16 December, 2025 09:42 AM IST | Mumbai | Heena Patel
પ્રતીકાત્મક તસવીર
આજની ફાસ્ટ લાઇફમાં લોકો જલદી-જલદી કામ પતાવવાના ચક્કરમાં બેસવાનો સમય જ નથી લેતા. શરૂઆતમાં આવું ક્યારેક-ક્યારેક થતું હોય, પણ ધીરે-ધીરે એ આદત બની જાય છે. ક્યારેક લોકો સ્ટ્રેસમાં હોય, ઉતાવળ હોય અથવા તો માઇન્ડ રેસ્ટલેસ હોય તો તેઓ બેસીને ખાવાની પેશન્સ નથી રાખી શકતા. લોકો એમ વિચારે કે ફક્ત થોડું તો ખાવું છે, શું ફરક પડે છે બેસીને ખાઈએ કે ઊભા રહીને? જોકે આ આદત લાંબા ગાળે શરીરને અનેક રીતે નુકસાન પહોંચાડે છે. એટલે આ વિશે આપણે ડાયટિશ્યન મેઘના પારેખ શેઠ પાસેથી તેમના શબ્દોમાં જ માહિતી મેળવીએ.
આપણે શું ખાઈએ છીએ એની સાથે આપણે કેવી રીતે ખાઈએ છીએ એ પણ એટલું જ મહત્ત્વનું છે. જલદી-જલદી ખાવું, ચાલતાં-ફરતાં ખાવું અથવા તો સ્ક્રીન જોઈને ખાવું આ બધી વસ્તુ પાચનને ધીમું કરી દે છે અને શરીરને યોગ્ય પોષણ અવશોષિત કરવા નથી દેતી. શાંત મનથી બેસીને, ધીરે-ધીરે અને ધ્યાનથી ખાવાથી ફક્ત પાચન નથી સુધરતું પણ શરીરને સંતુષ્ટિનો યોગ્ય સંકેત પણ આપે છે. એટલે ફક્ત ભોજનની ગુણવત્તા જ નહીં, ભોજન કરવાની આદતો પણ તમારા સ્વાસ્થ્યને અંદરથી પ્રભાવિત કરે છે.
ઓવરઈટિંગ અને વેઇટગેઇન
ઊભા રહીને ખાવાની સૌથી વધુ અસર આપણી સટાઇટી (સંતુષ્ટિ) સિસ્ટમ અને પાચનપ્રક્રિયા પર પડે છે. જ્યારે આપણે ઊભા રહીને ખાઈએ છીએ ત્યારે શરીર એક ઍક્ટિવ પૉશ્ચરમાં હોય છે. એટલે કે પેટ અને પાચનતંત્રને એટલી સ્થિરતા અને સપોર્ટ નથી મળતાં જેટલાં બેસીને ખાવા પર મળે છે. એટલે ભોજન ખૂબ ઝડપથી પેટમાં નીચે ચાલ્યું જાય છે, કારણ કે ગુરુત્વાકર્ષણ અને અપરાઇટ પૉશ્ચર એને તરત નીચેની તરફ ધકેલી દે છે. જ્યારે ભોજન આટલી ઝડપથી પેટમાં પહોંચી જાય છે ત્યારે પાચન એન્ઝાઇમ્સને ભોજન તોડવાનો અને યોગ્ય રીતે મિક્સ કરવા પૂરતો સમય મળતો નથી, પરિણામે પેટની દીવાલો પર પૂરતું સ્ટ્રેચિંગ થતું નથી જે સામાન્ય રીતે દિમાગને પેટ ભરાઈ ગયું છે એવો સંકેત આપવા માટે જરૂરી છે. જ્યારે આ સ્ટ્રેચિંગ ઓછું થાય છે ત્યારે સટાઇટીનો સંકેત દિમાગ સુધી મોડેથી પહોંચે છે. એટલે પેટ ભરાઈ ગયું હોવા છતાં દિમાગ માને છે કે હજી પૂરતું ખાધું નથી, જેને કારણે આપણે અભાન રીતે વધુ ખાઈ બેસીએ છીએ. આ મોડું સટાઇટી સિગ્નલ ઓવરઈટિંગ તરફ દોરી જાય છે અને શરીરમાં જરૂરિયાત કરતાં વધારે કૅલરી એકત્રિત થવા લાગે છે. ધીમે-ધીમે શરીર આ વધારાની કૅલરીને ફૅટરૂપે સંગ્રહિત કરે છે જે આગળ જઈને વજનવધારાનું કારણ બને છે.
ગૅસ, ઍસિડિટીની સમસ્યા
ઊભા રહીને, ખાસ કરીને ઉતાવળમાં કે ઝડપથી ખાવાથી ખોરાક સાથે વધારે પડતી હવા પેટમાં જતી રહે છે. આ હવા પેટમાં ગૅસ પેદા કરે છે જેનાથી પેટ ફૂલવાની અને ગૅસની તકલીફ થાય છે. એવી જ રીતે ખોરાક ગળ્યા પછી એ અન્નનળીમાંથી પેટમાં જાય છે. અન્નનળી અને પેટના જોડાણ પર એક વાલ્વ હોય છે જેને લોઅર ઇસોફેજિયલ સ્ફિન્ક્ટર (LES) કહેવામાં આવે છે. જ્યારે તમે ઊભા હો અને ઝડપથી ખાઓ ત્યારે ગુરુત્વાકર્ષણ અને ઝડપી ખોરાક પેટ પર અચાનક દબાણ બનાવે છે. જો પેટ ભરેલું હોય અને એના પર દબાણ આવે તો આ સ્ફિન્ક્ટર મસલ પર અસર થઈ શકે છે અને એ થોડો ખૂલી શકે છે, જેના કારણે પેટમાં રહેલો ઍસિડ ઉપરની તરફ અન્નનળીમાં પાછો આવી શકે છે. આને જ ઍસિડ રિફ્લક્સ અથવા ઍસિડિટી કહેવાય છે. ઊભા રહીને ખાવાથી પેટને ભોજન પચાવવા માટે સરખો સમય મળતો ન હોવાથી પણ અડધું પચેલું ખાવાનું વધુ ગૅસ ઉત્પન્ન કરે છે. એ સિવાય પાચન સારું ત્યારે થાય જ્યારે શરીર એકદમ રિલૅક્સ્ડ હોય. આપણે ઊભા હોઈએ ત્યારે શરીર ઍક્ટિવ મોડમાં હોય છે. આવી સ્થિતિમાં બ્લડ- સર્ક્યુલેશન કુદરતી રીતે જ માંસપેશીઓ તરફ વધુ જાય છે કારણ કે શરીરને લાગે છે કે તમને કોઈ ગતિવિધિ માટે તૈયાર રહેવાનું છે. જ્યારે બ્લડ-ફ્લો મસલ્સમાં વધુ જાય છે તો પાચનને પ્રાથમિકતા મળતી નથી, પરિણામે પાચનને પ્રાથમિકતા નથી મળતી. એટલે ભોજન ધીરે-ધીરે તૂટે છે, ગૅસ બનવાની સંભાવના વધી જાય અને પેટમાં ભારેપણું અને અસહજતાનો અનુભવ થઈ શકે છે.
શુગર સ્પાઇક અને નબળું પોષણ
જ્યારે આપણે ઊભા રહીને ફટાફટ ખાઈએ છીએ ત્યારે ઝડપથી પેટમાં નીચે ચાલ્યું જાય છે. આ સ્થિતિમાં પેટ અને આંતરડાને ભોજનને ધીરે-ધીરે તોડવા અને એન્ઝાઇમ્સ સાથે ભેળવવાનો પૂરતો સમય મળતો નથી. એન્ઝાઇમ્સ અને પાચનરસ ભોજનને નાના-નાના હિસ્સામાં તોડે છે, જેથી શરીર પોષક તત્ત્વોને અવશોષિત કરી શકે. જ્યારે આ પ્રક્રિયા અધૂરી થાય છે તો કેટલાંક પોષક તત્ત્વો સરખી રીતે શરીરને મળી શકતાં નથી. એ ઉપરાંત ઊભા રહીને ઝડપથી ખાવાથી પાચન ધીમું અને અસંતુલિત થઈ જાય છે, પેટમાં ગૅસ અને બ્લોટિંગ બને છે જેનાથી આંતરડાંઓ પણ સરખી રીતે કામ કરી શકતાં નથી. એટલે શરીરને એ પોષણ નથી મળી શકતું જેની એને જરૂર છે. જ્યારે આપણે ઉતાવળમાં, ટેન્શનમાં, મલ્ટિટાસ્કિંગ કરતાં-કરતાં ખાવાનું ખાઈએ છીએ ત્યારે શરીરમાં સ્ટ્રેસ હૉર્મોન એટલે કે કૉર્ટિઝોલ વધી જાય છે. આ હૉર્મોન શરીરને ‘ફાઇટ ઑર ફ્લાઇટ મોડ’માં નાખી દે છે. એને કારણે પાચનપ્રક્રિયા ધીમી પડી જાય છે. પાચકરસ સરખી રીતે કામ કરી શકતા નથી, ભોજન સરખી રીતે તૂટતું નથી અને પરિણામે ગૅસ, બ્લોટિંગ, ઍસિડિટી વધી જાય છે. સતત કૉર્ટિઝોલનું લેવલ વધેલું રહે તો એ ભૂખ અને ક્રેવિંગને પણ વધારી દે છે જેનાથી આપણે જરૂરથી વધારે ખાઈ લઈએ છીએ અને વજન વધવા લાગે છે. ઊભા રહીને અને ઝડપથી ખાવાથી ભોજન યોગ્ય રીતે તૂટતું નથી, જેના કારણે બ્લડશુગર પણ ઝડપી રીતે વધી જાય છે. આ અચાનક ઉછાળો ઇન્સ્યુલિનના સંતુલનને અસર કરે છે અને લાંબા ગાળે મેટાબોલિક સમસ્યાઓ ઊભી કરી શકે છે.
ઉપાય શું?
હંમેશાં જમવા માટે ખુરસી અથવા જમીન પર આરામથી બેસો. ખભાને સીધા રાખો. આનાથી પેટ અને પાચન તંત્રને સ્થિરતા અને સપોર્ટ મળશે.
ધીરે-ધીરે ખાઓ. એક કોળિયાને ઓછામાં ઓછું ૧૫-૨૦ વાર ચાવો. એનાથી ભોજન સારી રીતે તૂટે છે. એન્ઝાઇમ્સ સરખી રીતે કામ કરી શકે છે અને પોષક તત્ત્વો સરખી રીતે ઍબ્સૉર્બ થાય છે.
ખાતી વખતે મોબાઇલ, લૅપટૉપથી દૂર રહો. ભોજનનો સ્વાદ, ટેક્સ્ચર અને સુગંધનો અનુભવ કરો. પેટ ભરવાના સંકેત પર ધ્યાન આપો. એનાથી ઓવરઈટિંગ નહીં થાય.