ઇમેટોફોબિયા વિશે જાણો છો?

09 January, 2026 01:19 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મને ક્યાંક વૉમિટ થઈ જશે તો... કોઈકને વૉમિટિંગ થયું છે એ ખબર પડે અને ખાવાનું છોડી દે, વૉમિટ થઈ જવાના ડરથી નર્વસ ફીલ કરે, ચક્કર આવે વગેરે લક્ષણો આ ફોબિયાને સૂચવે છે

પ્રતીકાત્મક તસવીર

સીઝનલ ચેન્જને કારણે થતાં વાઇરલ ઇન્ફેક્શન કે ક્યારેક મોશન સિકનેસમાં તો ક્યારેક ફૂડ- પૉઇઝનિંગમાં વૉમિટિંગ થવું સામાન્ય બાબત છે અને થોડીક ક્ષણોમાં એને કારણે થતી અગવડ સિવાય વૉમિટિંગ વિશે કોઈ વિચારતું નથી. જોકે દુનિયામાં લગભગ ૧.૭થી ત્રણ ટકા પુરુષો અને લગભગ છથી સાત ટકા મહિલાઓ ઇમેટોફોબિયાથી પીડાતાં હોય છે. સતત ઊલ્ટી થઈ જવાનો ભય એટલે ઇમેટોફોબિયા. આ ડર એટલો તીવ્ર હોય છે કે વ્યક્તિની દિનચર્યા અને તેના રૂટીન કામને પણ ડિસ્ટર્બ કરી મૂકે છે. માત્ર પોતાને વૉમિટ થશે એવો જ ભય નહીં પરંતુ કોઈ બીજાને જુએ અથવા આ શબ્દ પણ સાંભળે તો આ લોકો અસ્વસ્થ થઈ જતા હોય છે. ઇમેટોફોબિયાથી પીડિત વ્યક્તિનું જીવન સતત ગભરાટ અને નિયંત્રણની જરૂરિયાતથી ભરેલું હોય છે. તેઓ એવી પરિસ્થિતિઓ ટાળવા માટે ખૂબ જ પ્રયત્નો કરે છે જે તેમના ડરને ઉત્તેજિત કરી શકે છે જેમ કે આહાર પર નિયંત્રણ. ખોરાક દ્વારા બીમાર થવાના ડરથી તેઓ ચોક્કસ ખોરાક ખાવાનું ટાળે છે. ખોરાકને વારંવાર ધોવા અથવા વધુપડતું રાંધવા પર ભાર મૂકે છે. અનિવાર્ય સંજોગોમાં પણ રેસ્ટોરાં અથવા બહારનું ભોજન લેવાનું ટાળે છે. એ સિવાય તેઓ જાહેર પરિવહન, વિમાની મુસાફરી અથવા લાંબી મુસાફરી ટાળે છે. પાર્ટીઓ અથવા ભીડવાળી જગ્યાઓ ટાળે છે કારણ કે ત્યાં કોઈને બીમાર થવાની સંભાવના હોય છે. તેઓ બાળકોની આસપાસ રહેવાનું પણ ટાળે છે કારણ કે બાળકો બીમાર થવાની શક્યતા વધુ હોય છે. આ ફોબિયા ધરાવતા લોકો હંમેશાં બાથરૂમની આજુબાજુ રહેતા હોય છે જેથી અચાનક વૉમિટ થાય તો ભાગી શકે.

નિષ્ણાતો શું કહે છે?

મનોચિકિત્સકોના મતે આ ડર મોટા ભાગે બાળપણના કોઈ આઘાતજનક અનુભવ અથવા ઓવર કન્ટ્રોલમાં પસાર થયેલા બાળપણના ટ્રૉમાને કારણે ઉદ્ભવ્યો હોઈ શકે છે. ડૉક્ટરો ભારપૂર્વક જણાવે છે કે ઇમેટોફોબિયાની સારવાર શક્ય છે. સૌથી અસરકારક સારવાર પદ્ધતિઓમાં નીચેનાનો સમાવેશ થાય છે:

કૉગ્નિટિવ બિહેવિયરલ થેરપીઃ આમાં દરદીના તર્કહીન વિચારોને બદલવા અને ડર પેદા કરતી પરિસ્થિતિઓનો ધીમે-ધીમે સામનો કરાવીને ઇલાજ કરવામાં આવે છે.

ઊલ્ટીના અવાજો સાંભળવા, એના વિશેના શબ્દો વાંચવા અથવા આ પરિસ્થિતિઓની કલ્પના કરવા જેવી ટેક્નિકનો ઉપયોગ કરીને એના માટે મનમાં ધરબાયેલા છોછને દૂર કરવામાં આવે છે.

mental health health tips healthy living life and style lifestyle news columnists