17 September, 2026 09:15 PM IST | Mumbai | Heena Patel
ગણપતિ દર્શન
મોટાં ગણપતિ મંડળોમાં દર્શન એટલે માત્ર ભક્તિ નહીં, ઘણી વખત કલાકો સુધીનું નાઇટઆઉટ હોય છે. એક મંડળથી બીજા મંડળ સુધી ફરવું, લાંબી લાઇનમાં રાહ જોવી અને મોડી રાત સુધી જાગવું હોય ત્યારે શરીરને સતત એનર્જીની જરૂર પડે છે. આવી સ્થિતિમાં ઉતાવળમાં ખાઈ લીધેલું જન્ક-ફૂડ, વારંવારની ચા-કૉફી કે પૂરતું પાણી ન પીવાની આદતને કારણે દર્શનનો ઉત્સાહ ઓસરી શકે છે. ગરમી અને ભીડમાં ડીહાઇડ્રેશનથી લઈને ખાલી પેટે નબળાઈ અને મોડી રાતના હેવી ફૂડથી ઍસિડિટી જેવી સમસ્યાઓ ન થાય એ માટે દર્શનના નાઇટઆઉટ દરમ્યાન ડાયટનું થોડું પ્લાનિંગ જરૂરી છે. ડાયટિશ્યન સકીના પાત્રાવાલા પાસેથી જાણીએ કે દર્શન પહેલાં શું ખાવું, લાઇનમાં શું પીવું અને આખી રાત શું ખાવાથી બચવું.
દર્શન કરવા નીકળવાના એકથી બે કલાક પહેલાં એવું ભોજન લેવું જોઈએ જે પેટમાં હળવું રહે, સરળતાથી પચી જાય અને લાંબા સમય સુધી એનર્જી આપે. માત્ર પેટ ભરવા કરતાં કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન અને થોડી હેલ્ધી ફૅટનું બૅલૅન્સ રાખવું વધુ યોગ્ય છે. આ માટે થોડા ઘીવાળી મગની દાળની ખીચડી, દહીં સાથે બેસનનો પૂડલો, સોયા ચન્ક્સ સાથેનો હળવો પુલાવ જેવા વિકલ્પો લઈ શકાય. ઉતાવળ હોય તો કેળું, એક ચમચી પીનટ બટર અને ચાર-પાંચ પલાળેલી બદામ જેવી સરળ વસ્તુ પણ લઈ શકાય. જોકે દર્શન પહેલાં પેટને ભારે કરી દે એવો ખોરાક ટાળવો. ચણા, રાજમા, કાચી ડુંગળી, કોબી જેવી વસ્તુઓ કેટલાક લોકોમાં ગૅસ અને બ્લોટિંગ વધારી શકે છે. એ જ રીતે તળેલું અને વધુ પડતા મસાલાવાળું ભારે ભોજન લીધા પછી લાંબી લાઇનમાં ઊભા રહેવાથી પેટમાં ભાર, ઍસિડિટી કે અસ્વસ્થતા થઈ શકે છે.
ગરમી અને ભીડમાં કલાકો સુધી બહાર રહેવાથી પરસેવો થાય છે અને એની સાથે શરીરમાંથી પાણી ઉપરાંત સોડિયમ જેવા ઇલેક્ટ્રોલાઇટ્સ પણ નીકળી શકે છે. તેથી હાઇડ્રેશનનું ધ્યાન રાખવું જરૂરી છે. દરેક વ્યક્તિએ સતત ખૂબબધું પાણી પીતા રહેવું જરૂરી નથી. તરસ, ગરમી, પરસેવો અને પોતાની પ્રવૃત્તિ પ્રમાણે પાણી લેવું જોઈએ. થોડા-થોડા અંતરે પાણી પીતા રહેવું વધુ યોગ્ય છે. એકસાથે ગટગટાવીને ઘણું પાણી પીવાનું ટાળવું. વધુ પરસેવો થતો હોય તો પાણી ઉપરાંત નારિયેળપાણી, છાશ અથવા જરૂરિયાત મુજબ ORS લઈ શકાય. જોકે સામાન્ય દર્શન દરમ્યાન દરેક વ્યક્તિને ORSની જરૂર હોતી નથી. ઘરે બનાવેલા ઇલેક્ટ્રોલાઇટ ડ્રિન્કમાં પાણી સાથે થોડું મીઠું, ગોળ અને લીંબુ ઉમેરી શકાય; પરંતુ મીઠું વધુ ન નાખવું. ખાસ કરીને હાઈ બ્લડ-પ્રેશર, કિડની અથવા હૃદયની તકલીફ ધરાવતા લોકોએ વધારાનું મીઠું કે ઇલેક્ટ્રોલાઇટ ડ્રિન્ક લેતાં પહેલાં ડૉક્ટરની સલાહ લેવી. ખૂબ જ ડાર્ક યલો પેશાબ થવો, મોઢું સુકાવું, વધુ તરસ લાગવી, ચક્કર કે નબળાઈ લાગવી જેવાં લક્ષણો ડીહાઇડ્રેશન તરફ સંકેત આપી શકે છે.
આખી રાત દર્શન કરવા નીકળવાના હો તો ભૂખ લાગે ત્યારે રસ્તામાં જે મળે એ ખાવા કરતાં ઘરેથી નાનો નાસ્તો સાથે રાખવો વધુ સારો વિકલ્પ છે. લાંબા ગૅપ પછી એકસાથે ઘણું ખાવાને બદલે જરૂરિયાત મુજબ થોડું-થોડું ખાઈ શકાય. બ્રગમાં શેકેલા મખાના, શેકેલા ચણા, સિંગદાણા, ઓછા તેલનાં મેથીનાં થેપલાં, બદામ-કાજુનો નાનો પોર્શન, ખજૂર, કેળું અથવા નાનો પીનટ/બેસન લાડુ રાખી શકાય. ડ્રાયફ્રૂટ્સ અને નટ્સ પણ વધારે પ્રમાણમાં લેવાને બદલે નાની માત્રામાં લેવા. બાળકો સાથે હોય તો તેમની ઉંમર પ્રમાણે સરળતાથી ખાઈ શકાય એવો નાસ્તો સાથે રાખવો વધુ ઉપયોગી રહેશે. લાંબા સમય સુધી બહાર રહેવાનું હોય તો પાણીની બૉટલ પણ સાથે રાખવી.
નાઇટઆઉટ દરમ્યાન ઊંઘ ન આવે એ માટે વારંવાર કટિંગ ચા, કૉફી કે એનર્જી ડ્રિન્ક લેવાની આદત પડી શકે છે; પરંતુ કૅફીનની વધુ માત્રા કેટલાક લોકોમાં ધબકારા વધવા, બેચેની, ઍસિડિટી અને ઊંઘની ગુણવત્તા બગડવા જેવી સમસ્યાઓ ઊભી કરી શકે છે. ખાસ કરીને ખાલી પેટે વારંવાર ચા કે કૉફી પીવાથી કેટલાક લોકોને ઍસિડિટી થઈ શકે છે. એનર્જી ડ્રિન્ક્સમાં કૅફીન ઉપરાંત ઘણી વખત વધુ શુગર પણ હોય છે એટલે એને થાક દૂર કરવાનો નિયમિત ઉપાય ન બનાવવો. ચા કે કૉફી લેવી હોય તો પોતાની સામાન્ય ટેવ પ્રમાણે મર્યાદિત પ્રમાણમાં લેવી. ઊંઘ ઉડાડવા માટે વારંવાર કૅફીન લેવાને બદલે પાણી પીવું અને હળવો નાસ્તો કરવો વધુ યોગ્ય છે.
ગણપતિના નાઇટઆઉટમાં રસ્તા પર મળતાં ગરમાગરમ વડાપાંઉ, ભજિયાં, મિસળ-પાંઉ, ચાઇનીઝ, પીત્ઝા કે અન્ય સ્ટ્રીટ-ફૂડનો લોભ થવો સ્વાભાવિક છે; પરંતુ મોડી રાત્રે ખૂબ તેલવાળું, મસાલેદાર કે ભારે ભોજન લેવાથી કેટલાક લોકોને ઍસિડિટી, ગૅસ, બ્લોટિંગ અને પાચનની તકલીફ થઈ શકે છે. કોલ્ડ ડ્રિન્ક્સ અને વધુ ખાંડવાળાં પીણાંને તરસ છિપાવવાના મુખ્ય વિકલ્પ ન બનાવવાં. બહાર કંઈ ખાવું જ હોય તો તાજું બનેલું અને ઓછા તેલ-મસાલાવાળા ઇડલી-સાંભાર, સાદો ઢોસો, વેજ સૅન્ડવિચ કે શેકેલી મકાઈ જેવા વિકલ્પો પસંદ કરી શકાય. ફ્રૂટ્સ ખાવાં હોય તો એ સ્વચ્છ અને હાઇજીનિક જગ્યાએ તાજાં કાપેલાં હોય એનું ધ્યાન રાખવું. ખૂબ તળેલું, વધારે ચીઝ-બટરવાળું કે ભારે મસાલેદાર ફૂડ ટાળવું. આખો દિવસ ઓછું ખાઈને રાત્રે એકસાથે ઘણું જન્ક-ફૂડ ખાવા કરતાં વચ્ચે નાનો, સંતુલિત નાસ્તો કરવો વધુ યોગ્ય છે.
લાંબા સમય સુધી બહાર રહેતી વખતે બાળકો અને વડીલો માટે ખાસ ધ્યાન રાખવું. બાળકોને લાંબા સમય સુધી ભૂખ્યાં ન રાખવાં અને તેમની ઉંમર પ્રમાણે પાણી તથા નાનો નાસ્તો આપતા રહેવું. માત્ર ચિપ્સ, ચૉકલેટ કે કોલ્ડ ડ્રિન્ક્સને નાસ્તાનો વિકલ્પ ન બનાવવાં. વડીલોએ પણ પોતાની દવાઓ અને ભોજનના સમયનું ધ્યાન રાખવું જરૂરી છે. ડાયાબિટીઝ, હાઈ બ્લડ-પ્રેશર, કિડની કે હૃદયની તકલીફ ધરાવતા લોકોએ પોતાની તબીબી સ્થિતિ પ્રમાણે ડાયટ અને પ્રવાહીનું પ્રમાણ નક્કી કરવું.
આખી રાત જાગ્યા પછી બીજા દિવસે શરીરને ફરી હાઇડ્રેટ અને રીચાર્જ કરવા માટે ખોરાક હળવો અને સરળતાથી પચી શકે એવો રાખવો. ઊઠ્યા પછી એકસાથે ઘણું પાણી પીવાને બદલે ધીમે-ધીમે પાણી પીવું. નાસ્તામાં દહીં-ભાત અથવા કેળાં સાથે ઓટ્સ જેવો સરળ વિકલ્પ લઈ શકાય. બપોર પહેલાં નારિયેળપાણી કે છાશ લઈ શકાય. બીજા દિવસે પણ ખૂબ તળેલું, મસાલેદાર ખાવાનું અને વધારે પડતી ચા-કૉફી ટાળવાં. રાત્રે હળવું અને વહેલું ભોજન કરીને પૂરતી ઊંઘ લેવી જરૂરી છે કારણ કે નાઇટઆઉટ પછી શરીરને માત્ર ખોરાક નહીં, ઊંઘથી પણ રિકવરી મળે છે.
ભક્તિમાં ઉત્સાહ સ્વાભાવિક છે, પરંતુ શરીર નબળું લાગે ત્યારે એને અવગણવું નહીં. ચક્કર, વધારે નબળાઈ, ઊલટી કે અસ્વસ્થતા લાગે તો ‘થોડું સહન કરો, દર્શન થઈ જવા દો’ એવું ન કરવું. જરૂર પડે તો તરત આરામ કરવો અને તબીબી મદદ લેવી.
દર્શન પહેલાં સંતુલિત ભોજન, વચ્ચે જરૂર મુજબ પાણી અને પૌષ્ટિક નાસ્તો તથા જન્ક-ફૂડ અને વધુ પડતા કૅફીનનું પ્રમાણ ઓછું રાખવાથી નાઇટઆઉટ વધુ આરામથી પસાર કરી શકાય છે. ગણપતિબાપ્પાનાં દર્શન કરીને ઘરે પાછા ફરતી વખતે સાથે માત્ર પ્રસાદ અને યાદો જ નહીં, સારી તબિયત પણ લઈને આવવાનું છે.