08 April, 2025 06:53 AM IST | Mumbai | Heena Patel
પ્રતીકાત્મક તસવીર
વાળને લાંબા, ચમકદાર અને મજબૂત કરવા માટે આપણે માથામાં તેલ લગાવી છીએ પણ એને અપ્લાય કરવાની ખોટી રીતને કારણે ભારતીયોમાં વાળ ખરવાની અને વાળ સફેદ થવાની સમસ્યા ખૂબ વધી રહી હોવાનું સેલિબ્રિટી હેરસ્ટાઇલિસ્ટ જાવેદ હબીબનું કહેવું છે. લોકોમાં વધી રહેલી વાળ ખરવાની અને વાળ સફેદ થવાની સમસ્યા વિશે વાત કરતી વખતે એક ઇન્ટરવ્યુમાં જાવેદ હબીબે કહ્યું હતું, ‘ભારતના લોકોમાં માથામાં તેલ લગાવવાને લઈને કેટલીક ગેરમાન્યતાઓને કારણે આ સમસ્યા વધી રહી છે. આપણા વાળ માટે આવશ્યક જે પણ ઑઇલ અને કેમિકલ્સ છે એ અગાઉથી જ આપણા શરીરમાં છે. બહારથી વાળમાં કોઈ ઑઇલ લગાવવાની જરૂર નથી. દેશમાં જે પાણી છે એ હાર્ડ વૉટર છે, જે વાળની શાઇન લઈ લે છે. એ ચમકને પાછી લાવવા માટે વાળમાં ઑઇલ લગાવવામાં આવે જેથી વાળ મૉઇશ્ચરાઇઝ્ડ રહે. જોકે આપણે લાંબો સમય સુધી તેલ લગાવીએ એને કારણે સ્કૅલ્પ પર એટલે કે માથાના તાળવા પર જે મૉલેક્યુલ્સ છે એ બ્લૉક થઈ જાય છે. એને કારણે પછી વાળ સંબંધિત સમસ્યા ઊભી થાય છે. એટલે તેલ લગાવવું પણ હોય તો એને આખી રાત માથામાં લગાવીને રાખવા કરતાં વાળ ધોવાના હોય એના થોડા સમય પહેલાં લગાવવું જોઈએ. થોડી વારમાં પછી વાળ શૅમ્પૂથી ધોઈ નાખવા જોઈએ.’
આ વિશે જણાવતાં ડર્મેટોલૉજિસ્ટ ડૉ. મૃણાલ શાહ મોદી કહે છે, ‘તમે તેલ લગાવીને લાંબો સમય સુધી છોડી મૂકો તો સ્કૅલ્પમાં ધૂળ, ગંદકી જામે છે. એને કારણે હેર ફોલિકલ્સને નુકસાન પહોંચે છે અને હેરફૉલ, ડૅન્ડ્રફ જેવી સમસ્યા શરૂ થઈ જાય છે. ઘસી-ઘસીને માથામાં તેલ લગાવવાનું જે કલ્ચર છે એ ફક્ત ભારતમાં જ છે. તમારા વાળના રૂટ્સ અગાઉથી જ જો નબળા હોય અને તમે ઘસીને તેલ લગાવવા જાઓ તો એને કારણે વાળ વધુ ડૅમેજ થઈ જાય છે. જો તમારે તેલ લગાવવું જ હોય તો વાળ પર લગાવો, એને સ્કૅલ્પ પર ઘસવાની કોઈ જરૂર નથી. ઘણી વાર લોકો સોશ્યલ મીડિયા પર જોઈને અન્યનનું ઑઇલ કે જડીબુટ્ટીઓમાંથી બનેલું ઑઇલ ખરીદી લેતા હોય છે, પણ એનું તેમને ઍલર્જિક રીઍક્શન થઈ જતું હોય છે. વાળ ખરવાનાં બીજાં પણ ઘણાં કારણ છે. મારા મતે ભારતમાં વાળ ખરવાનું સૌથી સામાન્ય કારણ શરીરમાં આવશ્યક પોષક તત્ત્વોની ઊણપ છે. એમાં પણ ખાસ કરીને વિટામિન D3, વિટામિન B12ની ઊણપ વધુ જોવા મળે છે. એ સિવાય શરીરમાં હીમોગ્લોબિનની કમી, હૉર્મોનલ ઇમ્બૅલૅન્સને કારણે વાળ ખરતા હોય છે. ઘણી વાર તીવ્ર ડાયટિંગ કરીને જેમણે વેઇટલૉસ કર્યું હોય અને એને કારણે શરીરમાં પોષક તત્ત્વોની ઊણપ થઈ ગઈ હોય તો પણ હેરફૉલ થાય છે.’
વાળને ચાર પેઢીમાં કઈ રીતે વહેંચવામાં આવે છે?
આપણા વાળને ચાર જનરેશનમાં ડિવાઇડ કરવામાં આવે છે. છેક છેવાડાના ડ્રાય થઈ ગયેલા વાળને ગ્રૅન્ડમા હેર, છેડાથી ઉપરના વાળને મમ્મા હેર, ખભા પાસેના વાળને યંગ હેર અને તાળવાથી નજીકના વાળને બેબી હેર કહેવાય. આ તમામ જગ્યાએ તેલ લગાવવાની અને ધોવાની પ્રક્રિયા અલગ હોય છે. આ વિશે વાત કરતાં ડર્મેટોલૉજિસ્ટ ડૉ. પૂજા દેસાઈ કહે છે, ‘આપણા જે બેબી હેર હોય એ સૌથી સારા હોય. એટલે કે એ વાળ જાડા અને મજબૂત હોય છે. એનું કારણ એ છે કે આપણા સ્કૅલ્પનું જે ઑઇલ હોય એ એને સરખી રીતે મળે છે. આપણે દાંતિયાથી વાળ ઓળાવીએ ત્યારે સ્કૅલ્પનું જે ઑઇલ હોય એ યંગ હેર સુધી પહોંચે છે. એટલે યંગ હેરને પણ ઑઇલનું પોષણ મળી જાય છે. એટલે એની ક્વૉલિટી પણ સારી હોય છે. સ્કૅલ્પનું ઑઇલ મમ્મા અને ગ્રૅન્ડમા હેર સુધી પહોંચતું નથી એટલે એ નીચેના વાળ સામાન્ય રીતે પાતળા અને રુક્ષ લાગતા હોય છે. આપણા નીચેના વાળ હોય એની સાથે ઘર્ષણ પણ બહુ થાય એટલે એ આપણા કપડાં સાથે કે ઓશીકા સાથે ઘસાયા કરતા હોય એને કારણે પણ એ ડ્રાય થવા લાગે છે. સ્પ્લિટ એન્ડ્સની સમસ્યા થાય. એટલે તેલ લગાડવાનું હોય ત્યારે એને ઉપરના વાળમાં લગાવવા કરતાં નીચેનો જે ભાગ છે એના પર લગાડવું જોઈએ જેથી તમારા રુક્ષ વાળ મૉઇશ્ચરાઇઝ્ડ રહે. સ્કૅલ્પની સ્કિનમાંથી નીકળતા ઑઇલને કારણે માથામાં ધૂળ, પ્રદૂષણ, ફંગસ ગ્રો થવા લાગે છે. એટલે વાળ ધોવાના હોય ત્યારે ઉપરના વાળ પર સરખી રીતે શૅમ્પૂ લગાવીને ધોવા જોઈએ. નીચેના વાળ હોય એમાં વધારે શૅમ્પૂ યુઝ કરવાનું ટાળવું જોઈએ, નહીંતર એ વાળને વધુ ડ્રાય કરી શકે. એ સિવાય નીચેના વાળને હંમેશાં ઉપરથી નીચે હાથ ફેરવીને જ ધોવાના. તમે એને એકદમ નીચેથી પકડીને બે હાથથી ઘસી નાખો તો એના કારણે પણ વાળને નુકસાન પહોંચે છે.’