24 October, 2025 02:38 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
બાળકોના ખોરાકને લઈને પેરન્ટ્સ આજકાલ ઘણા ચિંતિત દેખાય છે. બાળકોમાં કુપોષણ એક મોટી તકલીફ છે. આ ઉંમરમાં જો ખોરાકનું ધ્યાન ન રાખ્યું તો વિકાસ અધૂરો રહી જઈ શકે છે. અમુક વસ્તુનું ધ્યાન રાખશો તો એવું નહીં થાય જેમાં પહેલી છે ખોરાકમાં અલગ-અલગ પ્રકારનો ખોરાક અપનાવો. ઘણાં બાળકો એવાં હોય છે કે તેમને ભીંડાનું શાક ભાવે તો તેમની મમ્મી તેમને દરરોજ એ જ શાક બનાવી આપે. ઘણા એવા હોય છે કે સાંજે મોટા ભાગે ખીચડી જ ખાય. સવારે ઘણાના ઘરમાં એક જ નાસ્તો બનતો હોય છે તો દાળમાં મોટા ભાગે લોકોને ત્યાં તુવર દાળ જ બને છે. ચણા, મસુર, મગ જેવી દાળો અને જાત—ભાતનાં કઠોળ ખવાતાં નથી.
આપણે ત્યાં એવું થઈ ગયું છે કે બાળકોને આપણે કીવી અને વૉશિંગ્ટન ઍપલ ખવડાવીએ છીએ પરંતુ દેસી બોર કે કાતરા ખવડાવતા નથી. બ્રૉકલી અને બેઝિલ ખવડાવીએ છીએ પરંતુ કંટોલા અને ચોળીનાં પાન નથી ખવડાવતા. જો તમને ખરું પોષણ મેળવવું હોય તો દેશી વસ્તુઓ ખાવા-ખવડાવવાનો આગ્રહ રાખો. એ તમારી માટીમાં ઊગેલું છે એટલે એ તમને વધુ ગણ કરશે. તમારું અધૂરું પોષણ પૂરું કરશે.
બાળકોના ખોરાકમાં સ્ટાર્ચયુક્ત ખોરાક પણ હોવો જરૂરી છે. જેમ કે ભાત, શક્કરિયાં, બટાટા વગેરે જેમાંથી કૅલરી તો મળે જ છે પરંતુ સાથે-સાથે જરૂરી ન્યુટ્રિશન પણ મળે છે. બાળકના ખોરાકમાં પ્રોટીનનું બહોળું પ્રમાણ અનિવાર્ય છે. ખાસ કરીને ઇન્ડિયન શાકાહારી ડાયટમાં આપણે ખૂબ ઓછા પ્રમાણમાં પ્રોટીન લઈએ છીએ. દૂધ અને દૂધની બનાવટો, દાળ અને કઠોળમાં પ્રોટીન સારી માત્રામાં મળે છે. જો તમે ઇચ્છતા હો કે બાળકનો ગ્રોથ સારો થાય તો ત્રણેય ટંક ખોરાકમાં પ્રોટીનનો સમાવેશ કરો જ. જેમ કે સવારે નાસ્તામાં દૂધ હોય તો બપોરે જમવામાં દાળ કે કઠોળ અને સાંજે જમવામાં પનીર કે મગનું સૂપ કે ખીચડી લઈ શકાય છે.
બાળકોની ડાયટમાં ડ્રાયફ્રૂટ્સ અને નટ્સનો ઉપયોગ કરવો જ. ખાસ કરીને ઊઠીને તરત અથવા સ્નૅક્સના ટાઇમ પર તમે તેમને આ નટ્સ આપી શકો છો. બદામ, કાજુ, અખરોટ, પિસ્તાં, જરદાલુ, અંજીર આપી શકાય. જો એ મોંઘા ઑપ્શન લાગે તો એની જગ્યાએ શિંગ લઈ શકાય. જાત-જાતનાં બીજ જેમ કે તલ, અળસી, ચિયા, તરબૂચ, ટેટી, સૂર્યમુખી, કોળું, કાકડી વગેરેનાં બીજ પ્રમાણમાં સસ્તાં અને બાળક માટે પોષણયુક્ત સાબિત થાય છે.
જો બાળકોમાં પોષણની ઊણપ ખૂબ વધારે હોય તો સપ્લિમેન્ટ્સ આપવાં પડે છે. પરંતુ ડૉક્ટરની સલાહ વગર આ સપ્લિમેન્ટ ન આપવાં જોઈએ. મહત્ત્વનું એ છે કે તેને ખોરાક સારો આપો. તેને યોગ્ય ખવાની આદત પાડો તો પોષણ પૂરતું રહેશે અને વિકાસ પણ યોગ્ય થશે.
- કેજલ શાહ