માત્ર અથાણું જ નહીં, સ્વાસ્થ્યનો ખજાનો છે ગૂંદાં

21 April, 2026 02:56 PM IST  |  Mumbai | Heena Patel

ઉનાળાની ઋતુમાં જ્યારે તાજાં ગૂંદાં ‍આવે ત્યારે ઘરે આખા વર્ષ માટે ગૂંદાંનું અથાણું બનાવવામાં આવતું હોય છે. નાના એવા આ ફળમાં અનેક ઔષધીય ગુણો સમાયેલા છે.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)

ઉનાળાની ઋતુમાં જ્યારે તાજાં ગૂંદાં ‍આવે ત્યારે ઘરે આખા વર્ષ માટે ગૂંદાંનું અથાણું બનાવવામાં આવતું હોય છે. નાના એવા આ ફળમાં અનેક ઔષધીય ગુણો સમાયેલા છે. સામાન્ય ખાંસી અને ઍસિડિટીથી લઈને ડાયાબિટીઝ, સાંધાના દુખાવા અને ચામડીના વિકારો સુધીના અનેક રોગોમાં એ શરીરને લડવાની શક્તિ આપે છે...

બૅન્ગલોરની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ હૉર્ટિકલ્ચરના રિસર્ચ મુજબ ઇન્ડિયન બેરી એટલે કે ગૂંદાં ઍન્ટિ-ડાયાબિટીઝ ગુણો ધરાવે છે. ઉનાળાની શરૂઆત થતાં જ બજારમાં ગૂંદાંની આવક વધવા લાગે છે. મોટા ભાગનાં ગુજરાતી ઘરોમાં ગૂંદાંનો ઉપયોગ અથાણાં બનાવવા માટે થતો હોય છે. આયુર્વેદિક દૃષ્ટિએ જોઈએ તો ગૂંદાં માત્ર એક ફળ નથી પણ ઉનાળાની ઋતુમાં શરીરને સ્વસ્થ રાખતું મહત્ત્વનું ઔષધ છે. ચાલો આયુર્વેદિક એક્સપર્ટ ડૉ. જૈના પટવા પાસેથી જાણીએ ગૂંદાંના ફાયદા અને એના ઉપયોગની સાચી રીતો.

ગૂંદાનો આયુર્વેદિક પ્રોફાઇલ
ગૂંદાની પ્રકૃતિ અને એની શરીર પર થતી અસરોને સમજવા માટે એનો આયુર્વેદિક પ્રોફાઇલ જાણવો જરૂરી છે.
રસ : એ મુખ્યત્વે મધુર અને તૂરો છે, જ્યારે એમાં થોડો કડવો અંશ પણ હોય છે.
ગુણ : એ ચીકણો/લીસો અને પચવામાં ભારે છે.
પોષણશક્તિ : ગૂંદાની પ્રકૃતિ શીત એટલે કે ઠંડી છે.
પાચન પછીની અસર : પાચન પછી એ મધુર પ્રભાવ છોડે છે.
દોષ પર અસર : એ મુખ્યત્વે પિત્ત અને વાતદોષને સંતુલિત કરે છે, જ્યારે એના અમુક ભાગો વધારાના કફને ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે.
આયુર્વેદ મુજબ ગૂંદાંનું સેવન ઉનાળાની ઋતુમાં વિશેષ ગુણકારી છે. ગ્રીષ્મ ઋતુમાં જ્યારે સખત ગરમી અને ડીહાઇડ્રેશનને કારણે શરીરમાં પિત્તનું પ્રમાણ વધી જાય છે ત્યારે ગૂંદાંનો ઠંડો પ્રભાવ શરીરને આંતરિક રીતે શાંત રાખવામાં અને ઊર્જા જાળવી રાખવામાં મદદ કરે છે.

વિશેષ ગુણો 
ચીકાશ : ગૂંદાની કુદરતી ચીકાશ એક સૉલ્યુબલ ફાઇબર તરીકે કામ કરે છે, જે શરીરમાં ગ્લુકોઝના શોષણને ધીમું પાડે છે.
ઍન્ટિ-ઑક્સિડન્ટ્સ : એમાં રહેલા પૉલિફિનોલ્સ સોજા (ઇન્ફ્લેમેશન) ઘટાડવામાં અને ચયાપચયની ક્રિયા સુધારવામાં મદદ કરે છે.

ગૂંદાના અનેક લાભો
ડાયાબિટીઝ માટે ઉપયોગી : ગૂંદામાં કાર્બોહાઇડ્રેટ્સનું પ્રમાણ મધ્યમ છે, પરંતુ એમાં ફાઇબર અને ચીકાશ ભરપૂર હોવાથી એ ભોજન પછી બ્લડ-શુગરમાં થતા અચાનક વધારાને અટકાવે છે. ડાયાબિટીઝના દરદીઓ માટે મર્યાદિત માત્રામાં ગૂંદાનું સેવન હિતાવહ છે.
વેઇટ મૅનેજમેન્ટ માટે : એમાં ફૅટ નહીંવત્ છે અને મિનરલ્સ સારા પ્રમાણમાં છે. આથી એ કૅલરીથી ભરપૂર ફળ હોવાને બદલે એક લાઇટ સપોર્ટિવ ફૂડ તરીકે કામ કરે છે.
શીતળ અને પિત્તશામક : એ શરીરમાં બળતરા, ઍસિડિટી અને ગરમીને કારણે થતા થાકને ઘટાડવામાં મદદ કરે છે.
શ્વસનતંત્ર માટે સહાયક : પરંપરાગત રીતે એનો ઉપયોગ ઉધરસ, અસ્થમા અને શરીરમાં વધારાના કફની સ્થિતિમાં કરવામાં આવે છે.
પાચનમાં મદદરૂપ : પ્રકૃતિમાં થોડાં ભારે હોવા છતાં જ્યારે મસાલાઓ સાથે એનું સેવન કરવામાં આવે ત્યારે એ પાચનશક્તિ સુધારે છે.
ત્વચાના રોગોમાં ગુણકારી : ખરજવું અને દાદર જેવી સ્થિતિમાં એનો આંતરિક અને બાહ્ય એમ બન્ને રીતે ઉપયોગ ફાયદાકારક છે.
મૂત્રમાર્ગનું સ્વાસ્થ્ય : પેશાબમાં થતી બળતરામાં રાહત આપે છે.
બળવર્ધક : પરંપરાગત રીતે એનો ઉપયોગ થાક ઘટાડવા માટે થાય છે.
સાંધામાં ચીકાશ : એમાં રહેલો કુદરતી ચીકણો પદાર્થ સાંધાના લુબ્રિકેશનને જાળવી રાખવામાં મદદ કરે છે, જે ઘૂંટણના ઘસારાને ઓછો કરે છે.

આયુર્વેદ મુજબ ગૂંદાંના સેવનની પદ્ધતિઓ
આયુર્વેદમાં હંમેશાં ખોરાકના સ્વરૂપ અને એના મિશ્રણ પર ભાર મૂકવામાં આવે છે.
અથાણું : આ સૌથી ઉત્તમ રીત છે. રાયડાના કુરિયા, હિંગ, હળદર અને તેલ સાથે તૈયાર કરવામાં આવેલું ગૂંદાંનું અથાણું એના ભારે સ્વભાવને સંતુલિત કરે છે અને પાચનશક્તિ વધારે છે.
શાક : પાચનમાં મદદ કરતા મસાલાઓ ઉમેરીને બનાવેલું હળવું રાંધેલું શાક સ્વાસ્થ્યપ્રદ રહે છે.
તાજો રસ : પરંપરાગત રીતે શરીરમાં ઠંડક મેળવવા અને શ્વસનસંબંધી ફાયદા માટે ઓછી માત્રામાં તાજા રસનો ઉપયોગ કરવામાં આવે છે.

આયુર્વેદિક ઘરગથ્થુ ઉપચારો
ઍસિડિટી અને શરીરની ગરમી માટે : જો શરીરમાં આંતરિક ગરમી વધી ગઈ હોય તો ગૂંદાંના તાજા પલ્પમાં એક ચપટી રૉક સૉલ્ટ નાખીને ખાવાથી રાહત મળે છે.
કફ અને ડ્રાયનેસ માટે : ગૂંદાંના પલ્પમાં થોડું મધ મિક્સ કરીને ખાવાથી ગળાની ડ્રાયનેસ અને કફમાં રાહત મળે છે. 
ત્વચા માટે : પરંપરાગત રીતે ગૂંદાની છાલની પેસ્ટ ખંજવાળ અથવા ફંગલ ઇન્ફેક્શન જેવી ત્વચાની સમસ્યામાં લગાવવામાં આવે છે.
થાક અને નબળાઈ માટે : ગૂંદાંની સીઝન દરમ્યાન નિયમિતપણે થોડા પ્રમાણમાં એનું (અથાણા સ્વરૂપે) સેવન કરવાથી શરીરમાં તાકાત અને પાણીનું સ્તર જળવાઈ રહે છે.

આયુર્વેદિક ઋતુચર્યાનું પર્ફેક્ટ ઉદાહરણ
ગૂંદાંને જે બાબત ખરેખર ખાસ બનાવે છે એ માત્ર એના ઔષધીય ગુણો નથી પણ એનું સીઝનલ ટાઇમિંગ છે. કુદરતે ગૂંદાંને બજારમાં મોકલવા માટે ઉનાળાની એ જ કાળઝાળ ગરમીનો સમય પસંદ કર્યો છે જ્યારે આપણા શરીરને એની સૌથી વધુ જરૂર હોય છે. આયુર્વેદનો એક પાયાનો સિદ્ધાંત છે ઋતુચર્યા, જેનો સરળ અર્થ છે બદલાતી ઋતુઓ સાથે તાલ મિલાવીને જીવવું. ગૂંદાં ઉનાળાના એ ટૂંકા ગાળામાં જ દેખાય છે જ્યારે શરીરને ૩ મુખ્ય બાબતોની સૌથી વધુ જરૂર હોય છે.

શીતળતા : વધતા જતા તાપમાન સામે શરીરના આંતરિક તાપમાનને જાળવી રાખવા માટે.
હાઇડ્રેશન : કોષો અને સાંધાઓમાં કુદરતી ચીકાશ અને ભેજનું પ્રમાણ ટકાવી રાખવા માટે.
જેન્ટલ નરિશમેન્ટ : ગરમીને કારણે ઘટતી જતી ભૂખ અને ઊર્જાની વચ્ચે હળવું પણ સચોટ પોષણ આપવા માટે.
ગૂંદાં જ્યારે એની કુદરતી સીઝનમાં ઉપલબ્ધ હોય ત્યારે એનું સેવન કરવું એ માત્ર સ્વાદની વાત નથી પણ શરીરને બદલાતા વાતાવરણ સાથે અનુકૂળ કરવાની રીત છે. એ આપણી ઊર્જા ટકાવી 
રાખે છે અને ઋતુ બદલાતી વખતે થતી શારીરિક અસંતુલન જેવી સમસ્યાઓને અટકાવે છે.

મૉડર્ન મેડિસિનની દૃષ્ટિએ ગૂંદામાં રહેલાં મુખ્ય પોષક તત્ત્વો (પ્રતિ ૧૦૦ ગ્રામ)
એનર્જી : ૭૦–૯૦ કૅલરી
કાર્બોહાઇડ્રેટ્સ : ૧૫–૨૦ ગ્રામ
ડાયટરી ફાઇબર : ૪–૬ ગ્રામ
પ્રોટીન : ૧–૨ ગ્રામ
ફેટ : ૦.૫–૧ ગ્રામ
વિટામિન C : રોગપ્રતિકારક શક્તિ અને ત્વચાના સ્વાસ્થ્ય માટે
કૅલ્શિયમ : ૪૦–૬૦ મિલીગ્રામ (હાડકાં અને સ્નાયુઓની મજબૂતી માટે)
આયર્ન : ૧–૨ મિલીગ્રામ (હીમોગ્લોબિન વધારવામાં મદદરૂપ)
પોટૅશિયમ : ૧૫૦–૨૫૦ મિલીગ્રામ (હૃદયના સ્વાસ્થ્ય અને બ્લડપ્રેશર 
જાળવવા માટે)

ગૂંદાંનો જૂસ 
ગૂંદાં મુખ્યત્વે અથાણાં કે શાક બનાવવા માટે વપરાય છે, પરંતુ એને બાફીને કે પલ્પ તૈયાર કરીને જૂસ પણ બનાવી શકાય છે. ગૂંદાંનો જૂસ ઉનાળામાં સ્વાસ્થ્ય માટે સારો માનવામાં આવે છે.
ગૂંદાંનો જૂસ બનાવવાની રીત
સામગ્રી : ૧ કપ પાકાં ગૂંદાં (ધોયેલાં), ૨-૩ ગ્લાસ પાણી, સાકર અથવા ગોળ (સ્વાદ મુજબ), ૧ ચમચી સંચળ (કાળું મીઠું), ૧ ચમચી લીંબુનો રસ (ઑપ્શનલ), ફુદીનાનાં પાન અને બરફના ટુકડા (સર્વિંગ માટે)
બનાવવાની રીત : સૌપ્રથમ ગૂંદાંને ધોઈ એમાં બે ગ્લાસ પાણી ઉમેરીને કુકરમાં ૩-૪ સીટી વાગે ત્યાં સુધી બાફી લો. ગૂંદાં ઠંડાં થાય એટલે એની છાલ અને ઠળિયા અલગ કરી લો. માત્ર એનો પલ્પ અલગ કરી લો. મિક્સરના જારમાં બાફેલા ગૂંદાંનો પલ્પ, સાકર/ગોળ, સંચળ અને જરૂર મુજબ પાણી ઉમેરીને પીસી લો. તૈયાર થયેલા મિશ્રણને ગરણીથી ગાળી લો જેથી એ સ્મૂધ બને. ગ્લાસમાં બરફના ટુકડા, જૂસ અને ઉપરથી થોડો લીંબુનો રસ તથા ફુદીનાનાં પાન ઉમેરીને ઠંડું-ઠંડું સર્વ કરો.

ધ્યાન રાખવા જેવી બાબત
ગૂંદામાં પ્રોટીન કે ચરબીનું પ્રમાણ ઘણું ઓછું હોય છે, પરંતુ ફાઇબર, હાઇડ્રેશન અને ઔષધીય તત્ત્વો એને ખાસ બનાવે છે. આ જ કારણ છે કે એ મેટાબૉલિક બૅલૅન્સ (ચયાપચયના સંતુલન) માટે એક આદર્શ અને પૂરક સીઝનલ સુપરફૂડ તરીકે સાબિત થાય છે. 
ગૂંદાં પ્રકૃતિમાં ભારે હોવાથી એનું સેવન મર્યાદિત માત્રામાં અને બપોરના ભોજન (દિવસના સમયે) દરમ્યાન કરવું વધુ હિતાવહ છે. ગૂંદાં માત્ર અથાણાની સામગ્રી નથી, પરંતુ એક સીઝનલ ફંક્શનલ ફૂડ છે. જો એનો સાચી રીતે ઉપયોગ કરવામાં આવે તો એ સ્વાદની સાથે ઔષધનું કામ પણ કરે છે.
આયુર્વેદના નિયમ મુજબ કોઈ પણ ઔષધની અસર વ્યક્તિની પોતાની પ્રકૃતિ, તેની પાચનશક્તિ (અગ્નિ) અને વર્તમાન સ્વાસ્થ્ય પર નિર્ભર કરે છે. આથી ગૂંદાંનું સેવન કરતી વખતે વ્યક્તિગત જરૂરિયાતોને ધ્યાનમાં રાખવી પણ એટલી જ જરૂરી છે.

ઇન્ટરેસ્ટિંગ ફૅક્ટ
ગૂંદાની સૌથી મોટી ઓળખ એની અંદર રહેલી અત્યંત ચીકાશ છે. આ વિશે એક ખૂબ જ રોચક પાસું એ છે કે પ્રાચીન સમયમાં જ્યારે આજના જેવો સિન્થેટિક ગુંદર ઉપલબ્ધ નહોતો ત્યારે અડધા પાકેલા ગૂંદાના પલ્પનો ઉપયોગ કાગળ ચોંટાડવા માટે કરવામાં આવતો હતો.

આ એક શુષ્ક પ્રદેશનું ફ‍ળ છે. એ ખાસ કરીને રાજસ્થાન અને ગુજરાતના શુષ્ક અને રેતાળ પ્રદેશોમાં ખૂબ જ સારી રીતે ફૂલેફાલે છે. ઓછું પાણી હોવા છતાં આ વૃક્ષ મબલક ફળ આપે છે.
ગૂંદાની ચીકણી પ્રકૃતિને કારણે એને ગ્લુબેરી અને બર્ડ લાઇમ જેવાં નામ આપવામાં આવ્યાં છે. ગ્લુબેરી નામ એની અંદર રહેલા ગુંદર જેવા પદાર્થને કારણે, જ્યારે બર્ડ લાઇમ નામ એટલા માટે કે પક્ષીઓને પકડવા માટેની લાકડીઓ પર આ ફળની ચીકાશ લગાવવામાં આવતી હતી, જેના પર પક્ષીઓ બેસે એટલે એમના પંજા ચોંટી જતા. હિન્દીમાં એ લસોડા નામે ઓળખાય છે.

ayurveda healthy living health tips mental health life and style lifestyle news