25 December, 2025 12:36 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
યુવાનોમાં અમુક આદતો માટે એવો ક્રેઝ જોવા મળે છે કે અત્યારે નહીં કરીએ તો ક્યારે કરીશું? જીવન એક વાર જ મળ્યું છે અને બસ, એ માટે બધી મજા કરી લઈએ. આ વિચાર ઉપર યુવાનો ખોટી આદતોના બંધાણી બની રહ્યા છે અને પોતાનો જીવ જોખમમાં મૂકી રહ્યા છે. હકીકત એ જ છે કે જીવન એક જ વાર મળ્યું છે અને એને આવા નકામા શોખ માટે જોખમમાં મૂકવું એ બિલકુલ સમજદારીભર્યું કામ નથી.
ઘણા લોકોની એવી માન્યતા છે કે સિગારેટ, બીડી હાનિકારક હોય છે પરંતુ હુક્કા નહીં અને એમાં પણ ખાસ ફ્લેવર્ડ હુક્કા માટે લોકોને એમ હોય છે કે એ હાનિકારક નથી, પરંતુ એ હોય જ છે. ઠેર-ઠેર હુક્કા પાર્લરમાં જે લોકો હુક્કા ટ્રાય કરતા હોય છે એમાંથી લગભગ દરેકની માન્યતા એવી હોય છે કે આ પ્રકારના હુક્કા ફક્ત મજા આપે છે, નુકસાન કરતા નથી. હુક્કા પાર્લરવાળા કહે છે કે આ હુક્કામાંથી જે ધુમાડો નીકળે છે એ પાણી પરથી પસાર થઈને આવે છે એટલે એ ફિલ્ટર થઈ જાય છે અને એમાં રહેલી અશુદ્ધતા કે કેમિકલ બધાં જતાં રહે છે અને એ શુદ્ધ ફૉર્મમાં તમને મળે છે. આ વાતનું વૈજ્ઞાનિક કોઈ તથ્ય નથી. બીજું એ કે ફ્લેવર લાવવા માટે વપરાતાં કેમિકલ્સ તમને નુકસાન પહોંચાડે જ છે કારણ કે આ કેમિકલ્સ ટૉક્સિક હોય છે. જે એમાં કોલસો વાપરવામાં આવે છે એ કોલસો પણ કઈ ક્વૉલિટીનો છે, કેટલો જૂનો છે એ તમને ખબર નથી હોતી. એને કારણે આ પ્રકારના બનાવો બને છે. કોલસામાં ફૂગ થઈ જતી હોય છે. જો એવા કોલસાને વાપરવામાં આવે તો ઇન્ફેક્શન થવાનું રિસ્ક ઘણું વધી જાય છે.
હુક્કો સિગારેટ અને બીડી કરતાં પણ વધુ હાનિકારક છે કારણ કે એમાં કશ ઊંડો ભરવાનો હોય છે અને વધુ સમય માટે ધુમાડો શરીરમાં રહે છે. એક આંકડા મુજબ હુક્કા પાર્લરમાં જે ૧ કલાકનો સમય હોય છે એ એક કલાક તમાકુવાળો હુક્કો જો તમે પીતા હો તો એ ૧૦૦ સિગારેટ પીવા જેટલું હાનિકારક ગણાય છે. ફેફસાંની પહેલેથી કોઈ તકલીફ હોય જેમ કે અસ્થમા કે શ્વાસમાં તકલીફ કે ફેફસાંનું ઇન્ફેક્શન વગેરે તો એવી વ્યક્તિએ આ પ્રકારના એક્સપોઝરથી દૂર જ રહેવું. આ સિવાય સામાન્ય વ્યક્તિઓને પણ હુક્કાને કારણે ઇન્ફેક્શન કે બ્રૉન્કાઇટિસ થઈ શકે છે જેને કારણે શ્વાસની તકલીફ આવે, ઇન્હેલર્સ કે નેબ્યુલાઇઝેશન લેવા પડે, હૉસ્પિટલમાં ભરતી થવું પડે અને જો દવાઓ કામ ન લાગી તો જીવ પણ ખોવાની હાલત આવી શકે છે.
- ડૉ. અમિતા દોશી નેને