સ્ટિકરવાળાં ફળ-શાકભાજી ખાતી વખતે સાવચેતી રાખજો

10 April, 2026 12:01 PM IST  |  Mumbai | Heena Patel

ફળ અને શાકભાજી પરનું સ્ટિકર કાઢ્યા પછી એની છાલ પણ ઉતારીને ખાવાની ચેતવણી FSSAIએ આપી છે

પ્રતીકાત્મક તસવીર

આજના સમયમાં આપણે બજારમાં ફળ કે શાકભાજી ખરીદવા જઈએ છીએ ત્યારે સફરજન, નાસપાતી કે તરબૂચ પર નાનાં-નાનાં સ્ટિકરો જોતા હોઈએ છીએ. ઘણા લોકો એવું માને છે કે જો ફળ પર સ્ટિકર હોય તો એ પ્રીમિયમ ક્વૉલિટીનું અથવા વિદેશી હશે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ નાનકડું સ્ટિકર તમારા સ્વાસ્થ્ય માટે કેટલું જોખમી સાબિત થઈ શકે છે? ભારત સરકારની ફૂડ સેફ્ટી સંસ્થા ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ્સ ઍથોરિટી ઍફ ઇન્ડિયા (FSSAI)એ આ બાબતે એક ગંભીર ચેતવણી જાહેર કરી છે.

સ્ટિકર કાઢ્યા પછી પણ કેમ જોખમ રહેલું છે?

FSSAIના જણાવ્યા અનુસાર ફળ અને શાકભાજી પર સ્ટિકર હોવું એ હવે સામાન્ય વાત છે. જોકે મુખ્ય સમસ્યા સ્ટિકરની નથી, એને ચોંટાડવા માટે વપરાતા ગુંદરની છે. મોટા ભાગે આ સ્ટિકરોને એવી રીતે ડિઝાઇન કરવામાં આવે છે કે એ ફળની સપાટી પર મજબૂતીથી ચોંટેલાં રહે. આપણે જ્યારે આ સ્ટિકર ઉખાડીએ છીએ ત્યારે એનો ઝેરી ગુંદર ફળની છાલ પર રહી જાય છે. આ ગુંદર પાણીથી ધોવા છતાં પૂરેપૂરો સાફ થતો નથી.

આરોગ્ય મંત્રાલય હેઠળ કાર્યરત આ સંસ્થાએ પોતાની સોશ્યલ મીડિયા પોસ્ટમાં સ્પષ્ટ લખ્યું છે કે સ્ટિકર લગાવેલું ફળ ખાતાં પહેલાં બે વાર વિચારજો.’ ખાદ્ય સુરક્ષાનાં ધોરણો મુજબ આ ગુંદર ખાવાલાયક હોતો નથી. જો તમે સ્ટિકર કાઢીને સીધું જ ફળ ખાઈ લો છો તો અજાણતાં હાનિકારક કેમિકલ્સ પણ શરીરમાં પધરાવો છો.

સ્વાસ્થ્યને કેવી રીતે નુકસાન?

નિષ્ણાતોના મતે આ સ્ટિકરોમાં વપરાતાં કેમિકલ્સ સ્વાસ્થ્ય માટે અનેક રીતે નુકસાનકારક છે.

૧. કેમિકલની ઝેરી અસર: સ્ટિકર ચોંટાડવાના ગુંદરમાં ઘણી વાર બેન્ઝિન જેવા જોખમી કેમિકલનો ઉપયોગ થાય છે. આ કેમિકલ જો લોહીમાં ભળે તો લાંબા ગાળે શરીરના કોષોને નુકસાન પહોંચાડી શકે છે અને ઝેરી અસર પેદા કરે છે.

૨. પાચનતંત્રની સમસ્યા : સ્ટિકરનો ગુંદર શરીરમાં જવાથી પાચનતંત્ર ખોરવાય છે. એનાથી પેટમાં દુખાવો, અપચો, ગૅસ કે ઍસિડિટી જેવી તાત્કાલિક સમસ્યાઓ ઊભી થઈ શકે છે.

૩. બૅક્ટેરિયલ ઇન્ફેક્શન : સ્ટિકર જ્યાં ચોંટાડેલું હોય છે એની નીચેની સપાટી પર ઘણી વાર ભેજને કારણે બૅક્ટેરિયા જમા થાય છે. આપણે જ્યારે સ્ટિકર કાઢીએ છીએ ત્યારે એ ભાગ બરાબર સાફ કર્યા વગર ખાવાથી ઇન્ફેક્શન થવાનું જોખમ રહે છે.

૪. લિવર અને કિડની પર દબાણ : આપણું શરીર કુદરતી વસ્તુઓ પચાવવા માટે બનેલું છે, રાસાયણિક ગુંદર માટે નહીં. જ્યારે આવાં કેમિકલ્સ શરીરમાં જાય છે ત્યારે લિવર અને કિડનીએ એને શરીરની બહાર કાઢવા માટે વધુ મહેનત કરવી પડે છે, જે લાંબા ગાળે આ અંગોને નબળાં પાડી શકે છે.

healthy living health tips life and style lifestyle news columnists