તમને ડર લાગે છે, સ્ટ્રેસ છે કે પછી ઍન્ગ્ઝાયટી? આ ત્રણેયનો ભેદ સમજો

03 June, 2026 12:41 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઘણી વાર એવું થાય છે કે લોકો ડર, સ્ટ્રેસ અને ઍન્ગ્ઝાયટી બધાને એક જ સમજી બેસે છે

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

ઍન્ગ્ઝાયટી સામે લડતાં પહેલાં એને ઓળખવી જરૂરી છે. ઘણી વાર એવું થાય છે કે લોકો ડર, સ્ટ્રેસ અને ઍન્ગ્ઝાયટી બધાને એક જ સમજી બેસે છે. ડર લાગવો સામાન્ય બાબત છે. ડર તત્કાલીન પરિસ્થિતિ પર જ આધારિત હશે, એ ભવિષ્ય પર આધારિત નથી. એ કલ્પના નથી, વાસ્તવિકતા પર આધારિત છે. સ્ટ્રેસ કે તાણને કારણે વ્યક્તિ પર પ્રેશર વધે છે જે ડરથી થોડું વધુ ગંભીર હોય છે, જ્યારે ઍન્ગ્ઝાયટી સતત લાગતો ડર છે. કોઈ પણ પરિસ્થિતિમાં અનુભવાતો કાલ્પનિક પરિસ્થિતિનો ડર. ઉદાહરણ સાથે સમજીએ તો વ્યક્તિ એક્ઝામ હૉલમાં પેપર લખી રહી છે ત્યારે તેણે ન વાંચેલો પ્રશ્ન આવે તો એ જોઈને તેને ડર લાગે છે. ૩ કલાકની અંદર જ તેણે એ પેપર લખીને આપી દેવું પડશે એ તેને ખબર છે. એ માટે તે ૩ કલાક જે અનુભવે છે એ સ્ટ્રેસ છે; પરંતુ એક્ઝામ પેપર લખતાં-લખતાં રિઝલ્ટ ખરાબ આવશે, મમ્મી-પપ્પા ખૂબ ગુસ્સે થશે, મિત્રો બધા ખિલ્લી ઉડાવશે એ વિચારીને ખૂબ બીક લાગે અને જે આવડતું હોય એ પણ ભુલાઈ જાય અને લખી ન શકાય એ ઍન્ગ્ઝાયટી છે.  

ઍન્ગ્ઝાયટી કોઈ પણ વ્યક્તિને થઈ શકે છે. ખૂબ જ સમજદાર અને હોશિયાર હોવા છતાં એની જોડે ખુદ ડીલ કરવાનું અઘરું છે. બૉક્સ બ્રીધિંગ અને ડીપ બ્રીધિંગ ખૂબ જ અસરકારક છે. પ્રાણાયામ, ધ્યાન અને થેરપી ચોક્કસ મદદરૂપ થઈ શકે એમ છે.

જો તમારી નજીકની કોઈ વ્યક્તિને ઍન્ગ્ઝાયટી હોય તો સૌથી પહેલી જરૂરિયાત છે તેને સાંભળો. કોઈ પણ જાતની કમેન્ટ આપ્યા વગર, તેને જજ કર્યા વગર, ખૂબ જ પ્રેમથી બસ તે વ્યક્તિને સાંભળો. તમને ખબર પડી જાય કે તે ખોટી દિશામાં વિચારે છે, તે નકામી ગભરાઈ ગઈ છે એમ છતાં તેને તમે એમ ન કહો કે તું ખોટો છે અથવા તું કેમ આવું વિચારે છે? આવું કહેવા જશો તો તે વ્યક્તિ તમારાથી દૂર થઈ જશે.

બને તો તેને તેના જ વિચારો લખવાનું સજેશન આપો. લખવાથી ક્લૅરિટી મળે છે અને તે વ્યક્તિની અંદરનો ડર બહાર લાવવા તે સક્ષમ બને છે, કારણ કે દરેક વ્યક્તિ બોલી નથી શકતી. તો એ લખવાથી ઘણી મદદ મળે છે. સમજો કે કોઈ વ્યક્તિએ પીળાં ચશ્માં પહેર્યાં છે તો તેને જગત પીળું જ દેખાવાનું. તમે કહો કે ના, જગત ધોળું છે તો તે નહીં માને. પહેલાં તેને એ અહેસાસ કરાવવો પડે છે કે તેની આંખ પર પીળાં ચશ્માં છે જે માટે થેરપી જરૂરી છે. એટલે તેને પ્રોફેશનલ હેલ્પની જરૂર છે.  

mental health health tips healthy living life and style lifestyle news columnists