06 March, 2026 01:27 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
આજના ડિજિટલ યુગમાં જ્યારે આપણે કસરત શબ્દ સાંભળીએ છીએ ત્યારે આપણા મનમાં મજબૂત સ્નાયુઓ, સ્ટૅમિના અને સારા શારીરિક સ્વાસ્થ્યના જ વિચારો આવે છે; પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે કસરત બાળકોના ચરિત્રઘડતર માટેનું એક શક્તિશાળી માધ્યમ બની શકે છે? બાળકો જ્યારે નિયમિત શારીરિક પ્રવૃત્તિ કરે છે ત્યારે તેઓ અજાણતાં જ ધીરજ, શિસ્ત અને મુશ્કેલીઓનો સામનો કરવાની ક્ષમતા કેળવે છે. કસરત વાસ્તવિક દુનિયાનો અરીસો છે અને જીવનના પાઠ શીખવાનું એક શ્રેષ્ઠ ટ્રેઇનિંગ ગ્રાઉન્ડ છે.
બાળકોને અગવડ કે મુશ્કેલીમાં શાંત રહીને કેવી રીતે ટકી રહેવું એ શીખવવાનો સૌથી સુરક્ષિત રસ્તો કસરત છે. આજના સમયમાં મોટા ભાગનાં માતા-પિતા બાળકોને દરેક મુશ્કેલ પરિસ્થિતિમાંથી બચાવવા માગતાં હોય છે, જેના કારણે બાળકોની સહનશક્તિ નબળી પડતી જાય છે. જ્યારે બાળક વજન ઊંચકે છે, પ્લૅન્ક કરે છે ત્યારે તેને શારીરિક થાક અને થોડી અગવડ અનુભવાય છે. કસરત દરમિયાન જ્યારે સ્નાયુઓમાં દુખાવો થાય કે શ્વાસ ચડે ત્યારે એ બાળકની સામે એક તક છે. આ એવી જગ્યા છે જ્યાં તે અગવડનો સ્વીકાર કરીને એમાંથી શીખી શકે છે. એ તેને શારીરિક અને માનસિક રીતે મજબૂત બનાવે છે.
જીવનમાં સફળતા મેળવવા માટે સંઘર્ષ અને મહેનત અનિવાર્ય છે. અર્થપૂર્ણ સફળતા મેળવવા માટે મુશ્કેલ ક્ષણોમાંથી પસાર થવું જ પડે છે. પુખ્ત વયના લોકો અનુભવ દ્વારા આ સત્ય શીખી જાય છે, પરંતુ બાળકો પાસે આવી તકો ઓછી હોય છે. કસરત આ અંતર પૂરે છે. જ્યારે બાળક એક મુશ્કેલ વર્કઆઉટ પૂરું કરે છે અને પોતાનું લક્ષ્ય હાંસલ કરે છે ત્યારે તે સમજે છે કે કંઈક મેળવવા માટે તેણે મહેનત કરવી પડશે.
આપણે એક એવા ઇન્સ્ટન્ટ યુગમાં જીવી રહ્યા છીએ જ્યાં બધું જ આંગળીના ટેરવે ઉપલબ્ધ છે. ૧૦ મિનિટમાં ઘરઆંગણે પહોંચતી ડિલિવરી હોય, એક ક્લિક પર શરૂ થતા ઑનલાઇન વિડિયો હોય કે સોશ્યલ મીડિયાના ઝડપી પ્રતિભાવો. આ બધું જ બાળકોને ત્વરિત સંતોષ મેળવવાની આદત પાડી રહ્યું છે. આ માનસિકતાને કારણે આજની પેઢીમાં ધીરજ અને લાંબા ગાળાનાં લક્ષ્યો માટે મહેનત કરવાની વૃત્તિ ઘટતી જાય છે. આવા સમયે કસરત એક સંતુલન પૂરું પાડે છે. કસરતનું પરિણામ એક દિવસમાં નથી મળતું, એ માટે સતત મહેનત અને મહિનાઓની ધીરજ જરૂરી છે. બાળકોને એવી દુનિયાની ખબર છે જ્યાં બધું જ તરત થાય છે. કસરત તેમને રાહ જોતાં શીખવે છે. એ શીખવે છે કે જો તમે આજે નિષ્ફળ જાઓ તો પણ મંડી રહેવું પડશે. એ તેમને વિશ્વાસ અપાવે છે કે જો તે અત્યારે મહેનત કરશે તો એનું મોટું ફળ તેને ભવિષ્યમાં મળશે.
કસરત જીવનનું જ એક નાનું સ્વરૂપ છે. એ એક આવું સાધન છે જે તમારા બાળકને વાસ્તવિક દુનિયાના પડકારો માટે તૈયાર કરે છે. જીવન ગમેતેટલું કઠિન હોય, કસરતની આદત પાડનાર બાળક એને હસતા મોઢે સ્વીકારી શકશે અને આગળ વધી શકશે. માતા-પિતા તરીકે માત્ર બાળકના માર્ક્સ કે સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાને બદલે કસરતની આદત પાડીને તેમના ચારિત્ર્યને મજબૂત બનાવવાની આ એક શ્રેષ્ઠ ભેટ હોઈ શકે છે.