20 March, 2026 11:46 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
બાળકોમાં કૅન્સર જેવી ગંભીર બીમારી આવી શકે એવું કોઈ માતા-પિતા વિચારી નથી શકતાં જેને કારણે અમુક જરૂરી ચિહ્નોને તેઓ અવગણી દે છે અને એટલે તેમનું નિદાન મોડું થાય એવું બની શકે. બાળકોમાં કૅન્સર જેવી બીમારી થાય જ છે. એ માટે માતા-પિતાની સતર્કતા અનિવાર્ય છે. આજે કેટલાંક લક્ષણો સમજીએ જેને ઓળખીને બાળકને તાત્કાલિક જાણકાર ડૉક્ટર પાસે લઈ જવાં જરૂરી છે.
સતત તાવ આવવો. જો બાળકને સતત ૧૦-૧૫ દિવસથી તાવ આવતો હોય અને એ તાવ ઊતરવાનું નામ જ ન લે તો એ ગંભીર બાબત હોઈ શકે છે. સમજવાનું એ છે કે જો એ દવાઓથી ઠીક નથી થતું તો વધુ ટેસ્ટ કરાવવાની જરૂર છે, એ જાણવા કે આ તાવ ઊતરતો કેમ નથી. કૅન્સરને કારણે આ રીતે તાવ આવી શકે છે.
ગળામાં ગાંઠ જેવું દેખાવું. બાળકના ગળામાં કંઈક ઊપસેલો ભાગ દેખાય અને વળી એ ભાગ ધીમે-ધીમે વધતો જતો હોય એમ લાગે તો તાત્કાલિક તમારે આ ગાંઠ શેની છે એ તપાસ કરાવવી જરૂરી છે. ગાંઠ દુખે કે ન દુખે, એની તપાસ જરૂરી છે. એ પણ કોઈ સ્પેશ્યલિસ્ટ ડૉક્ટર પાસે જ કરાવવી.
લોહીનાં ચાઠાં થઈ જવાં. બાળકોના શરીર પર જો તેને પડ્યું-વાગ્યું ન હોય તો પણ લોહીનાં જામેલાં ચાઠાં જોવા મળે તો ગંભીર બનવું. એટલે કે શરીરની ચામડી પર લોહી મરી ગયું કે જામી ગયું હોય તો જેવાં લીલાં ચાઠાં પડી જાય એવાં ચાઠાંઓ જોવા મળે તો એનો અર્થ એ કે અંદરથી બ્લીડિંગ થાય છે. આ સિવાય પેઢાંમાંથી પણ વગર કોઈ મારે લોહી નીકળે તો સતર્કતા જરૂરી છે. એ માટે ડૉક્ટરને મળીને જરૂરી ટેસ્ટ કરાવવી.
હાડકાંમાં દુખાવો. હાડકાંમાં જો બાળકને કોઈ પેઇન થાય કે એને ચાલવામાં તકલીફ પડે કે અચાનક તે ખોડાઈને ચાલવા લાગે તો એને ગંભીરતાથી લેવું. આ સિવાય જો બાળકને પીઠનો દુખાવો થાય, એ પણ અસહ્ય જે તે સહન ન કરી શકે તો ડૉક્ટરની સલાહ ચોક્કસ લેવી. એ કૅન્સરનાં લક્ષણો હોઈ શકે છે.
સવારે ઊલટી થવી. જે બાળકોને વગર કારણે દરરોજ સવારે ઊઠે ત્યારે ઊલટી થઈ જાય તો સમજવું કે તેને ટેસ્ટની જરૂર છે. આ ઊલટીઓ પાછળનું કારણ સામાન્ય પેટનું ઇન્ફેક્શન પણ હોઈ શકે છે અને કૅન્સર પણ. એટલે સતર્કતા જરૂરી છે.
વજન અને ભૂખ ઘટવાં. બાળકને ભૂખ ઓછી લાગવા લાગે અને તેનું અચાનક જ વજન ઊતરી જાય એ ચિહ્ન આમ તો ઘણા રોગોનું લક્ષણ હોઈ શકે પરંતુ કૅન્સર જેવા રોગનું પણ એ મુખ્ય લક્ષણ ગણી શકાય. આ સિવાય યુરિન રેડ હોય કે પૉટી કાળી હોય તો એ બન્ને કારણોમાં કૅન્સર હોવાની શક્યતા રહેલી છે.