20 January, 2026 04:18 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતિકાત્મક ફાઇલ તસવીર
આજના ડિજિટલ યુગમાં સ્માર્ટફોન આપણા જીવનનું અભિન્ન અંગ છે એમાં કોઈ બેમત નહીં. જરૂરિયાત પૂરતો સ્માર્ટફોનનો વપરાશ કરે એ પોતે પણ સ્માર્ટ પરંતુ એનો વધુપડતો ઉપયોગ માનસિક સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમ ઊભું કરી શકે છે એ વાત જાણ્યા પછી પણ તમે તેને વળગેલા રહો તો તમે સ્માર્ટ નહીં, મૂરખ ગણાઓ. તાજેતરમાં બ્રિટનની એક મહિલાએ પોતાની વાત શૅર કરી જેમાં દરરોજના સરેરાશ આઠ કલાકના સ્માર્ટફોનના ઉપયોગે તેની માનસિક હાલતની પથારી ફેરવી નાખી એની ચર્ચા સાથે પોતે કયા ઇલાજ દ્વારા આ લતમાંથી પીછો છોડાવ્યો એની પણ ચર્ચા કરી છે. આજે એ ઇલાજ વિશે આપણે વાત કરીએ.
કેવા પ્રૉબ્લેમ?
દિવસના આઠ કલાક ફોન વાપરવાથી સતત સ્ટ્રેસ, ઊંઘમાં ખલેલ અને સોશ્યલ આઇસોલેશન જેવા પ્રૉબ્લેમ્સ થઈ શકે. યુનિવર્સિટી ઑફ કૅલિફૉર્નિયાના પ્રોફેસર કેલેબ વૉર્ડ જેવા નિષ્ણાતો દ્વારા કરાયેલાં સંશોધનો પણ આ વાતની પુષ્ટિ કરે છે કે ડિજિટલ ઉપકરણોનો વધુપડતો ઉપયોગ ખરેખર ચિંતા અને હતાશાનું જોખમ વધારી શકે છે, કારણ કે સ્ક્રીન-ટાઇમ કૉર્ટિસૉલ નામના સ્ટ્રેસ-હોર્મોનનું પ્રમાણ વધારી શકે છે અને ઊંઘના ચક્રને નિયંત્રિત કરતા મેલૅટોનિનના ઉત્પાદનમાં ખલેલ પહોંચાડે છે.
કેમ છૂટવું?
હવે મોટા ભાગના લોકોના ફોનમાં એક ફીચર હોય છે જેમાં ફોન તમે અલાર્મ સેટ કરો એ રીતે અમુક સમય પછી સંપૂર્ણ ગ્રે સ્કેલ એટલે કે બ્લૅક ઍન્ડ વાઇટ નોડ પર કન્વર્ટ થઈ જાય. સ્લીપ મોડ તરીકે પણ આ મોડ ઓળખાય છે. વૈજ્ઞાનિકો આ ઉપાયને ‘ડિજિટલ ડીટૉક્સ`ના ભાગરૂપે અસરકારક માને છે. નિષ્ણાતો કહે છે કે માનવમગજ રંગો પ્રત્યે ખૂબ જ સંવેદનશીલ હોય છે. ઍપ્લિકેશન ડેવલપર્સ જાણી જોઈને સૂચનો માટે લાલ રંગ, લિન્ક માટે વાદળી રંગ જેવા તેજસ્વી અને આકર્ષક રંગોનો ઉપયોગ કરે છે જે મગજમાં હૅપી હૉર્મોન મુક્ત કરે છે, જેનાથી આપણને સતત ફોન જોવાની લત લાગે છે. જ્યારે ફોનને ગ્રે સ્કેલ મોડ પર સેટ કરવામાં આવે છે ત્યારે એના પ્રત્યેનું આકર્ષણ ઘટે છે, કારણ કે બધા રંગો દૂર થતાં સ્ક્રીન નીરસ બની જાય છે. સ્ક્રીન ઓછી ઉત્તેજક બનતાં મગજમાં ડોપમીનનું ઉત્સર્જન ઓછું થાય છે, જેનાથી ફોન વારંવાર ચેક કરવાની ફરજ ઘટે છે. યુઝર માટે સોશ્યલ મીડિયા ઍપ્લિકેશન અથવા વિડિયો-કન્ટેન્ટ કંટાળાજનક બનવા લાગે છે, પરિણામે સ્ક્રીન-ટાઇમમાં આપોઆપ ઘટાડો થાય છે.
ક્યારેક સૌથી ગંભીર સમસ્યાઓનો ઉકેલ પણ ટેક્નૉલૉજીની અંદર રહેલા એક નાના ફેરફાર દ્વારા મેળવી શકાય છે.