10 December, 2025 02:54 PM IST | Mumbai | Dr. Suruchi Desai
પ્રતીકાત્મક તસવીર
જો છોકરીને ૮ વર્ષે પ્યુબર્ટીનાં લક્ષણો જોવા મળે એટલે કે તેનું માસિક શરૂ થઈ જાય તો એને અર્લી પ્યુબર્ટી કહે છે. આ કન્ડિશનમાં તેને ઇલાજની જરૂર પડતી નથી પરંતુ એક વખત નિષ્ણાતને મળવું જરૂરી હોય છે. ઓબીસ છોકરીઓને અર્લી પ્યુબર્ટી આવવાની શક્યતા ખૂબ વધારે રહે છે. ખાસ કરીને જે છોકરીઓ વધુ પ્રમાણમાં શર્કરાયુક્ત ગળ્યાં પીણાં પીએ છે તેમના શરીરમાં શુગર વધુ માત્રામાં જવાથી તેમનું ઇન્સ્યુલિનનું લેવલ વધ-ઘટ થાય છે.
સામાન્ય રીતે જે જોવા મળી રહ્યું છે એ કારણોમાં ઓબેસિટી મુખ્ય કારણ છે. જે બાળકો મેદસ્વી છે તેમનામાં આ તકલીફ વધુ જોવા મળે છે. બાકી વારસાગત જો બાળકમાં પ્યુબર્ટી આવે તો એ મોટા ભાગે અર્લી પ્યુબર્ટી નથી હોતી પરંતુ આમ થવા પાછળનું કારણ મોટા ભાગે વાતાવરણની અસર જ હોય છે જેને રોકવા બાળકને હેલ્ધી ખોરાક આપો. જન્ક ફૂડ, ગળ્યાં પીણાંથી દૂર રાખો. ઍક્ટિવ બનાવો. ઑર્ગેનિક ખાદ્ય પદાર્થો ખવડાવો.
જો બાળકમાં પ્યુબર્ટી જલદી આવી જાય તો આ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. જ્યારે બાળકનો પ્યુબર્ટી પિરિયડ શરૂ થાય ત્યારે થોડા સમય બાદ તેનો શારીરિક ગ્રોથ ખાસ કરીને હાઇટ વધવાનું અટકી જાય છે. હાઇટ વધવી એટલે હાડકાંનું બંધારણ અને સ્નાયુઓ મજબૂત થવાનું મુખ્ય કાર્ય. જો પ્યુબર્ટી સમય કરતાં જલદી આવી જાય તો બને કે બાળકનો વિકાસ અટકી જાય અથવા થવો જોઈએ એટલો ન થાય. ખાસ કરીને હાડકાં નબળાં રહી જાય અને સ્નાયુઓનું બંધારણ મજબૂત ન રહે એમ બની શકે.
ખાસ કરીને છોકરીઓમાં જ્યારે અર્લી પ્યુબર્ટી આવે ત્યારે તેને તેની આખી જિંદગી દરમિયાન વધુ એસ્ટ્રોજન હૉર્મોનનો સામનો કરવો પડે છે. એને કારણે તેને બ્રેસ્ટ-કૅન્સર થવાની શક્યતા ઘણી વધારે રહે છે. ઘણાં રિસર્ચ મુજબ આવાં બાળકો આગળ જતાં લાંબા ગાળે બ્લડ-પ્રેશર, ડાયાબિટીઝ કે હાર્ટ પ્રૉબ્લેમ્સના શિકાર પણ બનતાં હોય છે.
પ્યુબર્ટીની શરૂઆત હોય ત્યારે માસિક રેગ્યુલર થતાં ૧-૩ વર્ષ જેવો સમય લાગી શકે છે. અનિયમિતતાને કારણે ક્યારેક એકદમ હેવી બ્લીડિંગ પણ થઈ શકે છે. જો પ્યુબર્ટી નાની ઉંમરમાં આવે તો આ બધી કન્ડિશન ખૂબ નાની ઉંમરમાં સહન કરવી પડે. વળી વધુ બ્લીડિંગ થઈ જાય તો છોકરી એનીમિક પણ બની શકે છે. ખાસ કરીને આ બાળકોને કૅલ્શિયમ, વિટામિન D, હીમોગ્લોબિન, આયર્ન, ફોલિક ઍસિડ અને વિટામિન B 12 યુક્ત ડાયટ આપવી. જરૂર પડે તો ડૉક્ટરની સલાહ મુજબ સપ્લિમેન્ટ્સ પણ આપી શકાય. નહીંતર તેમના ગ્રોથને ખૂબ અસર થઈ શકે છે.