03 December, 2025 11:29 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
વાળ વગરના દરદીઓ જાણે કે કૅન્સરની ઓળખ બની ગયા છે. આ વાળ ખરી જવાનું કારણ કૅન્સરની એક અત્યંત અસરકારક ટ્રીટમેન્ટ કીમોથેરપી છે. દરદીને કીમો દેવાનું શરૂ થાય કે તેના વાળ ખરવા લાગે છે. જોકે એક વખત કીમો બંધ થાય અને ઇલાજ પૂરો થાય કે એની મેળે વાળ આવી જાય છે. સ્ત્રીઓની વાત કરીએ તો તેને વાળ સાથે અત્યધિક પ્રેમ હોય છે અને વાળ ઊતરી જવાને કારણે તે ઘણું ડિપ્રેસ ફીલ કરતી હોય છે. વાળ ઊતરી જવાની જ આડઅસર સુધી કીમોથેરપી સીમિત નથી. કીમો જીવન બચાવનારી થેરપી સાબિત થઈ છે પરંતુ એની આડઅસરો ઘણી છે. સ્ત્રીને કીમોને કારણે ઇન્ફર્ટિલિટીનો સામનો પણ કરવો પડી શકે છે. આ સિવાય આ એક પીડાદાયક થેરપી પણ છે. અમુક એવા પણ કેસ બને છે કે કીમો તેમને એટલી ભારે પડી કે એ ખમી ન શક્યા અને મૃત્યુ પામ્યા. બાકી અનેક લોકો માટે આ થેરપીએ તેમને નવજીવન આપ્યું છે. કૅન્સરને જડથી દૂર કરવામાં અને ફરીથી એ પાછું ન આવે એ માટે કીમો ઘણી ઉપયોગી થાય છે.
છેલ્લાં થોડાંક વર્ષોમાં લોકોમાં ઍલોપથી ટ્રીટમેન્ટમાં એક મોટો બદલાવ આવ્યો છે. સામાન્ય રીતે ઍલોપથી લક્ષણો પર કામ કરે છે, મૂળ પર નહીં. હવે થોડાં વર્ષોથી ઍલોપથી ઇલાજમાં પણ તેઓ માનવા લાગ્યા છે કે ઇલાજ હંમેશાં વ્યક્તિગત જ હોવો જોઈએ. કૅન્સરમાં પણ આ વ્યક્તિગત ઇલાજનું મહત્ત્વ આવી ગયું છે. આજે વ્યક્તિગત ઇલાજને ધ્યાનમાં રાખીને એવું થયું છે કે અમુક દરદીઓમાં કીમોથેરપી આપવામાં આવતી નથી. દરદીઓમાં અમુક એવા હોય છે જેમને કીમોથેરપીની જરૂર નથી હોતી અને અમુક એવા પણ છે જેમને આપવી અત્યંત જરૂરી છે.
અમુક ખાસ પ્રોટોકૉલ છે જે મુજબ ડૉક્ટર નક્કી કરતા હોય છે. એ સિવાય છેલ્લાં અમુક વર્ષોથી એક ટેસ્ટ છે જેના દ્વારા એ નક્કી કરી શકાય છે. આ ટેસ્ટનું નામ છે ઑન્કોટાઇપ ડીએક્સ ટેસ્ટ. આ ટેસ્ટ દ્વારા જાણી શકાય છે કે ક્યાં દરદીને કીમોની જરૂર છે અને કોને નહીં. આ ટેસ્ટ ફક્ત બ્રેસ્ટ-કૅન્સરના દરદીઓ માટે જ છે. આ સિવાય કૅન્સરનો પ્રકાર બદલે એમ એનો ઇલાજ પણ બદલે છે. અમુક હૉર્મોન રિલેટેડ કૅન્સર હોય તો એની ટ્રીટમેન્ટમાં હૉર્મોનની દવાઓ આપવામાં આવે છે. કૅન્સરના અલગ-અલગ પ્રકાર છે અને એ પ્રકાર પ્રમાણે એનો ઇલાજ હવે થાય છે જે ઘણો ઍડ્વાન્સ્ડ છે. બ્રેસ્ટ-કૅન્સરમાં એક પ્રકારનું કૅન્સર આવું છે જેમાં ફક્ત ગોળીઓ થકી જ ઇલાજ કરવામાં આવે છે. આમ જરૂરી છે કે વ્યક્તિ ઇલાજથી ડરે નહીં અને સમયસર જે તેમને શંકા જાય એનું નિદાન કરાવી લે.