29 October, 2025 01:45 PM IST | Mumbai | Jigisha Jain
સ્ટ્રોકથી બચવા માટે સમજી લો કે લક્ષણ દેખાય એ પછીની દરેક મિનિટ કીમતી હોય છે
આજે વર્લ્ડ સ્ટ્રોક ડે છે અને આ વર્ષે એની થીમ છે એવરી મિનિટ કાઉન્ટ્સ. વર્ષે ૧.૨૫ મિલ્યન લોકોને થતા આ રોગ વિશે જાગૃતિનો ભયંકર અભાવ જોવા મળે છે. આ રોગનું કોઈ પણ ચિહ્ન દેખાય તો તાત્કાલિક નજીકની મોટી હૉસ્પિટલના ઇમર્જન્સી વિભાગ સુધી પહોંચી જવું અત્યંત જરૂરી છે. ત્યાં તાત્કાલિક ટ્રીટમેન્ટથી વ્યક્તિને સ્ટ્રોક જેવા જીવલેણ રોગથી બચાવી શકાય છે એટલું જ નહીં, જલદી ટ્રીટમેન્ટ મળે તો લકવા જેવી ગંભીર પરિસ્થિતિ પણ ટાળી શકાય છે
અમુક આંકડાઓ મુજબ દર ૪૦ સેકન્ડે આપણા દેશમાં ૧ વ્યક્તિને સ્ટ્રોક આવે છે અને દર ૪ મિનિટે એક વ્યક્તિ સ્ટ્રોકને કારણે મૃત્યુ પામે છે. સ્ટ્રોક મૃત્યુ માટે કારણભૂત બનતા રોગોમાં ત્રીજું સ્થાન ધરાવે છે અને વ્યક્તિને ડિસેબલ કે અક્ષમ બનાવતા રોગોમાં પ્રથમ સ્થાને આવે છે. ૧૯૯૦માં સમગ્ર દુનિયામાં સ્ટ્રોકના ૬,૫૦,૦૦૦ નવા કેસ નોંધાયા હતા જે આંકડો વધીને ૧.૨૫ મિલ્યન થઈ ગયો હતો. સમગ્ર દુનિયાના ૧૦ ટકા સ્ટ્રોકના કેસ ભારતમાં જોવા મળે છે. મલેરિયા, ટીબી અને એઇડ્સ આ ત્રણેય રોગોના સાથે મૃત્યુદર લઈએ તો એના કરતાં પણ સ્ટ્રોકનો મૃત્યુદર વધુ છે. છતાં સ્ટ્રોક બાબતે ઘણી જ ઓછી જાણકારી લોકોમાં જોવા મળે છે.
મગજમાં આવતો અટૅક
દર ૩ હાર્ટ-અટૅક પર ભારતમાં બે સ્ટ્રોક આવે છે એટલે આમ જોઈએ તો હાર્ટ-અટૅકનું પ્રમાણ આપણે ત્યાં સૌથી વધુ ગણાય છે તો સ્ટ્રોકનું સ્થાન એના તરત પછીનું છે. છતાં
હાર્ટ-અટૅકની સરખામણીએ લોકોમાં સ્ટ્રોક બાબતે જાણકારી ઘણી ઓછી જોવા મળે છે. ત્યાં સુધી કે ગુજરાતીમાં સ્ટ્રોક કે બ્રેઇન-સ્ટ્રોક માટે કોઈ શબ્દ પણ નથી. હાર્ટ-અટૅકને આપણે હૃદયરોગનો હુમલો કહીએ છીએ પણ બ્રેઇન-સ્ટ્રોકને મગજ પરનો હુમલો કહેતા નથી. સ્ટ્રોકને કારણે આવતા પૅરૅલિસિસ માટે શબ્દ છે લકવો; પણ લકવો સ્ટ્રોકને કારણે આવતી તકલીફ છે, સ્ટ્રોક નહીં. બ્રેઇન-સ્ટ્રોકને સમજવો હોય તો હાર્ટ-અટૅકના રેફરન્સથી સમજી શકાય. એ સમજાવતાં ન્યુરોલૉજિસ્ટ ડૉ. શિરીષ હસ્તક કહે છે, ‘જેમ હૃદયની કોઈ એક નળી બ્લૉક થઈ ગઈ હોય અને હૃદયને લોહી ન મળે તો વ્યક્તિને હાર્ટ-અટૅક આવે છે. મગજમાં પણ એવું જ થાય છે. કોઈ પણ કારણસર મગજની કોઈ નળીમાં બ્લૉકેજ હોય તો મગજમાં પૂરતું લોહી પહોંચતું નથી અને અટૅક આવે છે, જેને સ્ટ્રોક કે બ્રેઇન-સ્ટ્રોક કહેવાય છે. હાર્ટ એક નાનું અંગ છે અને એમાં અટૅક આવે તો એક જ પ્રકારનાં લક્ષણો દેખાય છે પરંતુ મગજ મોટું હોય છે. વળી શરીરમાં હાર્ટને લોહીના પરિભ્રમણનું મુખ્ય કામ છે. મગજ અઢળક કામો માટે જવાબદાર અંગ છે. મગજના કયા ભાગમાં લોહી પહોંચ્યું નથી, એ ભાગનું શું કામ છે એ મુજબ શરીરમાં લક્ષણ દેખાય છે. જેમ કે યાદશક્તિ માટે એ ભાગ કામ કરતો હોય તો એને સંબંધિત, બોલવા માટે એ ભાગ કામ કરતો હોય તો એને સંબંધિત કે પછી હલનચલન માટે એ ભાગ કામ કરતો હોય તો એને સંબંધિત લક્ષણો દેખાય છે. આમ મગજમાં આવતો અટૅક એટલે સ્ટ્રોક એવું સમજી શકાય.’
તાત્કાલિક હૉસ્પિટલ ભાગો
સ્ટ્રોકના જેટલા કેસ છે એમાંના ૨૫ ટકા કેસ એવા હોય છે જેમાં પહેલાં એક માઇનર સ્ટ્રોક આવેલો હોય છે. જો એ સ્ટ્રોકને ઓળખી શકાયો હોય કે એનો ઇલાજ વ્યવસ્થિત થયો હોય તો મેજર સ્ટ્રોકને ખાળી શકાય એમ છે. સ્ટ્રોક જેવા રોગમાં એ અત્યંત મહત્ત્વનું છે કે તમે તમારા ચિહ્નને સમજીને તાત્કાલિક હૉસ્પિટલ ભાગો. જોકે જરૂરી નથી કે દરેક વ્યક્તિ એટલી નસીબદાર હોય કે તેને અમુક ચિહ્નો પહેલેથી જ દેખાઈ જાય. પરંતુ જો તમે એ વ્યક્તિઓમાંના એક હો તો ચિહ્નોને અવગણવાની ભૂલ તો તમારાથી ન જ થાય એ ખાસ ધ્યાન રાખો. આ ગોલ્ડન અવર એટલે શું અને એનું શું મહત્ત્વનું છે એ સમજાવતાં ડૉ. શિરીષ હસ્તક કહે છે, ‘દર એક કલાકે સ્ટ્રોકને કારણે મગજમાં કેટલાંય ન્યુરોટ્રાન્સમીટર્સ ડૅમેજ થતાં હોય છે. મગજમાં એક વખત ડૅમેજ થયેલી વસ્તુને ફરી વખત ઠીક કરવી લગભગ અશક્ય છે. એટલે તરત જ હૉસ્પિટલ પહોંચવામાં આવે, એ પણ એવી હૉસ્પિટલ જ્યાં મગજના ડૉક્ટર્સ હોય એ જરૂરી છે. સ્ટ્રોકનું કોઈ લક્ષણ દેખાય એના પછી તરત જ જો તમે હૉસ્પિટલ પહોંચો, ખાસ કરીને એના ૧ કલાકની અંદર તો સ્ટ્રોકની અસરને સાવ દૂર કરી શકાય છે. ઘણા લોકો પહેલાં તેમના ફૅમિલી-ડૉક્ટરને ફોન કરે છે કે તેમની પાસે જાય છે એમાં પણ સમય વેડફાય છે. તાત્કાલિક નજીકની મોટી હૉસ્પિટલના ઇમર્જન્સી વિભાગમાં પહોંચવું જરૂરી છે જ્યાં ક્લૉટને તોડવા માટેની દવા આપવામાં આવે છે. એને કારણે મગજમાં લોહીનું પરિભ્રમણ ફરી શરૂ થાય અને ઘણી પરિસ્થિતિમાં લકવા જેવી ગંભીર પરિસ્થિતિને ટાળી શકાય.’
ઇમર્જન્સીમાં શું થશે ઇલાજ?
જો લક્ષણો દ્વારા ખબર પડે અથવા શંકા પણ જાય તો તાત્કાલિક નજીકની મોટી હૉસ્પિટલમાં પહોંચવાની સલાહ એટલા માટે આપવામાં આવે છે કારણ કે ત્યાં ઇમેજિંગની સવલત હોય છે. મગજના MRI કે CT સ્કૅન વગર ખબર નહીં પડી શકે કે વ્યક્તિને સ્ટ્રોક આવ્યો છે. લક્ષણો ઓળખીને ડૉક્ટર્સ આ ટેસ્ટ સજેસ્ટ કરે છે. એ વિશે વાત કરતાં ડૉ. શિરીષ હસ્તક કહે છે, ‘જ્યારે રિપોર્ટ આવે ત્યારે ખબર પડે કે સ્ટ્રોક હૅમરેજિક છે કે ઇસ્કેમિક. એ મુજબ એની ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. આ માટે ન્યુરોલૉજિસ્ટને દેખાડવું જરૂરી છે. જો ઇસ્કેમિક સ્ટ્રોક હોય તો એને ક્લૉટ-બર્સ્ટિંગ ડ્રગ આપવામાં આવે છે જે ક્લૉટને તોડી નાખે છે અને નસને ખુલ્લી કરી નાખે છે. જો હૅમરેજિક સ્ટ્રોક હોય તો બ્રેઇનમાં સોજો ઘટે એની દવા આપવામાં આવે છે, બ્લડપ્રેશરને કન્ટ્રોલમાં રાખવાના પ્રયત્નો ચાલે છે અને જો ડૉક્ટરને લાગે તો અમુક કેસમાં સર્જરી કરવામાં આવે છે.’
દાંતમાં સડો હોય તો બ્રેઇન-સ્ટ્રોકનું રિસ્ક ૮૬ ટકા વધી જાય
હાલમાં ન્યુરોલૉજી નામના જર્નલમાં છપાયેલું એક નવું રિસર્ચ જણાવે છે કે જો દાંતમાં સડો અને પેઢાંની તકલીફ બન્ને એકસાથે થઈ હોય તો શરીરમાં બ્રેઇન-સ્ટ્રોકનું રિસ્ક ૮૬ ટકા જેટલું વધી જાય છે. ૬૦૦૦ લોકો પર થયેલા આ રિસર્ચમાં આ તારણ પ્રાપ્ત થયું હતું. દાંતના સડાને કારણે મોઢામાં ઍસિડ થાય છે. સંશોધકો માને છે કે મોઢામાંના બૅક્ટેરિયા સીધા લોહીમાં ભળી જઈને ક્રૉનિક ઇન્ફ્લમેશન વધારે છે, જે ક્લૉટ-ફૉર્મેશનની સંભાવના વધારે છે. જે લોકોની ઓરલ હેલ્થ સારી હતી એ લોકોમાં આ પ્રકારની તકલીફ જોવા મળી નહોતી.