તમે‍ ભૂલવાની બીમારીના શિકાર નથી થઈ રહ્યાને?

18 November, 2025 02:04 PM IST  |  Mumbai | Kajal Rampariya

ઑલ્ઝાઇમર્સ ડિસીઝનું સૌથી પહેલું લક્ષણ છે યાદ રાખવામાં મુશ્કેલી થવી. ખાસ કરીને નવી માહિતીને યાદ રાખવામાં પ્રૉબ્લેમ આવે છે.

પ્રતીકાત્મક તસવીર

ઑલ્ઝાઇમર્સ ડિસીઝ એક એવી ન્યુરોલૉજિકલ કન્ડિશન છે જેમાં મગજની સ્મૃતિ અને વિચારવાની ક્ષમતા ધીમે-ધીમે ઘટતી જાય છે. ઘણી વખત એની શરૂઆત ઘણી સૂક્ષ્મ હોય છે એથી શરૂઆતનાં ચિહ્‍નોને ઓળખવું જરૂરી છે. જો પોતાના વિશે શંકા જાય તો કેટલીક સરળ રીતે ઘરે સેલ્ફ-ચેક કરી શકાય; પરંતુ યાદ રાખો કે આ સેલ્ફ-ચેક ડૉક્ટરની ચકાસણીનો વિકલ્પ નથી, માત્ર જાગૃતિ માટે છે.

અર્લી સાઇન્સને ઓળખો

ઑલ્ઝાઇમર્સ ડિસીઝનું સૌથી પહેલું લક્ષણ છે યાદ રાખવામાં મુશ્કેલી થવી. ખાસ કરીને નવી માહિતીને યાદ રાખવામાં પ્રૉબ્લેમ આવે છે. આ ઉપરાંત વાત કરતાં-કરતાં શબ્દો યાદ ન આવવા; કયા દિવસે શું થયું, ક્યાં ગયા હતા એ ભુલાઈ જવું; ઓળખીતા લોકોના ચહેરા ઓળખવામાં અચાનક અસમર્થતા અનુભવવી; મૂડ અને સ્વભાવ ચેન્જ થવો; અચાનક શંકાશીલ થવું; નિરાશા અને ભય અનુભવવો; રોજિંદાં કાર્યોને યાદ રાખવામાં મુશ્કેલી પડવા જેવી ઘણી સમસ્યા સર્જાય છે. આવું કોઈ લક્ષણ દેખાય ત્યારે ઘેરબેઠાં કરી શકાય એવી સેલ્ફ-ટેસ્ટ કરવી. એ માટે તમે તમારી જાતને આટલા પ્રશ્નો પૂછો ઃ

શું તમે વારંવાર તાજેતરમાં બનેલી વાતો અથવા કામ ભૂલી જાઓ છો?

શું કોઈ વસ્તુ રાખીને તરત ભૂલી જાઓ છો કે એ ક્યાં મૂકી છે?

વાતચીત દરમ્યાન શબ્દો યાદ ન આવવાથી વારંવાર અટકી જાઓ છો?

પરિચિત રસ્તાઓ, જગ્યા અથવા લોકોને ઓળખવામાં મુશ્કેલી પડે છે?

દરરોજનાં સરળ કામ જેમ કે બિલ ભરવું, રસોઈમાં કઈ ચીજ ક્યાં રાખી છે એ યાદ રાખવી મુશ્કેલ લાગે છે?

નિર્ણય લેવામાં મુશ્કેલી પડે છે?

પૈસા અથવા નંબરની ગણતરીમાં ગરબડ થવા માંડી છે?

મૂડમાં અચાનક બદલાવ આવે છે અથવા ચીડિયા બન્યા છો?

સાથે રહેતા લોકો કહે છે કે તમે પહેલાં કરતાં બદલાઈ ગયા છો?

મનને એકાગ્ર રાખવામાં મુશ્કેલી પડે છે?

આ ૧૦ પ્રશ્નોમાંથી ચારથી પાંચ પ્રશ્નોના જવાબ ‘હા’ હોય તો સાવધાન થવાની જરૂર છે. તમે એ માટે ન્યુરોલૉજિસ્ટની સલાહ લઈ શકો છો. લક્ષણોને જલદી ઓળખી જવાથી સારવાર અને સંભાળ વધુ અસરકારક બની શકે છે. આવું ન થાય એ માટે અમુક બહુ કૉમન બાબતોનું ધ્યાન રાખો. મગજને ઍક્ટિવ રાખો. વાંચન, પઝલ, ચેસ, ક્રૉસવર્ડ, મેડિટેશન જેવી પ્રવૃત્તિ કરો. નિયમિત વ્યાયામ કરો. લોકો સાથે વાત કરો જેને લીધે મગજ ઍક્ટિવ રહે છે. સાતથી આઠ કલાક પૂરતી ઊંઘ લો અને સ્વસ્થ આહાર લો.

health tips healthy living lifestyle news life and style columnists