બપોર પછી જ તમે વધુ ઍક્ટિવ થાઓ છો?

20 January, 2026 04:13 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તાજેતરમાં થયેલો સર્વે કહે છે કે આ પ્રકારના લોકોમાં યાદશક્તિ ઘટવાનું જોખમ વધી શકે છે. ડિમેન્શિયા અને આપણી સક્રિયતાના સમયને શું લેવાદેવા છે એ વિશે વાત કરીએ

પ્રતિકાત્મક ફાઇલ તસવીર

માનવશરીરની આંતરિક ઘડિયાળ જેને ‘સર્કાડિયન રિધમ’ કહેવામાં આવે છે એ આપણી ઊંઘ, વેકફુલનેસ એટલે કે જાગ્રત અવસ્થા અને ફિઝિકલ ઍક્ટિવિટીને નિયંત્રિત કરે છે. તાજેતરમાં શારીરિક પ્રવૃત્તિ અને ડિમેન્શિયા એટલે કે ચિત્તભ્રંશના કનેક્શનને દર્શાવતું એક રસપ્રદ સંશોધન પ્રકાશિત થયું છે. 

શું છે રિસર્ચ?

ટેક્સસ સાઉથ-વેસ્ટર્ન યુનિવર્સિટીના સંશોધકોના અભ્યાસમાં બે હજારથી વધુ વયસ્કોના ડેટાનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. આ સહભાગીઓની દૈનિક શારીરિક પ્રવૃત્તિને ૭ દિવસ સુધી મૉનિટર કરવામાં આવી. વૈજ્ઞાનિકોએ આ સમયગાળા દરમ્યાન તેમની પ્રવૃત્તિનું સ્તર અને સમય રેકૉર્ડ કર્યાં અને પછી સરેરાશ ૭ વર્ષના ફૉલોઅપ દરમ્યાન તેમાંના કેટલા લોકોને ચિત્તભ્રંશ થયું એ જોયું. વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું કે જે લોકો તેમની દૈનિક શારીરિક પ્રવૃત્તિનો સૌથી મોટો હિસ્સો સવારને બદલે સાંજે ૪ વાગ્યાની આસપાસ કરતા હતા તેમનામાં ચિત્તભ્રંશ થવાનું જોખમ એવા લોકોની સરખામણીમાં વધારે હતું જેઓ સવારના ૧૧ વાગ્યાની આસપાસ સૌથી વધુ સક્રિય રહેતા હતા. 

વૈજ્ઞાનિક આધાર

સંશોધકોનું માનવું છે કે વર્કિંગ અવર્સમાં વ્યક્તિની ઍક્ટિવનેસની તીવ્રતા અને ડિમેન્શિયાના આ જોડાણ પાછળ સર્કાડિયન રિધમની અનિયમિતતા જવાબદાર હોઈ શકે છે. સામાન્ય રીતે માનવશરીર સવારના સમયે જાગૃત અને સક્રિય રહેવા માટે તૈયાર થયેલું હોય છે અને જેમ-જેમ દિવસ આગળ વધે છે તેમ-તેમ શારીરિક પ્રવૃત્તિનું પ્રમાણ ધીમે-ધીમે ઘટવું જોઈએ. જો કોઈ વ્યક્તિ બપોરના સમયે વિપરીત રીતે વધુ સક્રિય રહે તો એ તેની આંતરિક ઘડિયાળના કુદરતી પ્રવાહમાં ખલેલ પહોંચાડે છે. આ અસામાન્ય પૅટર્ન મગજમાં ઇન્ફ્લમેશન વધારે છે, ઊંઘની ગુણવત્તા બગાડે છે અને નર્વસ સિસ્ટમ પર તાણ પેદા કરી શકે છે. ઊંઘની ખરાબ ગુણવત્તા અને સર્કાડિયન રિધમની ખલેલ એ ચિત્તભ્રંશના વિકાસમાં ફાળો આપતાં જાણીતાં પરિબળો છે, કારણ કે ઊંઘ દરમ્યાન મગજમાંથી ઝેરી પ્રોટીન સાફ થાય છે. બપોરની પ્રવૃત્તિ આ સફાઈ-પ્રક્રિયામાં અવરોધ ઊભો કરી શકે છે.

ધ્યાન રહે 

વૈજ્ઞાનિકો સ્પષ્ટતા કરે છે કે આ એક કો-રિલેશન દર્શાવતો અભ્યાસ છે. આનો અર્થ એ નથી કે તમારે બપોરે કસરત કરવાનું સંપૂર્ણપણે બંધ કરી દેવું જોઈએ. નિયમિત શારીરિક પ્રવૃત્તિ કોઈ પણ સમયે મગજના સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક છે. જોકે આ સંશોધન સૂચવે છે કે સર્કાડિયન રિધમ અને શારીરિક પ્રવૃત્તિના સમય વચ્ચેનું જોડાણ મગજના સ્વાસ્થ્ય પર અસર કરી શકે છે. આ સંશોધન પર વધુ અભ્યાસની જરૂર છે, પરંતુ એ મગજના સ્વાસ્થ્ય માટે તમારી દિનચર્યાના સમયનું મહત્ત્વ ચોક્કસ દર્શાવે છે. આ તારણો એવા સમયે આવ્યાં છે જ્યારે દુનિયાભરમાં ડિમેન્શિયાના કેસ સતત વધી રહ્યા છે અને આ સ્થિતિનો કોઈ ઇલાજ નથી. 

mental health columnists gujarati mid day health tips lifestyle news life and style