પ્રેરણાનો ભંડાર છે ૧૦૦ વર્ષના આ યંગ અમેરિકન

26 October, 2025 02:38 PM IST  |  Mumbai | Rashmin Shah

૧૯૨પની ૧૧ જાન્યુઆરીએ અમેરિકામાં જન્મેલા ઍન્ડ્ર‍યુનું નાનપણ બહુ ગરીબીમાં પસાર થયું. માત્ર ૧૩ વર્ષની ઉંમરે તેમને ખબર પડી ગઈ હતી કે બે ટંકનું ભોજન તેમના નસીબમાં નથી. સામાન્ય રીતે ટીનેજર આ વાતથી નાસીપાસ થઈ જાય પણ ઍન્ડ્ર‍યુને એ વાત લાગુ નહોતી પડતી.

ઍન્ડ્ર‍યુ બૉસ્ટિન્ટો

આપણે ત્યાં ૧૦૦ વર્ષની ઉંમરે પહોંચેલી વ્યક્તિને તમે જુઓ એટલે તમને તેના પર દયા આવી જાય. મોટા ભાગના કેસમાં એવું જ હોય છે, પણ ઍન્ડ્ર‍યુ બૉસ્ટિન્ટોની વાત જુદી છે. અમેરિકાના ૧૦૦ વર્ષના આ વડીલ આજે પણ બૉડી-બિલ્ડિંગમાં ભાગ લે છે અને રોજ પોણો કલાકથી ૧ કલાક જિમમાં પસાર કરે છે. જીવન જીવવાની શ્રેષ્ઠ રીત કઈ હોય એનું ઉમદા ઉદાહરણ પૂરું પાડતા ઍન્ડ્ર‍યુ બૉસ્ટિન્ટોનું જીવન જોવા જેવું છે

આપણે આજે પણ અમિતાભ બચ્ચન અને તેમની ઉંમરની દુહાઈ આપીએ છીએ અને દુનિયા સામે દાખલો બેસાડતા રહીએ છીએ કે જુઓ, ૮૦ વર્ષે પણ અમારા અમિતાભ બચ્ચન પોતાને કેવા ફિટ રાખે છે, કેવું કામ કરે છે. અનિલ કપૂર પર તો અઢળક મીમ્સ બની ગયા અને બીજા અનેક એવા છે જેઓ જીવનના ૭ અને ૮ દસકાઓ પસાર કરી ચૂક્યા છે. પણ એ દુહાઈ આપનારા, વખાણની ખીચડી સતત પીરસતા રહેતા લોકોને અમેરિકાના ઍન્ડ્ર‍યુ બૉસ્ટિન્ટો વિશે ખબર નથી એટલે ચકલી ફૂલેકે ચડી છે. મિસ્ટર ઍન્ડ્ર‍યુની ઉંમર ૧૦૦ વર્ષની છે અને આ વર્ષે તેમને અમેરિકાની સૌથી પૉપ્યુલર ફિટનેસ ક્લબ એવી ન્યુ યૉર્ક ક્લબે બ્રૅન્ડ-ઍમ્બૅસૅડર તરીકે સાઇન કર્યા છે.
હા, ૧૦૦ વર્ષે પણ ઍન્ડ્ર‍યુની ફિટનેસ એવી છે કે તે મારા-તમારા જેવા દાળભાતિયા યુવાનોને બે લાતમાં જમીનદોસ્ત કરી દે. ૬૦-૭૦ અને બહુ-બહુ તો ૮૦ વર્ષની ઉંમરે પહોંચ્યા પછી આપણા દાદા અને નાના મંદિર અને ધર્મ-ધ્યાનના રસ્તે વળી જાય અને એ આપણને નૉર્મલ લાગે પણ આ ઉંમરે પણ ઍન્ડ્ર‍યુ બૉસ્ટિન્ટો રોજ એકાદ કલાક જિમમાં પસાર કરે છે અને એ પણ વીકના છ દિવસ. ઍન્ડી તરીકે પૉપ્યુલર થયેલા ઍન્ડ્ર‍યુ આજે પણ નૅશનલ જિમ અસોસિએશન સાથે જોડાયેલા છે અને બૉક્સલાઇફ નામના મૅગેઝિનના કવરપેજ પર સ્થાન મેળવે છે. ઍન્ડ્ર‍યુ કહે છે, ‘ફિટનેસ જ મારો જીવનમંત્ર છે અને વર્કઆઉટ મારો શ્વાસ. જો હું એના પર ધ્યાન આપવાનું બંધ કરી દઉં તો મારું જીવન બેચાર મહિનામાં પૂરું થઈ જાય.’
ઍન્ડ્રયુ બૉસ્ટિન્ટોની આ વાતને ફૉલો કરવામાં આવે તો એટલું નક્કી છે કે ઍટ લીસ્ટ દેશમાં ફાંદાળા લોકો તો દેખાતા બંધ થઈ જ જાય.

જીવન જીવવાની સાચી રીત
ઍન્ડ્ર‍યુ બૉસ્ટિન્ટોએ પોતાના જીવનને ત્રણ રીત સાથે જોડી દીધું છે, જે રીત સમજવા જેવી છે.
૧. વિઝ્યુઅલાઇઝેશનઃ વિઝ્યુલાઇઝ કરો કે તમે શું બનવા ઇચ્છો છો અને મન-મસલ્સને જોડો. 
૨. ફોક્સઃ જે કરવું છે એ જ દિશામાં મન હોવું જોઈએ. જો મન વિચલિત થાય તો રિઝલ્ટ નહીં મળે.
૩. ઍડ્જસ્ટમેન્ટઃ ધાર્યું પરિણામ લાવવા માટે દરેક સ્ટેપ પર જરૂર મુજબ ઍડ્જસ્ટમેન્ટ કરવાં પડે તો કરો, પણ જોઈતું રિઝલ્ટ લાવો.

ઍન્ડ્ર‍યુનું ABC

૧૯૨પની ૧૧ જાન્યુઆરીએ અમેરિકામાં જન્મેલા ઍન્ડ્ર‍યુનું નાનપણ બહુ ગરીબીમાં પસાર થયું. માત્ર ૧૩ વર્ષની ઉંમરે તેમને ખબર પડી ગઈ હતી કે બે ટંકનું ભોજન તેમના નસીબમાં નથી. સામાન્ય રીતે ટીનેજર આ વાતથી નાસીપાસ થઈ જાય પણ ઍન્ડ્ર‍યુને એ વાત લાગુ નહોતી પડતી. અભિશાપને આશીર્વાદ સમજવાની કળા મનોમન ડેવલપ કરી ચૂકેલા ઍન્ડ્ર‍યુએ એ જ ઉંમરથી ફિટનેસ પર ધ્યાન આપવાનું શરૂ કરી દીધું. ઍન્ડ્ર‍યુ કહે છે, ‘જે મળવાનું નથી એનો અફસોસ શું કામ કરવો? ભોજન માટે પ્રૉબ્લેમ હતો એટલે મેં મારું ઘડતર એવી રીતે કરવા માંડ્યું કે હું જાણે ડાયટ પર ધ્યાન આપતો હોઉં. બે ટાઇમમાંથી હું બપોરે એક જ ટાઇમ જમતો અને ફ્રી પડું ત્યારે મારા ઘરની નજીકમાં રહેતા બૉડી-બિલ્ડરની પાસે જઈને એક્સરસાઇઝ શીખતો. મને એમાં બહુ મજા આવવા માંડી. આજે સમજાય છે કે એ સમયની એક્સરસાઇઝ મારા માટે સ્ટ્રેસ-બસ્ટર હતી. નાનપણના એ ખરાબ દિવસો કદાચ મારી એ એક્સરસાઇઝ વચ્ચે જ મને અફસોસ નહોતા આપતા અને હું એ ખરાબ પરિસ્થિતિથી વિચલિત નહોતો થતો.’
માત્ર ૧૩ વર્ષની ઉંમરે તો ઍન્ડ્ર‍યુની બૉડી એવી તૈયાર થઈ ગઈ કે તે પોતે બૉડી-બિલ્ડિંગમાં દાખલ થઈ ગયા. 
લોઅર મૅનહટનથી બ્રુકલિન શિફ્ટ થયેલા ઍન્ડ્ર‍યુએ એ જ તબક્કે નક્કી કરી લીધું કે તે કોઈ કાળે એક્સરસાઇઝને છોડશે નહીં. ઍન્ડ્ર‍યુ કહે છે, ‘જરૂરિયાત મુજબ આપણે બૉડીમાં એટએટલું નાખી દઈએ છીએ કે પછી યાદ પણ નથી રહેતું કે બૉડીમાં કેવો કચરો ભરી લીધો. એ કચરો સાફ કરવાની એક જ પ્રક્રિયા છે, એક્સરસાઇઝ. આજે જ્યારે હું રસ્તા પર મેદસ્વી લોકોને જોઉં ત્યારે મને એક જ વિચાર આવે, હરતી-ફરતી કચરાપેટી જઈ રહી છે. શરીરની જાળવણી કરવી બહુ જરૂરી છે, જે એ કરે છે તેનું આયુષ્ય વધે છે એવું માનવું ભૂલભરેલું છે પણ હા, જે શરીરની જાળવણી કરે છે તેની લાઇફમાં સ્ટ્રેસ નથી હોતું એ હકીકત છે.’

ફિટ રહેવાના ફૅન્ટૅસ્ટિક ફાઇવ વે
ઍન્ડ્ર‍યુ બૉસ્ટિન્ટો આજે પણ પર્ફેક્ટ ફિટનેસ ધરાવે છે, પણ આ ફિટનેસ માટે તેણે પોતાના જીવનમાં કઈ પાંચ વાતને મહત્ત્વ આપ્યું છે એ જુઓ...
૧. ઉંમર માત્ર નંબર છે, જે નંબર મનની શક્તિ વધારવાનું કામ કરે છે.
૨. જિમમાં જવાનું નહીં પણ જઈને શું કરો છો એ મહત્ત્વનું છે.
૩. ઈજા થાય તો અટકવાનું નથી, રીત બદલવાની છે.
૪. ફિટનેસ માત્ર સારા દેખાવા માટે નહીં, બીજામાં સારપ પ્રસરાવવા માટે છે.
પ. જીવનનો અંત આવે ત્યારે તમે તમારા શ્રેષ્ઠ લુકમાં હશો તો તમને લોકો ખુશી-ખુશી યાદ કરશે.

જીવનનો એ યુદ્ધકાળ

એક્સરસાઇઝ જીવન હોઈ શકે પણ જીવનનિર્વાહ નહીં. ઍન્ડ્ર‍યુ બૉસ્ટિન્ટોએ હમણાં જ આપેલા એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે મારાં ભાઈ-બહેન અને પેરન્ટ્સને એવું લાગતું હતું કે આખો દિવસ એક્સરસાઇઝ અને બૉડી-બિલ્ડિંગ કરવાથી મને બીજો કોઈ લાભ નથી થવાનો, પણ એ લોકો ખોટા પડ્યા અને સેકન્ડ વર્લ્ડ વૉર વખતે મને સેના સાથે જોડાવાની તક મળી; આ તક મને મારી ફિટનેસના કારણે જ મળી હતી. ઍન્ડ્ર‍યુના આ યુદ્ધકાળને આગળ વધારતાં પહેલાં તેમણે કહેલી આ વાત સમજી લેવાની જરૂર છે. ઍન્ડ્ર‍યુ કહે છે, ‘સારા દેખાતા લોકો તમને ક્યાંય પણ મળે, તે તમારામાં તાજગી ભરી દે. તમને એવા લોકો સાથે વાત કરવી પણ ગમે, તમે એ લોકોને ટીમમાં પણ જોડવાનું પસંદ કરો.’
રિટાયરમેન્ટ પછી ઍન્ડ્ર‍યુ બૉસ્ટિન્ટોને કેટલીક કંપનીઓએ કન્સલ્ન્ટન્ટ તરીકે રાખવાની ઇચ્છા વ્યક્ત કરી ત્યારે ઍન્ડ્ર‍યુએ એ જૉબ તો નહોતી સ્વીકારી, પણ દરેકને એક ટિપ આપી હતી અને કહ્યું હતું, ‘ટીમમાં એવા લોકોને જ લેજો જેમને પોતાનું શરીર વહાલું હોય, જે પોતાના શરીરની કાળજી રાખતું હોય અને જે ફિટનેસમાં અવ્વલ હોય. આવી ટીમ ક્યારેય મેન્ટલી ડિસ્ટર્બ નથી રહેતી અને મેન્ટલી ડિસ્ટર્બ કર્મચારી વિનાની કંપનીની પ્રગતિ ક્યારેય રોકાતી નથી.’
ફરી યુદ્ધકાળ પર આવીએ.
બીજા વિશ્વયુદ્ધમાં અમેરિકી સેના સાથે જોડાયેલા ઍન્ડ્ર‍યુએ યુદ્ધમાં અવ્વલ દરજ્જાની કામગીરી કરી અને સાથોસાથ એ તબક્કે પણ પોતાના શરીરની કાળજી લેવાનું અને એક્સરસાઇઝ કરવાનું છોડ્યું નહીં. યુદ્ધમેદાન પર તો એવો સમય ભાગ્યે જ મળે પણ અનાયાસ મળી જતા એ સમયનો ઍન્ડ્ર‍યુ પોતાના માટે ઉપયોગ કરી લેતા. ઍન્ડ્ર‍યુ કહે છે, ‘જેની પાસે પોતાના માટે સમય નથી તે ક્યારેય બીજાની જરૂરિયાતના સમયે તેની બાજુમાં ઊભો નથી રહી શકતો.’
૨૯ વર્ષ સુધી સેના સાથે જોડાયેલા રહેલા ઍન્ડ્ર‍યુ બૉસ્ટિન્ટોને આ વર્ષે એટલે કે ૧૦૦ વર્ષની ઉંમરે અમેરિકન સરકારે બ્રૉન્ઝ સ્ટાર પણ એનાયત કર્યો હતો.

સેના સાથે સ્વાસ્થ્ય

સાઠના દશકની વાત છે. એ સમયે ઍન્ડ્ર‍યુના સેનાકાળનો અંતિમ સમય ચાલતો હતો અને ઍન્ડ્ર‍યુની પણ ઇચ્છા હતી કે હવે તે સિવિલિયન વચ્ચે પાછા જઈને સોસાયટી માટે કંઈક એવું કરે જે તેમની હેલ્થ માટે લાભદાયી હોય. 
ઍન્ડ્ર‍યુએ ૧૯૬૩માં ન્યુ યૉર્કના ક્વીન્સમાં ઑલિમ્પિયા જિમ ઍન્ડ હેલ્થ ક્લબની શરૂઆત કરી અને બૉડી-બિલ્ડિંગ વિશેના પોતાના જે અનુભવો હતા એ લોકો વચ્ચે શૅર કરવાનું શરૂ કર્યું. પોતાના જીવનનાં ૫૦ વર્ષ પૂરાં કર્યા પછી પણ ઍન્ડ્ર‍યુ એ સ્તર પર ફિટ હતા કે તેમણે ૧૯૭૭માં સિનિયર મિસ્ટર અમેરિકાનો અવૉર્ડ જીત્યો. એ સમયે તેમને જોવા માટે મૅડિસન સ્ક્વેર ગાર્ડનમાં હજારો લોકોના ટોળાં ઊમટ્યાં હતાં. સીધી વાત છે, અડધી દુનિયા એવું માનતી હતી કે હવે આ ઉંમરે તો ઘરમાં બેસવાનું હોય પણ એની સામે ઍન્ડ્ર‍યુલાલ દુનિયાની સામે પોતાની સિક્સ-પૅક ઍબ્સનું પ્રદર્શન કરી તરોતાજા છોકરીઓનાં દિલના રાજા બની રહ્યા હતા. અલબત્ત, તેમની લાઇફ અહીં જ અટકતી નહોતી, તેમના જીવનનો ગોલ હજી પણ આગળની દિશામાં હતો.
આ એ તબક્કાની વાત છે જે સમયે અમેરિકાની યુવાપેઢી ડ્રગ્સ અને આલ્કોહોલના રવાડે ચડી ગઈ હતી. જાગવું, ડ્રગ્સ લેવું અને બસ, પછી કાલ્પનિક દુનિયામાં રાચ્યા રહેવું એ દરેક બીજા અમેરિકન યંગસ્ટરનો નિત્યક્રમ બની ગયો હતો. અમેરિકન યંગસ્ટર્સ એ બધામાંથી બહાર આવે અને અમેરિકા ડ્રગ-ફ્રી બને એવા ભાવથી ઍન્ડ્ર‍યુ બૉસ્ટિન્ટોએ ૧૯૭૯માં નૅશનલ જિમ અસોસિએશનની સ્થાપના કરી અને શરીરનું મહત્ત્વ સમજાવવાની ઝુંબેશ શરૂ કરી. હા, એ જ નૅશનલ જિમ અસોસિએશન જેની શરૂઆતમાં વાત કરી. ઍન્ડ્ર‍યુ કહે છે, ‘બૉડી-બિલ્ડિંગ કે એક્સરસાઇઝથી માત્ર મસલ્સ જ બને છે એવું માનવું ખોટું છે. હકીકતમાં એક્સરસાઇઝથી મન બને છે. જો તમે તમારા મનને તંદુરસ્ત રાખવા માગતા હો તો તમારે શરીરને તંદુરસ્ત રાખવું પડે અને આ એક જ નિયમ છે. જો મનથી તમે ફિટ રહેવા માગતા હો તો તમારે તનથી પણ ફિટ રહેવું પડે.’
આજે ૧૦૦ વર્ષ પછી પણ ઍન્ડ્ર‍યુ ફિટનેસ કૉમ્પિટિશનમાં ભાગ લે છે. હજી હમણાં જ તેમણે ફ્લૉરિડામાં નૅશનલ જિમ અસોસિએશનની ઇવેન્ટમાં ભાગ લીધો અને ત્યાં હાજર હતા એ તમામ ફોટોગ્રાફરોની આંખો આંજી દીધી. એ જ ઇવેન્ટની પ્રેસ-કૉન્ફરન્સમાં ઍન્ડ્ર‍યુને પૂછવામાં આવ્યું કે તે એક્સરસાઇઝ ક્યારે છોડશે ત્યારે ઍન્ડ્ર‍યુએ જવાબ આપ્યો હતો, જ્યારે શ્વાસ લેવાનું છોડીશ ત્યારે... કારણ કે બીમાર પડીને મરવાને બદલે હું ફિટ અવસ્થામાં મરવા માગું છું જેથી મને લઈ ગયા પછી ગૉડને પણ ખુશી હોય કે મેં એક એવા માણસને મારી સાથે લીધો જેને જોઈને એન્જલ્સ પણ ખુશ થશે.
કહેવાનો ભાવાર્થ એ કે હવે બાપુજી સવારે ચાલવા જાય ત્યારે તેમને રોકવાને બદલે ચાલવા જવા દેજો અને તે પડી જશે એવું ટેન્શન થતું હોય તો તેમની સાથે જજો. યમદૂત પણ રાજી થવા જોઈએ કે આજે જે દાદાને લઈને આવ્યો એ દાદાને જોઈને અપ્સરાઓ પણ તેમને તેમની ફિટનેસનું રહસ્ય પૂછશે.

સાથી હાથ બઢાના

ઍન્ડ્ર‍યુ બૉસ્ટિન્ટોની વાઇફ ફ્રાન્સિન માટે ઍન્ડ્ર‍યુને જબરદસ્ત લગાવ છે. ઍન્ડ્ર‍યુ કહે છે કે જો ફૅમિલીનો સપોર્ટ ન હોય તો તમે ક્યારેય ફિટ ન રહી શકો. ફ્રાન્સિને હંમેશાં ઍન્ડ્ર‍યુને સપોર્ટ કર્યો છે અને એટલે જ આજે પણ ઍન્ડ્ર‍યુ જબરદસ્ત ફિટનેસના માલિક છે. ફ્રાન્સિન સાથે મૅરેજ કરતાં પહેલાં ઍન્ડ્ર‍યુના એક મૅરેજ થયાં હતાં જેનાથી તેને એક દીકરો અને એક દીકરી છે, જ્યારે ફ્રાન્સિન થકી તેમને એક દીકરો છે. ફ્રાન્સિન સાથે તેમનાં મૅરેજને ૪૪ વર્ષ થયાં છે. ફ્રાન્સિન અત્યારે નૅશનલ જિમ અસોસિએશનની પ્રેસિડન્ટ છે અને હસબન્ડના આ સપનાની રોજબરોજની જવાબદારી તે સંભાળે છે.
ફ્રાન્સિન કહે છે, ‘મને ક્યારેય એવું લાગ્યું નથી કે હું ૧૦૦ વર્ષની વ્યક્તિ સાથે રહું છું. તેમની વાતો, વિચારો અને ફિઝિક પચાસ-સાઠ વર્ષની વ્યક્તિ જેવું જ છે, જે વાત મને સૌથી વધારે જીવવાલાયક લાગે છે.’

જો ડાયટની વાત કરીએ તો

ઍન્ડ્ર‍યુના ફૂડમાં ઓછામાં ઓછો કુક થયેલો ખોરાક હોય છે. તે ફ્રૂટ્સ અને વેજિટેબલ્સ પર વધારે મદાર રાખે છે તો સાથોસાથ પ્રોટીનની માત્રા પણ ભરપૂર લે છે. ઍન્ડ્ર‍યુ આલ્કોહોલ કે સિગારેટને હાથ લગાડતા નથી. જિમ ઉપરાંત તે રોજ સવારે અડધા કલાક ઘરમાં પણ એક્સરસાઇઝ કરે છે. ઍન્ડ્ર‍યુના ફૂડમાં પાણી પણ એક મહત્ત્વનો ભાગ છે. ઍન્ડ્ર‍યુ રોજ ઓછામાં ઓછું બે લીટર પાણી પીએ છે. જન્ક ફૂડને તે હાથ નથી લગાડતા તો એક કલાક પહેલાં બનેલી બ્રેડ જ તે ખાય છે અને એ પણ ગ્લુટન-ફ્રી. શક્ય હોય ત્યાં સુધી ફ્રૂટ્સ કે વેજિટેબલ્સ કાપીને ખાવાને બદલે તે સીધા દાંતથી તોડીને ખાય છે.
ઍન્ડ્ર‍યુ બૉસ્ટિન્ટો રોજ વીસ મિનિટ મેડિટેશન કરે છે.

columnists united states of america health tips Rashmin Shah life and style gujarati mid day