25 July, 2026 01:55 PM IST | Mumbai | Dr. Rishita Bochia Joshi
તસવીર ડિઝાઇનઃ કિશોર સોસા
સુંદર અને ટકાઉ ઘર બનાવવા મજબૂત પાયો, સારી અને યોગ્ય સામગ્રી તેમજ કુશળ કામદારોની જરૂર પડે છે તેમ આપણા શરીરનું સર્વાંગી સ્વાસ્થ્ય જળવાય તે માટે ખોરાક, કસરત અને મનની સ્વસ્થતા જરૂરી છે. ખોરાક આપણા શરીરને ઊર્જા આપે છે. નિયમિત કસરત શરીરને મજબૂત બનાવે છે, સાથે સાથે મનને તેજ અને તણાવમુક્ત રાખે છે. આમ સર્વાંગી સ્વાસ્થ્ય માટે તન અને મન બન્ને સ્વસ્થ હોવા ખૂબ જરુરી છે. સોશ્યલ મીડિયા જ્યારે આંગળીના ટેરવે છે ત્યારે સરળતાથી માહિતી મળી જાય કે, સર્વાંગી સ્વાસ્થ્ય માટે શું ખાવું જોઈએ? ડાયટિંગમાં કઈ બાબતોનું ધ્યાન રાખવું? કઈ કસરત કરવી જોઈએ? માનસિક શાંતિ માટે શું જરુરી છે? વગેરે વગેરે બધી જ માહિતી મળી જાય છે. પરંતુ વ્યક્તિ દીઠ દરેક બાબત જુદી-જુદી હોય છે. પણ સર્વાંગી સ્વાસ્થ્યને લગતી કેટલીક બાબતો બહુ કૉમન હોય છે. તમને મૂંઝવણ થતી હોય કે સુખાકારી અને સર્વાંગી સ્વાસ્થ્ય માટે શું કરવું તો ગુજરાતી મિડ-ડે ડોટ કોમ તમારી માટે લઈને આવ્યું છે – ‘હેલ્થ ફંડા’ (Health Funda). જેમાં દર શનિવારે ‘હેલ્થ એન ફૂડવિલા’ (Health n Foodvilla)નાં ડાયટિશન અને ફૂડ ન્યુટ્રિશનિસ્ટ, હોલિસ્ટિક ફંક્શનલ હેલ્થ કૉચ ડૉ. રિશિતા બોચિયા જોષી (Dr. Rishita Bochia Joshi) ખોરાક, શારિરીક સ્વાસ્થ્ય અને માનસિક સ્વાસ્થ્યને લગતા વિષયો પર આપણી સાથે વાત કરશે.
આજે તેઓ વાત કરવાના છે સી બકથોર્ન જ્યુસ વિશે. જે હિમાલયના દુર્ગમ પહાડોમાં ઊગતા ઘાટા નારંગી રંગના બોરમાંથી બને છે. વેલનેસ અને હેલ્થની દુનિયામાં દર થોડા વર્ષે એક નવું "સુપરફૂડ" આવે છે, જે સ્વાસ્થ્યને સંપૂર્ણપણે બદલી નાખવાનો દાવો કરે છે. આ સીઝનમાં, તે સ્પોટલાઇટ કોઈ વિદેશી ફળ પર નહીં, પણ આપણા દેશના જ હિમાલયની ગોદમાં ઊગતા એક અનોખા ફળ પર શિફ્ટ થઈ છે — અને તે છે સી બકથોર્ન જ્યુસ (Sea Buckthorn Juice).
લદ્દાખની ખીણોમાં -૪૦ ડિગ્રી જેટલા થીજવી દેતા માઇનસ તાપમાનમાં ઊગતા આ ઘાટા નારંગી રંગના નાના-નાના બોરને સ્થાનિક ભાષામાં `સંજેત` કે `છર્મા` કહેવામાં આવે છે, જ્યારે વૈજ્ઞાનિક ભાષામાં તેને Hippophae rhamnoides તરીકે ઓળખવામાં આવે છે.
પણ શું સી બકથોર્ન ખરેખર આધુનિક વેલનેસનું "પવિત્ર ફળ" છે કે પછી આ પણ સમય જતાં ગાયબ થઈ જતો માત્ર એક ટ્રેન્ડ છે? ચાલો, સાયન્સ અને પરંપરા બંને શું કહે છે તે સમજીએ.
સી બકથોર્ન - કુદરતનો અનોખો ખજાનો, ન્યુટ્રિશનથી ભરપૂર સામાન્ય ફળો કરતાં સી બકથોર્ન તદ્દન અલગ અને અદભુત છે. તેમાં સંતરા કરતાં ૧૦ ગણું વધુ વિટામિન C હોય છે, તેની સાથે વિટામિન E, બીટા-કેરોટીન અને ભરપૂર માત્રામાં એન્ટિ-ઓક્સિડન્ટ્સ પણ રહેલા છે.
પણ તેની સૌથી અદ્ભુત વાત તેનો લિપિડ પ્રોફાઇલ (સારા ફેટ્સ) છે. આ પૃથ્વી પરના બહુ જૂથ ધરાવતા વનસ્પતિ સ્ત્રોતોમાંથી એક છે જેમાં તમામ ચારેય ઓમેગા ફેટી એસિડ્સ મળેલા છે — ઓમેગા - ૩, ૬, ૯ અને અત્યંત દુર્લભ એવું ઓમેગા-૭ (Palmitoleic acid). ઓમેગા-૭ આપણી સ્કીનને હાઇડ્રેટ રાખવામાં, ટિશ્યુના પુનઃનિર્માણમાં અને કોષોના સ્વાસ્થ્યમાં મહત્વનો ભાગ ભજવે છે.
રોગપ્રતિકારક શક્તિ અને એનર્જી: વિટામિન Cથી ભરપૂર હોવાથી તે સીઝનલ ઈન્ફેક્શન, શરદી-ઉધરસ અને પ્રદૂષણ સામે ઈન્સ્ટન્ટ શીલ્ડ (રક્ષણ) આપે છે.
ચામડી અને પાચન: તેનું ઓમેગા-૭ શરીરના કોલાજન (Collagen) પ્રોડક્શનને વધારે છે, જેનાથી સ્કીનની શુષ્કતા ઘટે છે અને પાચનતંત્રના ગટ લાઇનિંગને મજબૂત બનાવે છે.
હૃદયનું સ્વાસ્થ્ય: તેમાં રહેલા નેચરલ ફેટ્સ અને એન્ટિ-ઓક્સિડન્ટ્સ હૃદય માટે ખૂબ જ ઉપયોગી છે.
સી બકથોર્નનો સ્વાદ કુદરતી રીતે જ ખૂબ ખાટો અને થોડો તૂરો હોય છે. ૨૦ થી ૩૦ એમ.એલ. રો (Raw/Unsweetened) જ્યુસને એક ગ્લાસ નવશેકા કે હૂંફાળા પાણીમાં મિક્સ કરીને સવારે ખાલી પેટે અથવા બે ભોજનની વચ્ચે પીવો સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે.
કુદરતી ઉપચારો ખૂબ શક્તિશાળી હોય છે, પરંતુ એટલું યાદ રાખવું કે, `એક સરખો નિયમ બધાને લાગુ પડે` તેવા નથી હોતા. એટલે અમુક લોકોએ સી બકથોર્ન પીતા પહેલા સાવચેતી રાખવી.
એસિડિટી અને સંવેદનશીલ પેટ: વિટામિન Cનું અતિશય પ્રમાણ હોવાથિ અને ખાટું હોવાથી, જેમને એસિડિટી કે રિફ્લક્સની તકલીફ હોય તેમને પેટમાં બળતરા થઈ શકે છે.
બ્લડ થિનર્સ (લોહી પાતળું કરવાની દવાઓ લેતા હોય તે લોકો): સી બકથોર્નમાં કુદરતી રીતે લોહી પાતળું કરવાનો ગુણ છે. જો તમે લોહી પાતળું કરવાની દવાઓ લેતા હોવ, તો આ જ્યુસ લેવાનું ટાળો.
ડાયાબિટીસની દવાઓ: તે બ્લડ શુગર કંટ્રોલ કરવામાં મદદ કરે છે, પણ જો તમે ડાયાબિટીસની ભારે દવાઓ લેતા હોવ તો તેની સાથે સી બકથોર્ન લેવાથી શુગર લેવલ અચાનક બહુ ઘટી જવાનું (Hypoglycaemia) જોખમ રહે છે.
સગર્ભા અને સ્તનપાન કરાવતી માતાઓ: સગર્ભા સ્ત્રીઓ અને બાળકોને દૂધ પીવડાવતી માતાઓએ આ સમયગાળા દરમિયાન સી બકથોર્ન પીવાનું ટાળવું જોઈએ.
સી બકથોર્ન કોઈ માત્ર વેચાણ વધારવાની આધુનિક માર્કેટિંગ ગિમિક નથી — આ હિમાલયનો એક અસલી અને કિંમતી ખજાનો છે. હંમેશાં કોઈપણ પ્રકારની ખાંડ કે આર્ટિફિશિયલ કલર વગરનો પ્યોર, ઓર્ગેનિક પલ્પ વાળો જ્યુસ પસંદ કરો, તેને પાણીમાં ભેળવીને પીઓ અને પહાડોની આ પ્રાચીન ઔષધિના અદભુત ગુણોનો લાભ લો!
(શબ્દાંકનઃ રચના જોષી)