18 February, 2026 12:19 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
આપણા વડીલ પહેલાં કહેતા કે શાંતિથી બેસીને પાણી પીઓ. આપણે એને જૂની માન્યતા ગણીને અવગણીએ છીએ. આજના દોડધામભર્યા સમયમાં આપણી પાસે બેસીને પાણી પીવાનો પણ સમય નથી, પણ શું તમે જાણો છો કે તમારી આ ઉતાવળ તમારા શરીરનાં મહત્ત્વનાં અંગોને નુકસાન પહોંચાડી શકે છે? આયુર્વેદિક દૃષ્ટિકોણથી સમજીએ તો ઊભા રહીને પાણી પીવાથી શરીરમાં પ્રવાહીનું સંતુલન બગડે છે જે સાંધામાં રહેલાં લુબ્રિકન્ટ્સ પર અસર કરે છે અને લાંબા ગાળે આર્થ્રાઇટિસ એટલે કે સંધિવામાં પરિણમી શકે છે. આ ઉપરાંત ઊભા રહીને પાણી પીતી વખતે આપણું શરીર ફાઇટ ઑર ફ્લાઇટ મોડમાં હોય છે જેનાથી સ્નાયુઓ અને ચેતાતંત્ર તનાવમાં રહે છે. બેસીને પાણી પીવાથી પૅરાસિમ્પથેટિક સિસ્ટમ સક્રિય થાય છે, જે પાચનમાં મદદ કરે છે.
મૉડર્ન સાયન્સના દૃષ્ટિકોણથી આ મુદ્દાને સમજીએ તો ઊભા રહીને પાણી પીવામાં આવે ત્યારે પાણી ખૂબ જ ઝડપથી અને જોરથી નીચે ઊતરે છે. આને કારણે કિડની એને યોગ્ય રીતે ફિલ્ટર કરી શકતી નથી. પરિણામે લોહીમાં રહેલી અશુદ્ધિઓ યોગ્ય રીતે સાફ થતી નથી અને કિડની કે મૂત્રાશયમાં પથરી અથવા અન્ય ચેપ લાગવાની શક્યતા વધી જાય છે. ઊભા રહીને પીધેલું પાણી સીધું પેટના નીચેના ભાગમાં દબાણ લાવે છે. આનાથી ઍસિડ રિફ્લક્સ અને હાર્ટબર્નની સમસ્યા થઈ શકે છે. પાણીમાં રહેલાં પોષક તત્ત્વો શોષવા માટે શરીરને સમય મળતો નથી. ઉતાવળમાં પાણી પીવાથી એની સાથે હવા પણ અંદર જાય છે, જેના લીધે પેટ ફૂલવું અથવા ગૅસ જેવી સમસ્યાઓ સર્જાય છે.
જ્યારે આપણે બેસીએ છીએ ત્યારે આપણું શરીર અને સ્નાયુઓ રિલૅક્સ હોય છે. આ સ્થિતિમાં પાણી પીવાથી શરીરનાં અંગો પાણીમાં રહેલાં ખનિજોનું યોગ્ય રીતે શોષણ કરી શકે છે. કિડનીને લોહી શુદ્ધ કરવાનો પૂરતો સમય મળે છે. તરસ વધુ સારી રીતે છિપાય છે, કારણ કે મગજને સંતોષનો સંકેત જલદી મળે છે. આ સાથે અમુક બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. ફ્રિજનું અતિશય ઠંડું પાણી પાચન-અગ્નિને શાંત કરી દે છે. હંમેશાં માટલાનું અથવા સામાન્ય તાપમાનનું પાણી પીવું હિતાવહ છે. પાણીને મોઢાની લાળ સાથે ભળવા દો, જે ઍસિડિટી ઘટાડવામાં રામબાણ ઇલાજ છે. જમ્યાની ૩૦ મિનિટ પહેલાં કે ૪૫ મિનિટ પછી જ પાણી પીવું જોઈએ જેથી પાચક રસો પાતળા ન પડી જાય.