19 September, 2026 12:35 PM IST | Mumbai | Dr. Rishita Bochia Joshi
તસવીર ડિઝાઇનઃ કિશોર સોસા
સુંદર અને ટકાઉ ઘર બનાવવા મજબૂત પાયો, સારી અને યોગ્ય સામગ્રી તેમજ કુશળ કામદારોની જરૂર પડે છે તેમ આપણા શરીરનું સર્વાંગી સ્વાસ્થ્ય જળવાય તે માટે ખોરાક, કસરત અને મનની સ્વસ્થતા જરૂરી છે. ખોરાક આપણા શરીરને ઊર્જા આપે છે. નિયમિત કસરત શરીરને મજબૂત બનાવે છે, સાથે સાથે મનને તેજ અને તણાવમુક્ત રાખે છે. આમ સર્વાંગી સ્વાસ્થ્ય માટે તન અને મન બન્ને સ્વસ્થ હોવા ખૂબ જરુરી છે. સોશ્યલ મીડિયા જ્યારે આંગળીના ટેરવે છે ત્યારે સરળતાથી માહિતી મળી જાય કે, સર્વાંગી સ્વાસ્થ્ય માટે શું ખાવું જોઈએ? ડાયટિંગમાં કઈ બાબતોનું ધ્યાન રાખવું? કઈ કસરત કરવી જોઈએ? માનસિક શાંતિ માટે શું જરુરી છે? વગેરે વગેરે બધી જ માહિતી મળી જાય છે. પરંતુ વ્યક્તિ દીઠ દરેક બાબત જુદી-જુદી હોય છે. પણ સર્વાંગી સ્વાસ્થ્યને લગતી કેટલીક બાબતો બહુ કૉમન હોય છે. તમને મૂંઝવણ થતી હોય કે સુખાકારી અને સર્વાંગી સ્વાસ્થ્ય માટે શું કરવું તો ગુજરાતી મિડ-ડે ડોટ કોમ તમારી માટે લઈને આવ્યું છે – ‘હેલ્થ ફંડા’ (Health Funda). જેમાં દર શનિવારે ‘હેલ્થ એન ફૂડવિલા’ (Health n Foodvilla)નાં ડાયટિશન અને ફૂડ ન્યુટ્રિશનિસ્ટ, હોલિસ્ટિક ફંક્શનલ હેલ્થ કૉચ ડૉ. રિશિતા બોચિયા જોષી (Dr. Rishita Bochia Joshi) ખોરાક, શારિરીક સ્વાસ્થ્ય અને માનસિક સ્વાસ્થ્યને લગતા વિષયો પર આપણી સાથે વાત કરશે.
આજના ‘હેલ્થ ફંડા’ના એપિસોડમાં ડૉ. રિશિતા બોચિયા જોષી વાત કરે છે, તમારી ફૂડ ક્રેવિંગ્સ નક્કી કરે છે કે, તમારું સ્વાસ્થ્ય કેવું છે?
"કંઈક ગળ્યું (Sweet) ખાવાનું મન થાય છે..."
"બસ આજે તો ચા અને ભજીયા મળી જાય તો મજા આવી જાય!"
"જમ્યા પછી જો કંઈક ગળ્યું ન મળે, તો લાગે કે જમવાનું પૂરું જ નથી થયું."
"નાસ્તામાં આજે ચા સાથે થોડી વેફર્સ, ચિપ્સ કે કુરકુરે ખાઈ લઈએ!"
જીવનમાં ક્યારેક ને ક્યારેક આમાંથી એક વાક્ય જરૂર બોલ્યા હશો. આપણી ક્રેવિંગ્સ (ચોક્કસ ખોરાક ખાવાની તીવ્ર ઈચ્છા) આપણી ભારતીય આહાર સંસ્કૃતિ સાથે ખૂબ ઊંડેથી જોડાયેલી છે — જમ્યા પછી મીઠાઈ, ચા સાથે ફરસાણ અને નમકીન, વીકેન્ડમાં ભજીયા, વરસાદની ઋતુમાં ગરમાગરમ પકોડા અને જ્યારે ચટપટો સ્વાદ જોઈએ ત્યારે તીખું-ચટપટું સ્ટ્રીટ ફૂડ!
પરંતુ અહીં એક રસપ્રદ અને મહત્વનો પ્રશ્ન એ ઊભો થાય છે: શું તમારી આ ક્રેવિંગ માત્ર સ્વાદની એક ઈચ્છા છે, કે પછી તમારું શરીર તમને અંદરથી કોઈ સંકેત આપી રહ્યું છે?
ખોરાકની ક્રેવિંગ્સ પાછળ ભૂખ, માનસિક તણાવ, અપૂરતી ઊંઘ, ભાવનાત્મક ફેરફારો, રોજિંદી ટેવો અને તમારો અત્યંત કડક ડાયેટ પ્લાન પણ જવાબદાર હોઈ શકે છે. જો તમને સતત કોઈ ચોક્કસ ખોરાક ખાવાની ઈચ્છા થતી હોય, તો તેનું યોગ્ય આકલન કરવું જરૂરી છે.
તમારા "સ્વીટ ટૂથ" (ગળ્યું ખાવાની ટેવ) ને દોષ આપતા પહેલાં તમારા રોજના ભોજન પર નજર કરો. જો તમારા દિવસની શરૂઆત કે સવારનો નાસ્તો માત્ર ચા-ટોસ્ટનો હોય, બપોરના ભોજનમાં પ્રોટીનની માત્રા ઓછી હોય અને આખી સાંજ માત્ર કોફીના ભરોસે નીકળતી હોય, તો તમારું શરીર ખરેખર ભૂખ્યું હોય છે અને તે ત્વરિત ઊર્જા (Quick Energy) માટે ગળ્યા ખોરાકની માગ કરે છે. આ ઉપરાંત, માનસિક તણાવ અને અપૂરતી ઊંઘ પણ વધુ કેલરી અને ગળ્યા ખોરાક તરફનું આકર્ષણ વધારી દે છે.
ઉકેલ: ખાંડ કે ગળપણને સંપૂર્ણપણે આરોગવાની બંધ કરી દેવું એ આનો ઉપાય નથી. તમારા ભોજનમાં પ્રોટીન, ફાઈબર, હેલ્ધી ફેટ્સ અને ઓછા પ્રોસેસ્ડ થયેલા કાર્બોહાઈડ્રેટ્સ ઉમેરો, જેથી સાંજે ૫ વાગ્યે તમારું શરીર ઊર્જા વગર તદ્દન થાકી ન જાય.
ઘણીવાર આ માત્ર એક ઈનામ (Reward) કે માનસિક ટેવ હોઈ શકે છે — ખાસ કરીને જો તમારું મગજ સમોસા, ભજિયા કે ફ્રેન્ચ ફ્રાઈસને માનસિક શાંતિ કે રિલેક્સેશન સાથે જોડતું હોય. પરંતુ જો તમારો એકંદર આહાર ખૂબ કડક હોય કે તેમાં હેલ્ધી ફેટ્સની તીવ્ર ઉણપ હોય, તો પણ આવું થઈ શકે છે.
ઉકેલ: તમારા આહારમાં બદામ, અખરોટ, સીડ્સ (બીજ), ડેરી પ્રોડક્ટ્સ કે યોગ્ય વિકલ્પો અને મર્યાદિત માત્રામાં હેલ્ધી ઓઈલનો સમાવેશ કરવાનું ભૂલશો નહીં.
તીખું કે નમકીન ખોરાક ખાવાની તીવ્ર ઈચ્છા આપણી રોજિંદી ટેવો અને સ્વાદની પસંદગીથી પ્રભાવિત હોઈ શકે છે. આ ઉપરાંત, શરીરમાં થતા હોર્મોનલ ફેરફારો (Hormonal Shifts) પણ નમકીન કે તીખું ખાવાની ઈચ્છા પાછળ જવાબદાર હોઈ શકે છે.
આ સામાન્ય ક્રેવિંગ કરતાં સાવ અલગ બાબત છે. જો કોઈ વ્યક્તિને સતત બરફ ચાવવાનું મન થતું હોય કે ચોક, માટી કે અન્ય અખાદ્ય વસ્તુઓ ખાવાની ઈચ્છા થતી હોય (જેને પિકા - Pica કહે છે), તો તે શરીરમાં આયર્નની ઉણપથી થતા એનિમીયા (Iron Deficiency Anemia) કે કેલ્શિયમની ઉણપ સાથે જોડાયેલું હોઈ શકે છે. આ સ્થિતિમાં માત્ર ક્રેવિંગ સંતોષવાને બદલે યોગ્ય તબીબી તપાસ (Medical Evaluation) કરાવવી જરૂરી છે.
"મારામાં કયા વિટામિનની ઉણપ છે?" એવો પ્રશ્ન પૂછવાને બદલે, તમારી જાતને એક વધુ સાચો અને વ્યવહારિક પ્રશ્ન પૂછો - "મારા શરીરને અત્યાર સુધી શું મળી રહ્યું છે — અને તેમાં શાની ઉણપ રહી ગઈ છે?"
* શું તમે પૂરતા પ્રમાણમાં પ્રોટીન ખાઈ રહ્યા છો?
* શું તમારા આહારમાં પૂરતું ફાઈબર અને આખો ખોરાક (Whole Foods) છે?
* શું તમે દિવસ દરમિયાન પૂરતું પાણી પીઓ છો?
* શું તમારી ઊંઘ યોગ્ય રીતે પૂરી થાય છે?
* શું તમે વચ્ચે ભોજન સ્કીપ (નિયમિત સમયે ન ખાવું) કરો છો?
* શું તમે કેલરી ઘટાડવા માટે શરીર પર વધુ પડતું નિયંત્રણ મૂકી રહ્યા છો?
ઈમર્જન્સીમાં જ્યારે પણ ગુલાબજાંબુ કે ચોકલેટ ખાવાનું મન થાય ત્યારે ગભરાવાની કે તરત જ પોતાની જાતે કોઈ વિટામિનની ઉણપનું નિદાન કરી લેવાની જરૂર નથી. પરંતુ જો આ ક્રેવિંગ્સ વારંવાર થતી હોય, ખૂબ તીવ્ર હોય અથવા તેની સાથે સતત થાક, પાચનની સમસ્યાઓ કે અન્ય લક્ષણો દેખાતા હોય, તો ક્રેવિંગથી આગળ વધીને તમારા આહારની સમગ્ર પેટર્નને સમજવાનો સમય આવી ગયો છે.
કારણ કે સારું પોષણ (Good Nutrition) એટલે તમારી ક્રેવિંગ્સ સામે સતત લડવું નહીં, પરંતુ તમારા શરીરની જરૂરિયાતોને એટલી યોગ્ય રીતે સમજવી કે આ ક્રેવિંગ્સ તમારી ડાયેટ, થાળી અને સ્વાસ્થ્ય પર કાબૂ ન મેળવી શકે.
(શબ્દાંકનઃ રચના જોષી)