04 May, 2026 03:06 PM IST | Mumbai | Heena Patel
પ્રતીકાત્મક તસવીર
ઉનાળાના આકરા તાપ અને વધતી જતી ગરમી સામે શરીરને અંદરથી ઠંડક આપવા માટે ગુલકંદ શ્રેષ્ઠ આયુર્વેદિક અમૃત સમાન છે. સૂર્યનો પારો જ્યારે ઊંચો ચડે છે ત્યારે શરીરમાં પિત્ત અને ગરમીનું પ્રમાણ વધવા લાગે છે જેને કારણે ઍસિડિટી, બળતરા અને અશક્તિ જેવી સમસ્યાઓ સર્જાય છે. આવા સમયે દેશી ગુલાબની પાંખડીઓ અને ખડીસાકરમાંથી બનેલું આ મિશ્રણ માત્ર સ્વાદિષ્ટ જ નહીં, સ્વાસ્થ્ય માટે સુરક્ષાકવચ પણ સાબિત થાય છે. આજે આપણે માટુંગામાં આવેલા ત્રિતત્ત્વમ મલ્ટિ-સ્પેશ્યલિટી ક્લિનિકનાં ડિરેક્ટર અને આયુર્વેદ કન્સલ્ટન્ટ ડૉ. શીતલ ચિંતન ત્રિવેદી પાસેથી ગુલકંદ વિશે તમામ માહિતી મેળવી લઈએ.
દેશી ગુલાબ અને ખડીસાકરનું મિશ્રણ (ગુલકંદ) આયુર્વેદની અત્યંત પ્રભાવશાળી શીતળ ઔષધીય બનાવટ છે. આયુર્વેદમાં એને શતપત્રી (૧૦૦ પાંખડીઓવાળું) અને તરુણી જેવાં સુંદર નામોથી ઓળખવામાં આવે છે. આયુર્વેદિક દવાઓ બનાવવા માટે મુખ્યત્વે દેશી ગુલાબની કળીઓનો ઉપયોગ કરવામાં આવે છે. ભારતમાં ગુલાબની લાલ અને ગુલાબી એમ બે પ્રમુખ જાત જોવા મળે છે. ગુલાબની પાંખડીઓમાં વિપુલ પ્રમાણમાં વિટામિન C અને B કૉમ્પ્લેક્સ હોય છે જે આપણને બીમારીઓ સામે લડવાની શક્તિ આપે છે. એમાં રહેલાં કુદરતી તત્ત્વો શરીરના કોષોને નુકસાન થતું અટકાવે છે અને સોજો કે બળતરા ઓછી કરે છે.
આયુર્વેદના સુપ્રસિદ્ધ ગ્રંથ ભાવપ્રકાશ નિઘંટુમાં ગુલાબને માત્ર સુગંધિત પુષ્પ જ નહીં, શક્તિશાળી ઔષધ તરીકે પણ દર્શાવવામાં આવ્યું છે. નિષ્ણાતોના મતે ગુલાબ એના વિશિષ્ટ ગુણોને કારણે શરીર માટે અનેક રીતે ફાયદાકારક છે. ગુલાબને ઠંડું, હૃદય માટે હિતકારી, વીર્ય વધારનારું, ત્રિદોષ (વાત, પિત્ત, કફ) શામક, રક્તશુદ્ધિ કરનારું અને ચામડીના રોગોમાં ગુણકારી માનવામાં આવ્યું છે.
પાચન અને પિત્તનું શમન : ગુલાબ કુદરતી રીતે તૂરો અને સહેજ કડવો રસ ધરાવે છે જે પાચનક્રિયાને સુધારવામાં અત્યંત મદદરૂપ છે. એ શરીરમાં જમા થયેલા વધારાના પિત્તને ઓછું કરીને ઍસિડિટી જેવી સમસ્યાઓમાં રાહત આપે છે.
શરીરની આંતરિક બળતરામાં રાહત : ગુલકંદનો સ્વભાવ ઠંડો હોવાથી એ મોંમાં પડતાં ચાંદાં, પેટમાં થતી બળતરા, છાતીમાં થતી બળતરા, આંખોની બળતરા તેમ જ પેશાબમાં થતી બળતરા જેવી સમસ્યાઓમાં ખૂબ જ ફાયદો કરે છે.
પગનાં તળિયાંની બળતરા : જે લોકોને સતત પગનાં તળિયાંમાં બળતરા થતી હોય તેમના માટે ગુલકંદનું સેવન આશીર્વાદ સમાન છે, કારણ કે એ શરીરની વધારાની ગરમીને બહાર કાઢવામાં મદદ કરે છે.
ત્વચાની સમસ્યાઓ અને ખીલ : યુવાવસ્થામાં હૉર્મોનલ ફેરફારો અથવા લોહીની ગરમીને કારણે થતા ખીલ, ફોલ્લી અને ગૂમડાંમાં ગુલકંદ ખૂબ જ ગુણકારી છે. એ લોહીને શુદ્ધ કરીને ત્વચામાં ઠંડક પહોંચાડે છે.
ઉનાળામાં લૂ અને ઊર્જા માટે : ઉનાળાની કાળઝાળ ગરમીમાં લૂથી બચવા માટે ગુલકંદનું શરબત ઉત્તમ છે. એ ગરમી સામે રક્ષણ આપવાની સાથે શરીરમાં તરત જ ઊર્જા પૂરી પાડે છે.
સ્ત્રીરોગમાં ઉપયોગી : માસિક ધર્મ દરમ્યાન જો વધુ રક્તસ્રાવ થતો હોય તો ગુલકંદ એને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત માસિક પહેલાં થતા મૂડ-સ્વિંગ્સ, માથાનો દુખાવો અને ચીડિયાપણામાં પણ એ મનને શાંત રાખે છે.
કીમોથેરપીમાં સહાયક : કૅન્સરની સારવાર દરમ્યાન થતી કીમોથેરપીની ઘણી આડઅસરો હોય છે. ગુલકંદ મોંનાં ચાંદાં, અત્યંત થાક, ત્વચા પરનાં ચકામાં અને રક્તસ્રાવ જેવાં લક્ષણોમાં સહાયક અથવા સપોર્ટિવ સારવાર તરીકે ખૂબ જ મદદગાર સાબિત થાય છે.
ગુલકંદ લેવાનો શ્રેષ્ઠ સમય પિત્તકાળ છે. એટલે કે સવારે દસથી બપોરે બે વાગ્યા દરમ્યાન લેવું. આયુર્વેદ મુજબ દિવસના આ સમયગાળામાં શરીરમાં પિત્ત કુદરતી રીતે એની ચરમસીમાએ હોય છે. ગુલકંદ સ્વભાવે અત્યંત શીતળ છે. શરીરમાં જ્યારે પિત્ત અને ગરમીનું પ્રમાણ વધારે હોય ત્યારે ગુલકંદ એ પિત્તને શાંત કરવામાં અને શરીરમાં ઠંડક જાળવવામાં સૌથી વધુ અસરકારક સાબિત થાય છે. ગુલકંદ પાચન માટે પણ સારું માનવામાં આવે છે. પિત્તકાળ દરમ્યાન આપણી પાચનશક્તિ (જઠરાગ્નિ) તેજ હોય છે એટલે આ સમયે લીધેલું ગુલકંદ પિત્તના દોષોને દૂર કરીને પાચન સુધારે છે. જે લોકોને ઍસિડિટી, પેટમાં બળતરા કે પેશાબમાં બળતરા જેવી સમસ્યાઓ હોય તેમને આ પિત્તકાળમાં ગુલકંદ લેવાથી મહત્તમ ફાયદો મળે છે.
એક સામાન્ય પુખ્ત વ્યક્તિ દિવસ દરમ્યાન ત્રણથી પાંચ ગ્રામ ગુલકંદ લઈ શકે છે. ઘરગથ્થુ માપ પ્રમાણે આ માત્રા અંદાજે એક નાની ચમચી (ટીસ્પૂન) જેટલી થાય છે. તમારી જરૂરિયાત અને શરીરની પ્રકૃતિ મુજબ દિવસમાં એકથી બે વાર આ માત્રામાં સેવન કરી શકાય છે.
ડાયાબિટીઝ : ડાયાબિટીઝના દરદીઓએ ગુલકંદનું સેવન ખૂબ જ ઓછી માત્રામાં અને ક્યારેક જ કરવું જોઈએ, કારણ કે ગુલકંદ બનાવવા માટે ખાંડ અથવા ખડીસાકરનો ઉપયોગ થાય છે જે લોહીમાં શુગરનું સ્તર વધારી શકે છે.
ઝાડા અને મરડો : જો કોઈ વ્યક્તિને ઝાડા કે મરડા જેવી પેટની સમસ્યા હોય તો તેણે ગુલકંદ લેવાનું ટાળવું જોઈએ. ગુલકંદ પ્રકૃતિમાં ઠંડું અને રેચક (લેક્સેટિવ) હોવાથી એ આવી સ્થિતિમાં પાચનતંત્ર પર વધુ ભાર આપી શકે છે.
વારંવાર શરદી અને ઉધરસ : જે લોકોને વારંવાર શરદી-ખાંસી થતી હોય અથવા શરીરમાં કફનું પ્રમાણ વધારે રહેતું હોય તેમણે ગુલકંદ ન લેવું જોઈએ. ગુલકંદનો ગુણ અત્યંત શીતળ છે જે કફની સમસ્યામાં વધારો કરી શકે છે.
ACનો ઉપયોગ : જે લોકો સતત ACમાં રહેતા હોય તેમણે ગુલકંદનું સેવન ઓછું અને માપસર કરવું જોઈએ. ACનું વાતાવરણ પહેલેથી જ ઠંડું હોવાથી અને ગુલકંદ પણ ઠંડક આપતું હોવાથી શરીરમાં વધુ પડતી ઠંડક ન થાય એ માટે આ સાવચેતી જરૂરી છે.
બહારના તૈયાર ગુલકંદમાં રિફાઇન્ડ શુગર હોય છે જેના સેવનથી ફાયદાને બદલે નુકસાન વધુ થાય છે. તૈયાર ગુલકંદમાં ખાંડનું પ્રમાણ ખૂબ વધારે હોય છે જે લોહીમાં શર્કરાનું સ્તર ઝડપથી વધારે છે. ડાયાબિટીઝના દરદીઓ માટે આ અત્યંત નુકસાનકારક સાબિત થઈ શકે છે. આયુર્વેદ મુજબ ગુલકંદનો મુખ્ય હેતુ પિત્તનું શમન કરવાનો છે, પરંતુ સફેદ ખાંડ ઘણી વાર ઍસિડિટી અને શરીરમાં સોજો વધારી શકે છે જે ગુલકંદના મૂળ ફાયદાઓને નષ્ટ કરે છે. રિફાઇન્ડ શુગરના વધુપડતા સેવનથી શરીરમાં ચરબી જમા થાય છે જે વજન વધારવા અને મેદસ્વિતા જેવી સમસ્યાઓ માટે જવાબદાર બને છે. તૈયાર ગુલકંદમાં ક્યારેક પ્રિઝર્વેટિવ્સ પણ હોઈ શકે છે જે લાંબા ગાળે પાચનતંત્રને નુકસાન પહોંચાડે છે. એટલે જાતે જ ઘરે બનાવેલું અથવા વૈદ્યકીય દેખરેખમાં બનાવેલું ગુલકંદ વાપરવું જોઈએ.
ગુલકંદમાં સાકરનું પ્રમાણ વધી ન જાય એ માટે નીચે મુજબની બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે જેથી એ પૌષ્ટિક અને હેલ્ધી બની રહે:
૧:૧નું પ્રમાણ : સામાન્ય રીતે ગુલકંદમાં ગુલાબની પાંખડીઓ અને સાકરનું પ્રમાણ સરખું (૧:૧) રાખવામાં આવે છે. જો તમને ઓછું મીઠું પસંદ હોય તો તમે સાકરનું પ્રમાણ થોડું ઘટાડી શકો છો.
ગુલાબની પાંખડીઓની ગુણવત્તા : તાજી અને સુગંધિત દેશી ગુલાબની પાંખડીઓનો ઉપયોગ કરો જે વધુ સ્વાસ્થ્યપ્રદ હોય છે.
સાકર અથવા ગોળનો ઉપયોગ : ખાંડને બદલે ખડીસાકર અથવા ગોળનો ઉપયોગ કરવો વધુ હિતાવહ છે.
સૂર્યપ્રકાશમાં સૂકવવું : ગુલકંદને કાચની બરણીમાં ભરીને સાતથી ૧૦ દિવસ સુધી તડકામાં રાખવાથી એ કુદરતી રીતે તૈયાર થાય છે અને વધુપડતી ખાંડની જરૂર રહેતી નથી.
ગુલકંદ અને દૂધનું શરબત ઉનાળા માટે માત્ર સ્વાદિષ્ટ જ નહીં, સ્વાસ્થ્ય માટે પણ પાવરહાઉસ સમાન પીણું છે.
સામગ્રી : દૂધ ૧ ગ્લાસ (ઠંડું), ગુલકંદ ૧-૨ ચમચી, વરિયાળીનો પાઉડર ૧/૨ ચમચી (વધુ ઠંડક માટે), એલચી પાઉડર ચપટી
રીત : બધી સામગ્રીને મિક્સરમાં એક વાર ફેરવી લો અથવા હાથથી બરાબર હલાવી લો. ગુલકંદમાં સાકર હોય જ છે એટલે અલગથી ખાંડ ઉમેરવાની જરૂર રહેતી નથી.
સામગ્રી : નારિયેળનું છીણ એક કપ, કન્ડેન્સ્ડ મિલ્ક અડધો કપ, ગુલકંદ બે-ત્રણ મોટી ચમચી, ઘી એક ચમચી, ડ્રાયફ્રૂટ્સ એક મોટી ચમચી (ઝીણાં સમારેલાં), એલચી પાઉડર પા ચમચી
રીત : એક પૅનમાં એક ચમચી ઘી ગરમ કરો. એમાં નારિયેળનું છીણ ઉમેરો. એને ધીમી આંચ પર બેથી ૩ મિનિટ સુધી શેકો જેથી એની કચાશ દૂર થાય અને સુગંધ આવે. હવે એમાં કન્ડેન્સ્ડ મિલ્ક ઉમેરો અને સતત હલાવતા રહો. મિશ્રણ ઘટ્ટ થઈને પૅન છોડવા લાગે ત્યાં સુધી એને રાંધો. આ મિશ્રણમાં એલચી પાઉડર અને ઝીણાં સમારેલાં ડ્રાયફ્રૂટ્સ ઉમેરીને બરાબર મિક્સ કરી લો. ત્યાર બાદ મિશ્રણને એક પ્લેટમાં કાઢીને થોડું ઠંડું થવા દો. હથેળીમાં થોડું ઘી લગાવીને નારિયેળના મિશ્રણનો એક નાનો લૂઓ લો. એને વચ્ચેથી થોડો ચપટો કરીને એમાં અડધી ચમચી જેટલું ગુલકંદ ભરો. એને ચારે બાજુથી બંધ કરીને ગોળ લાડુનો આકાર આપો. તૈયાર થયેલા લાડુને કોરા નારિયેળના છીણમાં રગદોળી લો જેથી એ દેખાવમાં વધુ આકર્ષક લાગે. તમારા હેલ્ધી અને ટેસ્ટી ગુલકંદ-નારિયેળના લાડુ તૈયાર છે.