08 October, 2026 05:00 PM IST | Mumbai | Sejal Patel
પ્રતીકાત્મક તસવીર
આ કોઈ કાવ્યાત્મક કે રોમૅન્ટિક વાત નથી, આંખોના દીર્ઘાયુષ માટેની પ્રૅક્ટિકલ વાત છે. આજે વર્લ્ડ સાઇટ ડે છે અને એની આ વર્ષની થીમ છે લવ યૉર સાઇટ. ભગવાને જે દૃષ્ટિ આપી છે એને પ્રેમ કરીએ અને કદર કરીએ. ભારત વિશ્વનું માયોપિયા કૅપિટલ બની રહ્યું છે અને લોકોનું વિઝન નાની ઉંમરથી જ નબળું પડી રહ્યું છે ત્યારે જાણીએ કઈ રીતે દૃષ્ટિને તરોતાજા રાખી શકાય
વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનના આંકડા કહે છે કે વિશ્વભરમાં બ્લાઇન્ડનેસના જેટલા પણ કેસિસ છે એમાંથી ૮૦ ટકા પ્રિવેન્ટેબલ હોય છે. મોટા ભાગે જ્યારે આપણે આંખનો મિસયુઝ વધુ કરીએ છીએ અને જ્યારે એમાં તકલીફની શરૂઆત થાય ત્યારે જ સારવાર કરાવવા માટે જાગતાં નથી ત્યારે લાંબા ગાળે દૃષ્ટિહીનતા આવે છે. એ તો હવે જગજાહેર છે કે લાઇફસ્ટાઇલ ડિસીઝીઝની પણ આંખ પર બહુ જ અસર પડે છે. ડાયાબિટીઝ જ્યારે બેકાબૂ થાય છે ત્યારે આંખોના પડદાને એવું કાયમી નુકસાન થાય છે કે ફરી દૃષ્ટિ પહેલાં જેવી શક્ય બનતી નથી. આંખોની કાળજી નહીં રાખીએ તો એને નુકસાન થાય છે એ બાબતે બહુ જ વાર લખી ચૂક્યા છીએ, પરંતુ આંખને જરાક જુદી રીતે જોવાનું આ વખતની થીમ કહે છે. વર્લ્ડ સાઇટ ડે એટલે કે વિશ્વ દૃષ્ટિ દિવસની થીમ છે આંખોને પ્રેમ કરો. જરાક જુદી રીતે કહીએ તો જે આંખો તમને આ દુનિયાના પ્રેમમાં પાડે છે. જે આંખો તમને કુદરતના રમણીય નજારાનો અનુભવ કરાવે છે એ આંખોને જરાક જુદી દૃષ્ટિથી જુઓ, સમજો અને એની જરૂરિયાત સાંભળો તો કદાચ આંખોની કાળજી રાખવાનો આપણો નજરિયો બદલાઈ જાય.
જરા જુદી રીતે જોઈએ આંખોને
આપણી આંખો બહુ જ ડાહી છે. આપણા શરીરમાં લગભગ દરેક અવયવ એવી રીતે બન્યો છે કે એ આપમેળે પોતાની જાતને પ્રોટેક્ટ કરી લે છે. હા, એને ટ્રીટ કરતી વખતે તમારે કેટલાક ડુઝ અને ડોન્ટ્સ સમજવા પડે. તમે સવારે ઊઠો અને આંખ ખોલો ત્યારથી સતત જાગૃત અવસ્થાના કલાકો દરમ્યાન આંખો સતત કાર્યરત રહે છે. જો આ વાત તમને નાની લાગતી હોય તો આખો દિવસ તમે ઊભા રહી જુઓ, પગ કેટલા થાકી જાય છે? આંખો સતત કામ કર્યા જ કરે છે અને એ કામ કરતી રહે એ માટે એની પોતાની મેકૅનિઝમ છે. આંખોની રચનાને સમજીએ તો એના પ્રેમમાં પડી જવાય એવું છે એમ જણાવતાં બૉલીવુડ સેલિબ્રિટીઝની આંખોના ડૉક્ટર હિમાંશુ મહેતા કહે છે, ‘આપણી આંખો બહુ જ ડાહી છે. એને કંઈ જ જોઈતું નથી. એ પોતાની જાતે હાઇડ્રેટ રહી શકે એવી સિસ્ટમ ધરાવે છે. ૭૦૦૦ માઇક્રોન્સથી તમને એ આખી દુનિયા દેખાડે છે. આંખ બંધ કરો તો કેવો અંધકાર છવાઈ જાય? આંખો બને ત્યાં સુધી પોતાની કાળજી જાતે જ રાખી લે એવી રચનામાં ગોઠવાઈ છે. ફ્રન્ટલ અને મેક્ઝિલરી હાડકાંની વચ્ચેના એક સૉકેટમાં આ નાજુક અવયવ ગોઠવાયેલો છે એટલે પછડાટ કે બૉલ જેવું કંઈક વાગે તો પહેલાં આ હાડકાં પ્રોટેક્ટિવ બનીને કામ આવે. આંખ સફાઈ માટે અને ઑક્સિજનની સતત પૂર્તિ થયા કરે એ માટે જાતે જ આંસુ બનાવવાની સુંદર મેકૅનિઝમ ધરાવે છે. તમે એક મિનિટમાં ૧૭-૧૮ વાર પલકારો મારો છો એને કારણે જેમ કારનો કાચ વાઇપરથી સાફ થતો રહે એમ આંખનો ઉપરનો ભાગ સાફ થતો રહે છે.’
આંખને પ્રેમ કરતા હો તો આ ૬ ચીજો ચોક્કસ કરજો
૧. પલકારો મારોઃ સૌથી પહેલાં તો પલકારો મારવાનું ભૂલશો નહીં. સભાનતાપૂર્વક પલકારો મારો. સ્ક્રીન પર એકીટશે કશુંક જોયા કરતા હો ત્યારે વચ્ચે બ્રેક લઈને પલકારો મારો.
૨. ન્યુટ્રિશન પૂરું પાડો : વિટામિન A, C, E અને ઓમેગા-૩ ફૅટી ઍસિડ્સ મળે એવાં ફળો, ગાજર જેવાં શાકભાજી અને બેરીઝ ખાઓ.
૩. સ્ક્રીન-ટાઇમ ઘટાડોઃ ચાહે કંઈ પણ થાય, આખો દિવસ સ્ક્રીન પર ચોંટી ન રહો. દરેક વખતે જરૂર નથી હોતી. જ્યારે પણ સ્ક્રીન સામે હો ત્યારે ૨૦-૨૦-૨૦નો નિયમ અપનાવો. દર ૨૦ મિનિટે ૨૦ સેકન્ડ માટે સ્ક્રીન પરથી નજર હટાવીને ૨૦ મીટર દૂર આવેલી કોઈ જગ્યા તરફ જોઈને આંખોના પલકારા મારવા.
૪. આઉટડોર રમવું : કૂમળા તડકામાં સવારે બાળકોને રમવા દેવા. આ માત્ર ફિઝિકલ ઍક્ટિવિટી માટે જ જરૂરી નથી. વિટામિન Dથી આંખોને કુદરતી પ્રકાશ મળશે. જ્યારે કુદરતનાં રંગો અને કુદરતી પ્રકાશમાં આંખો હોય છે ત્યારે અંદરની આખી સિસ્ટમ રિલૅક્સ્ડ હોય છે.
૫. મેકઅપ રિમૂવર : આંખોને સજાવવા માટે વપરાતા મેકઅપ રાતે પૂરી રીતે હટાવી દો એ જરૂરી છે. એનાથી આંખોની પાંપણને બ્રીધિંગ કરવા મળશે.
૬. પામિંગ : શરીર કામ કરીને થાકે છે એમ આંખો પણ થાકે છે. આંખો બહુ જલદી બૂમો પાડીને આરામ કરવા માટેનાં સિગ્નલ્સ નથી આપતી. તમારે સમજીને સામેથી એને આરામ આપવાનો છે. આંખો પર તમારી હથેળી મૂકીને એને અડધી-એક મિનિટ માટે બંધ કરો. અંદર એક પણ પ્રકાશનું કિરણ પ્રવેશવું ન જોઈએ. આ રીતે હથેળીમાં આંખો ખોલ-બંધ કરી શકો છો. આ પામિંગથી આંખોને પ્રકાશથી બ્રેક મળે છે અને થાક ઘટે છે. લાંબા કલાકો કામ કરવાનું હોય ત્યારે પામિંગને નિયમિત સાથી બનાવી લો.
આંસુ એ સૌથી તાકાત છે
આંખની સુંદરતા એની ભીનાશમાં છે. કોઈની પણ આંખોમાં પાણી છલકતું હોય તો એ સુંદર લાગે છે. આંસુ બનાવવાની વ્યવસ્થા આંખને સ્વસ્થ અને સ્વચ્છ બન્ને રાખે છે. એ માટે ત્રણ ગ્રંથિઓ સતત કાર્યરત રહે છે. એક ગ્રંથિ છે જેને કન્જેક્ટાઇવલ ગ્લોબલેટસેલ કહેવાય છે. એ મ્યુસિલ નામનું પ્રવાહી બનાવે છે જે આંસુનો બેઝ છે. બીજી લેક્રિમલ ગ્લૅન્ડ્સ આંખના ખૂણાઓમાં ઉપરના ભાગે હોય છે. ત્રીજી ટીઅર ગ્લૅન્ડ્સ આંખની પાંપણ અને પાંપણની અંદર આવેલી છે. આ ગ્રંથિ તૈલીય દ્રવ્ય જેવું બનાવે છે. એનાથી આંખની ઉપર એક પ્રોટેક્ટિવ ઑઇલ લેયર બને છે જે આંસુ અને ભીનાશનું બાષ્પીભવન થતું અટકાવે છે. આ ત્રણેય ગ્રંથિઓ સતત કાર્યરત હોવાથી કૉર્નિયાને સતત ઑક્સિજન મળતો રહે છે. આપણે આંખનો ઉપયોગ જે રીતે કરીએ એ મુજબ આંખોમાં પણ બદલાવ આવતો રહે છે એ વિશે સમજાવતાં ડૉ. હિમાંશુ કહે છે, ‘સામાન્ય રીતે આપણી આંખો માત્ર ૨૩.૫ મિલિમીટરની હોય છે. યસ, આટલી સાઇઝ છે જે આપણને આખી દુનિયા સાથે વિઝનથી જોડે છે. આપણે દુનિયાભરની સુંદરતા નિહાળીએ છીએ. સતત જોવાનું કામ કરવાનું હોવાથી આપણી આઇરિસ એટલે કે પ્યુપિલ કામ મુજબ એની સાઇઝ નાની-મોટી કરે છે. જ્યારે તમે કુદરતી પ્રકાશમાં હો અને દૂરની સુંદર મજાની હરિયાળી જોઈ રહ્યા હો તો તમારી આઇરિસ નાની થઈ જાય છે, પણ જ્યારે લાઇટ ઓછી હોય અથવા તો આર્ટિફિશ્યલ લાઇટમાં કંઈક ઝીણું જોવાનું હોય ત્યારે એ જ આઇરિસ ડાઇલેટ થઈ જાય અને પહોળી થઈ જાય. આપણી આંખમાં ક્રિસ્ટલાઇઝડ લેન્સ હોય છે એ હજારો ઝોન્યુલ્સ તરીકે ઓળખાતાં અતિસૂક્ષ્મ રેસાઓથી લટકતો હોય છે. જ્યારે દૂરનાં દૃશ્યો રિલૅક્સ થઈને નિહાળવાનાં હોય ત્યારે આ ઝોન્યુલ્સ પણ રિલૅક્સ હોય. વારંવાર આ ઝોન્યુલ્સ પર સ્ટ્રેસ આવે એવું કામ કરવાથી એ વીક થઈ જાય છે અને લેન્સ જાડો થઈ જાય છે. આ લેન્સની આગળ વિશિષ્ટ પ્રકારનું પાણી બને છે જે આઇરિસ અને કૉર્નિયાને સતત ન્યુટ્રિશન આપે છે. આ પાણીને વહી જવા માટે એક ગટર જેવી કૅનલ પણ છે. મતલબ કે પોષણ માટેની વ્યવસ્થા અને સફાઈની વ્યવસ્થા પણ એમાં જ. ખૂબ જ કૉમ્પેક્ટ સાઇઝમાં આ એક અદ્ભુત રચના છે.’
રોગોની શરૂઆત
જ્યારે લેન્સને ઝીલી રાખનારા ઝોન્યુલ્સ નબળા થઈ જાય ત્યારે નજીકનું જોવામાં મુશ્કેલી પડે અને બેતાળા આવે.
જો લેન્સ વીક થઈ જાય કે એમાં સફેદ ડાઘા પડવા લાગે તો કૅટરેક્ટ એટલે મોતિયો થાય.
જ્યારે આંખની ડ્રેનેજ સિસ્ટમમાં ગરબડ થાય ત્યારે એમાંથી કચરો વહેવાની પ્રક્રિયા અવરોધાય અને વધારાના ફ્યુઅલને કારણે આંખમાં પ્રેશર વધે. એને આપણે ઝામર કહીએ છીએ.
જુલમ કરવાનું બંધ થાય તોય ઘણું
આંખોને પ્રેમ કરવો એટલે એની પર જુલમ બંધ કરવો. આ જુલમ કઈ રીતે થતો હોય છે? મિસ યુઝ અને અબ્યુઝથી. એમ જણાવતાં ડૉ. હિમાંશુ કહે છે, ‘ડ્રાયનેસ આજની એટલી મોટી સમસ્યા છે કે આંખને પોતાની કાર્યક્ષમતા જાળવવામાં ખૂબ મુશ્કેલી પડે છે. એમાં આપણી આરામદાયક અને બેઠાડુ લાઇફસ્ટાઇલનો સૌથી મોટો ફાળો છે. આખો દિવસ ઍરકન્ડિશનર વિના આપણને ચાલતું નથી. ઘરની બહાર નીકળીએ ત્યારે ટ્રાફિક અને પોલ્યુશન આંખોને નુકસાન કરે છે. ઘરમાં આખો દિવસ મોબાઇલ કે કમ્પ્યુટરની સ્ક્રીન આપણી આંખની સામે હોય છે. આ આદતો આંખના કુદરતી હાઇડ્રેશનને ખોરવી નાખે છે. ડ્રાયનેસને કારણે દરેક અવયવોની કાર્યક્ષમતા ખોરવાય છે અને દૃષ્ટિ નબળી પડે છે. આજે ભારત માયોપિયાનું કૅપિટલ બની ગયું છે, કેમ કે બાળકોથી લઈને વૃદ્ધો સુધી બધા જ આંખનો મિસયુઝ ખૂબ કરે છે.’