સિરપ વાપરવામાં આવે છે તો એ સિરપ જરાય નૅચરલ નથી હોતાં એટલે સિરપવાળી સોડા હેલ્ધી નથી. હવે છેલ્લે રહી તાજા મસાલા દ્વારા બનતી સોડા. એટલે કે લીંબુ, આદુંનો રસ, મીઠું, જીરું કે સિંધવ મીઠું જેવા નૅચરલ પદાર્થોને લઈને સાદી સોડામાં ભેળવીને પીવામાં આવે છે જેને લીંબુ મસાલા, કાશ્મીરી સોડા કે હજમાહજમ સોડા જેવાં નામો આપવામાં આવે છે. બધી સોડામાં આ પ્રકારની સોડા માટે કહી શકાય કે એ એટલી ખરાબ નથી પણ કન્ડિશન એ છે કે આ સોડા પણ ક્યારેક એટલે કે મહિને-બે મહિને મજા માટે એકાદ વાર પી શકાય.’

ઍસિડિટી

સોડા ઍસિડિટીમાં ફાયદો કરે છે કે નહીં એ પ્રશ્નનો જવાબ આપતાં ધ્વનિ શાહ કહે છે, ‘સોડા પાચક નથી. ઊલટું એ પાચન ખરાબ કરનારી છે. સોડા એક કાર્બનથી ભરેલું પીણું છે જે આલ્કલાઇન છે. એટલે કે ઍસિડ મારનારી વસ્તુ છે. એટલે આ લૉજિકથી લોકોને લાગે છે કે એ ઍસિડિટીમાં મદદ કરે છે, પણ હકીકતે એવું છે કે એ એક ક્વિક ફિક્સ જેવું છે. ઍસિડિટીમાં જઠરમાં રહેલું ઍસિડ વધે છે ત્યારે સોડા આલ્કલાઇન બનીને એ ઍસિડને ઓછું કરે છે. જોકે શરીર એ ઍસિડ વધુ બનાવે છે એની પાછળ કોઈ ને કોઈ કારણ જવાબદાર હોય છે. શરીરને લાગે છે કે ઍસિડ ઓછું પડી રહ્યું છે તો એ હજી વધુ ઍસિડ બનાવવામાં લાગી જાય છે. આમ ઍસિડિટીની સમસ્યાથી તાત્કાલિક રાહત થઈ જાય છે પણ ઊલટું એ પાચનપ્રક્રિયાને ખોરવે છે. આમ ક્યારેક કોઈ દિવસ ઍસિડિટી સહન ન થતી હોય અને એનાથી ઝડપથી રાહત મેળવવા માટે તમારે સોડા પીવી હોય તો ચાલે પણ એ કાયમી સૉલ્યુશન નથી જ. અને દરરોજ તો એને પિવાય જ નહી.’

પાચન

સોડાને પાચક માનવામાં આવે છે. કોઈ પણ વ્યક્તિએ જ્યારે હેવી ખોરાક ખાધો હોય ત્યારે એને લાગે છે કે સોડા પીવાથી પચી જશે પણ આ માન્યતા ખોટી છે એ સમજાવતાં ધ્વનિ શાહ કહે છે, ‘સોડા જ્યારે લાંબા સમયથી પીતા હોઈએ ત્યારે જઠરની લાઇનિંગને અસર કરે છે. આ લાઇનિંગ મ્યુકસની બનેલી હોય છે જે કોષોને રક્ષણ આપવાનું કામ કરતી હોય છે. સોડા એ લાઇનિંગને ખરાબ કરે છે, જેને લીધે પાચન બગડે છે. આથી ખોરાકમાંથી જે પોષક તત્ત્વો આપણને મળતાં હોય છે એ પૂરી રીતે મળતાં નથી એટલે પોષક તત્ત્વોની કમી સર્જાય છે એટલે ઇમ્યુનિટી પર અસર દેખાય છે. એને કારણે પ્રોટીનનું પાચન વ્યવસ્થિત કરી શકાતું નથી. ક્યારેક આપણે રાજમા કે ચણા રાત્રે ખાધા હોય તો સોડા પીતા હોઈએ છીએ, ગૅસ કે ઍસિડિટી ન થાય એ માટે આપણને લાગે છે કે સોડા કામ લાગશે. વિચારો, ઊલટું એ હાનિકારક છે. એ એનું પાચન વ્યવસ્થિત નહીં થવા દે. આ ઉપરાંત IBS-ઇરિટેબલ બૉવેલ સિન્ડ્રૉમ અને ઍસિડ રિફ્લક્સના દરદીઓ રાહત માટે સોડા પીતા હોય છે પરંતુ એ ઊંધું છે, એ બીમારીને વધુ ઘેરી બનાવે છે.’

બીજી તકલીફો

સોડા લાંબો સમય કે દરરોજ નિયમિત પીવાથી બીજા પણ અમુક પ્રૉબ્લેમ્સ થઈ શકે છે. એ વિશે વાત કરતાં ધ્વનિ શાહ કહે છે, ‘વ્યક્તિને આ કારણસર હાડકાંની તકલીફ આવી શકે છે કારણ કે સોડાને કારણે કૅલ્શિયમના ઍબ્સૉર્પ્શનમાં તકલીફ આવે છે, જેને લીધે દાંત પણ અસરગ્રસ્ત થાય છે. જેને ફેફસાં સંબંધિત તકલીફો હોય તેમના શરીરમાં ઉચ્છ્વાસ વાટે કાર્બન ડાયોક્સાઇડ પૂરી રીતે નીકળતો નથી. તેમણે સોડા નિયમિત ન જ પીવી જોઈએ, કારણ કે સોડામાં રહેલો કાર્બન શરીરના કાર્બન સાથે ભળીને શરીરમાં કાર્બન ઓવરલોડ થઈ જાય છે, જેની અસર કિડની અને ફેફસાં પર પડે છે.’

શું કરવું? 

ધ્વનિ શાહ પાસેથી જાણીએ કે જો સોડા પાચક તરીકે કે ઍસિડિટી ઠીક કરવા માટે પીતા હોઈએ તો એ બંધ કરીને બીજાં એવાં કયાં પીણાં છે જે ખરેખર આ તકલીફોમાં અકસીર કામ કરશે અને કાયમી રીતે આ તકલીફોથી રાહત પામવામાં મદદરૂપ થશે.

પાચન માટે 

ફુદીના અને શેકેલા જીરાવાળી છાસ - જમ્યા પહેલાં કે જમ્યા પછી લઈ શકાય છે. 
શેકેલું જીરું અને લીંબુ ઉમેરીને રૂમ ટેમ્પરેચરવાળું લીંબુ પાણી પી શકાય છે. 
એક કપ પાણીમાં થોડું પીસેલું આદું ઉકાળી એમાં થોડું લીંબુ ઉમેરીને પી શકાય છે.

ઍસિડિટી માટે 

રાત્રે સૂતાં પહેલાં એક ગ્લાસ પાણીમાં એક નાની ચમચી ગુલકંદ ભેળવીને પી જવું.
રાત્રે સૂતાં પહેલાં એક ગ્લાસ પાણીમાં અડધી ચમચી વરિયાળી અને અડધી ચમચી જીરું ઉમેરવું અને સવારે ઊઠ્યા પછી તરત એ પાણી પી લેવું. 
જમ્યા પહેલાં કે પછી એક ગ્લાસ વઘારેલી છાસ પી શકાય.

food news health tips healthy living life and style lifestyle news columnists